અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનને હજુ મોડું થશે? ભારતની આ વાત જાપાનને મંજૂર નહીં!
Bullet Train Project: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં વિલંબ થતો નજર આવી રહ્યો છે. મુંબઈ અને અમદાવાદની વચ્ચે બની રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને જાપાન અને ભારતમાં ઘણી વસ્તુઓ પર મડાગાંઠ બનેલી છે. રિપોર્ટ અનુસાર રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં અધિકારીઓની એક ટીમ તાજેતરમાં જાપાનના ત્રણ દિવસના પ્રવાસે ગઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ઘણા મુદ્દાઓ પર ત્યાં ચર્ચા થઈ. જાપાન ઈચ્છે છે કે આ પ્રોજેક્ટ માટે ટ્રેન સેટ્સ અને સિગ્નેલિંગ સિસ્ટમની ખરીદી તેની કંપનીઓથી કરવામાં આવે. સાથે જ પ્રોજેક્ટની કોસ્ટ અને તેને પૂરો કરવા માટે ટાઈમિંગને લઈને પણ બંને પક્ષોમાં એક મત નથી. સરકારે 2027માં મુંબઈથી અમદાવાદની વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાનું લક્ષ્ય રાખ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વૈષ્ણવની સાથે રેલવે બોર્ડના મેમ્બર અનિલ કુમાર ખંડેલવાલ અને નેશનલ હાઈ સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડના એમડી વિવેક કુમાર ગુપ્તા પણ જાપાન ગયા હતા. વડાપ્રધાન મોદી આ વર્ષના અંતમાં વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ટોક્યો જશે. અધિકારીઓનું કહેવું છે કે 508 કિ.મી લાંબા બુલેટ પ્રોજેક્ટ માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાં જમીન સંપાદનનું કામ પૂરુ થઈ ચૂક્યું છે. 215 કિ.મી વાયડક્ટનું કાર્ય પણ પૂરું થઈ ચૂક્યું છે પરંતુ રોલિંગ સ્ટોક એટલે કે ટ્રેન સેટ અને સિગ્નલ સિસ્ટમ સપ્લાય કરવાની કોસ્ટને લઈને ભારત અને જાપાનની વચ્ચે મડાગાંઠ થઈ છે.
ક્યારે શરૂ થશે પ્રોજેક્ટ
જાપાન આ પ્રોજેક્ટ માટે તમામ પ્રકારનો ટેક્નિકલ સપોર્ટ અને ટેકનોલોજી પૂરી પાડી રહ્યું છે પરંતુ તેની શરત એ છે કે સિગ્નેલિંગ સિસ્ટમ અને ટ્રેન સેટ જાપાની કંપનીઓથી જ ખરીદવા જોઈએ. જાપાન ઈન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સીની લોન શરતો અનુસાર માત્ર જાપાની કંપનીઓ જેમ કે કાવાસાકી અને હિટાચી જ બિડમાં ભાગ લઈ શકે છે. પ્રોજેક્ટ વધતા ખર્ચ પર પણ સંમતિ બની રહી નથી. આ માટે કુલ બજેટ 1.08 લાખ કરોડ રૂપિયાનું છે. પરંતુ તેમાંથી 60,372 કરોડ રૂપિયા પહેલા જ ખર્ચ થઈ ચૂક્યા છે.
આનો મોટો ભાગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં ખર્ચ થયો છે. તેનાથી ટ્રેન સેટ ખરીદવા અને સિગ્નેલિંગ સિસ્ટમ્સની સ્થાપના માટે રૂપિયા ઘટ્યા છે. તેનાથી સ્પષ્ટ છે કે પ્રોજેક્ટનો ખર્ચ હજુ વધી શકે છે. રસપ્રદ વાત એ છે કે જાપાનની શિંકાનસન ટેકનોલોજી પર આધારિત ટ્રેનને આજથી 60 વર્ષ પહેલા 1 ઓક્ટોબર 1964એ શરૂ કરવામાં આવી હતી. માનવામાં આવી રહ્યું છે કે આ મુંબઈથી અમદાવાદનું અંતર લગભગ 3 કલાકમાં પૂરું કરશે. આ વર્ષની શરૂઆતમાં વૈષ્ણવે દાવો કર્યો હતો કે સુરતથી બિલિમોરાની વચ્ચે બુલેટ ટ્રેન 2026માં શરૂ થશે પરંતુ અધિકારીઓનું કહેવું છે કે આ ડેડલાઈન હજુ લંબાઈ શકે છે.