શું બંધારણથી હટશે 'ધર્મનિરપેક્ષ' અને 'સમાજવાદી' શબ્દ? સુપ્રીમ કોર્ટ નવેમ્બરમાં કરશે સુનાવણી
Image: X
Supreme Court of India: બંધારણની પ્રસ્તાવનાથી 'ધર્મનિરપેક્ષ' અને 'સમાજવાદી' શબ્દ હટાવવાની માગ વાળી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આગામી મહિને સુનાવણી કરશે. શરુઆતમાં કોર્ટે અરજીઓ પર સવાલ ઉઠાવતાં કહ્યું કે આ શબ્દ બંધારણની મૂળ ભાવના અનુસાર છે. જોકે, બાદમાં કોર્ટે કહ્યું કે તે 18 નવેમ્બરથી શરુ થઈ રહેલા સપ્તાહમાં વિસ્તારપૂર્વક અરજીકર્તાઓની વાત સાંભળશે.
સુપ્રીમ કોર્ટમાં દાખલ 3 અરજીઓમાં કહેવામાં આવ્યું છે કે 1976માં 42માં બંધારણ સુધારા દ્વારા પ્રસ્તાવનામાં આ શબ્દ જોડવામાં આવ્યા હતા. ત્યારે ઇમરજન્સી લાગુ હતી. વિપક્ષના નેતા જેલમાં હતા. કોઈ ચર્ચા વિના રાજકીય કારણોથી આ શબ્દ પ્રસ્તાવનામાં નાખી દેવામાં આવ્યા.
અરજીકર્તાના વકીલે કરી આ દલીલ
અરજીકર્તા બલરામ સિંહના વકીલ વિષ્ણુ જૈન અને અરજીકર્તા અશ્વિની ઉપાધ્યાયે એ પણ કહ્યું કે બંધારણ સભાએ ખૂબ ચર્ચા બાદ એ નક્કી કર્યુ હતું કે ધર્મનિરપેક્ષ શબ્દ પ્રસ્તાવનાનો ભાગ હશે નહીં. તેની પર 2 જજોની બેન્ચની અધ્યક્ષતા કરી રહેલા જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું, 'શું તમે ઇચ્છતા નથી કે ભારત ધર્મનિરપેક્ષ રહે? ભારતમાં ધર્મનિરપેક્ષતા ફ્રાંસમાં પ્રચલિત અવધારણાથી અલગ છે. જ્યારે બંધારણ સભાની ચર્ચા ચાલી રહી હતી, ત્યારે તે એક વિદેશી વિચાર વિશે હતી. ભારતમાં ધર્મનિરપેક્ષતા અલગ રૂપમાં છે. સુપ્રીમ કોર્ટ પણ ઘણા નિર્ણયોમાં ધર્મનિરપેક્ષતાને બંધારણનું અભિન્ન ભાગ કહી ચૂક્યું છે.'
આ પણ વાંચો: જાતિનો ઉલ્લેખ નહીં હોય તો SC-ST એક્ટ હેઠળ અપરાધ નહીં ગણાય, સુપ્રીમકોર્ટનો મહત્ત્વનો ચુકાદો
સુબ્રમણ્યમ સ્વામીએ પણ પોતાની વાત મૂકી
આની પર ત્રીજા અરજીકર્તા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે કોર્ટે મામલાને વિસ્તારપૂર્વક સાંભળવો જોઈએ. એ જોવું જોઈએ કે પ્રસ્તાવનાને 26 નવેમ્બર 1949માં બંધારણ સભાએ સ્વીકાર કર્યો હતો પરંતુ 1976માં તેને બદલી દેવાયો. આ સુધારા બાદ પણ પ્રસ્તાવનામાં એ લખ્યું છે કે તેનો 26 નવેમ્બર 1949એ સ્વીકાર કરવામાં આવ્યો. જજોએ એ વાત પર સંમતિ વ્યક્ત કરી છે કે જૂની તારીખને અકબંધ રાખતાં આ પ્રકારની નવી વાતો જોડવા પર વિચારની જરૂર છે.
સમાજવાદ શબ્દ હટાવવાને લઈને વકીલોએ કરી આ દલીલ
સુનાવણી દરમિયાન એ વાત પણ ઊભી થઈ કે સમાજવાદ એક પ્રકારની રાજકીય વિચારધારા છે. દરેક પાર્ટીના નેતા જનપ્રતિનિધિ બન્યા બાદ બંધારણની શપથ લે છે. દરેક વિચારધારાના વ્યક્તિને સમાજવાદી હોવાના શપથ અપાવવા ખોટું છે. આની પર જસ્ટિસ ખન્નાએ કહ્યું કે સમાજવાદને એક રાજકીય વિચારધારાના બદલે એ રીતે પણ જોઈ શકાય છે કે બંધારણ સમાજના દરેક વર્ગને એક સમાન અધિકાર આપે છે.