શું રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાથી કોંગ્રેસને ફાયદો થશે, વાંચો શું કહી રહ્યા છે રાજકીય નિષ્ણાતો
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે. ત્યારે દેશમાં કોંગ્રેસ સમર્થકો રાહુલ ગાંધીની ભારત ન્યાય જોડો યાત્રાને ધ્યાનમાં રાખી લોકસભા ચૂંટણીના પરિણામો અંગે આશાવાદ સેવી રહ્યા છે. રાહુલ ગાંધીએ સપ્ટેમ્બરથી જાન્યુઆરી દરમિયાન દેશભરમાં ભારત જોડો ન્યાય યાત્રા યોજી હતી.
જેમાં રાહુલ ગાંધીએ યાત્રાના પ્રથમ તબક્કામાં ઉત્તરના રાજ્ય જમ્મુ-કાશ્મીરથી કન્યાકુમારી સુધીનો પ્રવાસ ખેડ્યો હતો. આ યાત્રામાં તેમણે લોકસભાની 64થી વધારે બેઠકો આવરી લીધી હતી. આ બેઠકો પર કોંગ્રેસ એટલે કે I.N.D.I.A. ગઠબંધન સારો દેખાવ કરે તેવો આશાવાદ રાજકીય નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
ભારત ન્યાય જોડો યાત્રાના રૂટ પરની બેઠકો પર આશા
રાજકીય નિષ્ણાતો જણાવે છે કે કોંગ્રેસને ભારત જોડો ન્યાય યાત્રાના રૂટ પર આવતી 24 બેઠકો પર વિજય મળશે. જો કે આ ન્યાય યાત્રાની એનડીએને ખાસ કંઈ અસર થઈ નથી કારણ કે, એક્ઝિટ પોલ પ્રમાણે ન્યાય યાત્રાના રૂટ પર આવતી લગભગ 38થી વધારે બેઠક પર ભાજપની જીત થશે એવું નિષ્ણાતો કહી રહ્યા છે.
એક્ઝિટ પોલ 2024ના આંકડા શું કહે છે?
નોંધનીય છે કે એક્ઝિટ પોલના (EXIT POLL 2024) આંકડા સામે આવી ગયા છે, જેમાં મોટા ભાગના આંકડા ભાજપ અને સાથી પક્ષોની જીતનો દાવો કરી રહ્યા છે. રાહુલ ગાંધીની ન્યાય યાત્રાના બીજા તબક્કામાં જાન્યુઆરીથી માર્ચ દરમિયાન 90 લોકસભા બેઠકોને આવરી લેવાઈ હતી.
કોંગ્રેસે આ 90 બેઠકોમાંથી 23 પર જીતનો દાવો કર્યો છે. તો એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપ અને સાથી પક્ષોએ આ 90 પૈકી 65 બેઠક પર જીતનો દાવો કર્યો છે. રાહુલ ગાંધીએ આ સમગ્ર ન્યાય યાત્રા દરમિયાન 15 રાજ્યોની કુલ 90 બેઠક આવરી લીધી હતી.
નોંધનીય છે કે, એક્ઝિટ પોલ અને ચૂંટણી પરિણામો અંગે રાજકીય નિષ્ણાતો-નેતાઓ પોતપોતાના વિચારો રજૂ કરી રહ્યા છે. ખેર, લોકસભા ચૂંટણીના પરિણામોનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે.
હવે 4 જૂને સવારથી ચૂંટણી પરિણામો જાહેર થશે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. દેશભરના લોકો જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે તેનું પરિણામ 4 જૂનની સાંજે સ્પષ્ટ થઇ જશે. અને કયા પક્ષને જીત મળે છે તેનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે.