‘બોયફ્રેન્ડને લઈ ફર્યા કરશે...’ કોલકાતામાં દેખાવ કરતા ડૉક્ટરો વિશે તૃણમૂલ સાંસદનું વિવાદાસ્પદ નિવેદન
Kolkata Rape & Murder Case: કોલકાતાની આર.જી. કર મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ બાદ હત્યાના કારણે દેશભરમાં આક્રોશ છે. હોસ્પિટલોમાં ડૉક્ટર અને આરોગ્ય કર્મચારીઓ આ આ ઘટનાનો ભારે વિરોધ કરી રહ્યાં છે. બીજી તરફ બાંકુરાના તૃણમૂલ સાંસદ અરૂપ ચક્રવર્તીએ આ દેખાવને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.
તૃણમૂલ સાંસદ અરૂપ ચક્રવર્તીએ શું કહ્યું?
પશ્ચિમ બંગાળના બાંગુરામાં રવિવારે (18 ઓગસ્ટ) એક રેલીમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અરૂપ ચક્રવર્તીએ કહ્યું હતું કે, 'મુખ્યમંત્રીને બદનામ કરવાના કોઈપણ પ્રયાસના ગંભીર પરિણામો આવશે. દેખાવમાં ભાગ લઈ રહેલા ડોકટરોને લોકોના રોષનો સામનો કરવો પડી શકે છે. જો ડોક્ટરો તેમનું મેડિકલ કામ કરવાને બદલે દેખાવ કરવાના નામે ઘરે જાય અને બોયફ્રેન્ડને લઈ ફર્યા કરશે લોકોમાં ભારે રોષ જોવા મળશે.' આ નિવેદનને લઈને હડતાળ પર ઉતરેલા ડોક્ટરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસમાં પીડિતાની ડાયરી મહત્ત્વની કડી, ચાર એંગલ ધ્યાનમાં રાખી CBIની તપાસ
અમે તેમને બચાવી શકીશું નહીં
રેલી પછી જ્યારે પત્રકારોએ તેમને વિવાદાસ્પદ નિવેદન અંગે સવાલો પૂછ્યા તો અરૂપ ચક્રવર્તી સંપૂર્ણ અડગ રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, 'ડોક્ટરો હડતાળ પર છે. જો હડતાળના નામે દર્દીઓને સારવાર નહીં મળે તો તેઓના મોત થઈ શકે છે. સ્વાભાવિક છે કે આ સ્થિતિમાં લોકો હડતાળ કરનારા તબીબો પર ગુસ્સે થાય અને આવી સ્થિતિમાં અમે તેમને બચાવી નહીં શકીએ.
14 થી વધુ ઘાના નિશાન જોવા મળ્યા
કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસમાં અત્યારસુધીમાં પીડિતાની પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે, પીડિતાના શરીર પર 14થી વધુ ઘાના નિશાન જોવા મળ્યા છે. જેમાં કોઈ ફેક્ચર જોવા મળ્યું ન હતું. શરીરના ઘણા ભાગોમાં લોહી ગંઠાવાની સાથે ફેફસામાં રક્તસ્ત્રાવ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: કોલકાતા દુષ્કર્મ કેસ: પદ્મ વિજેતા તબીબોનો PM મોદીને પત્ર, આરોગ્યકર્મીઓની સુરક્ષા માટે કાયદાની માંગ
પીએમ રિપોર્ટ પ્રમાણે ડોક્ટરે શું કહ્યું?
વિસેરા, લોહી અને અન્ય એકત્ર કરાયેલા નમૂનાઓ પૃથ્થકરણ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. પીએમ રિપોર્ટ પ્રમાણે, પીડિતાના શરીર અને પ્રાઈવેટ પાર્ટ પર તમામ ઈજાઓ મૃત્યુ પહેલા થઈ હતી. મેડિકલ ઓફિસરે કહ્યું છે કે, 'પીડિતાનું મોત બંને હાથે ગળું દબાવવાને કારણે થયું છે. પીએમ રિપોર્ટમાં મહિલા ડોક્ટરની જાતીય સતામણી થવાની શકયતા દર્શાવવામાં આવી છે.'