યુપીની બે હોટ સીટ પર કોંગ્રેસ હજુ અસમંજસમાં: હવે ખડગે અને ગાંધી પરિવાર લેશે અંતિમ નિર્ણય
Image Source: Twitter
Lok Sabha Election 2024: દેશમાં લોકસભા ચૂંટણી 2024નું બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયુ છે પરંતુ કોંગ્રેસે હજુ યુપીની બે હોટ સીટ અમેઠી અને રાયબરેલી પર પોતાના ઉમેદવાર જાહેર નથી કર્યા. યુપીના આ બે હોટ સીટ પર કોંગ્રેસ હજુ અસમંજસમાં છે. કોંગ્રેસની ચૂંટણી સમિતિની બેઠકમાં પણ ઉત્તર પ્રદેશની અમેઠી અને રાયબરેલી બેઠકોના ઉમેદવારોને લઈને કોઈ નિર્ણય નથી લેવાયો.
હવે ખડગે અને ગાંધી પરિવાર લેશે અંતિમ નિર્ણય
સમિતિના સદસ્યોએ કોંગ્રેસ નેતૃત્વને વિનંતી કરી છે કે, તેઓ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને અમેઠી અને રાયબરેલીથી ચૂંટણી મેદાનમાં ઉતારે. એક અહેવાલ પ્રમાણે આ બંને બેઠકો પર કોને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવશે તેનો અંતિમ નિર્ણય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને ગાંધી પરિવાર પર છોડી દેવામાં આવ્યો છે. હવે આ મુદ્દે કોઈ બેઠક નહીં થશે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અને ચેરપર્સન સોનિયા ગાંધી આ બેઠકમાં હાજર હતા પરંતુ તેમણે આ મુદ્દે પોતાનો અભિપ્રાય નથી આપ્યો.
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને આ બેઠકો પરથી ચૂંટણી મેદાનમાં ઉતારવાની માગ
આ બંને બેઠકો પર 20 મેના રોજ મતદાન થશે અને અહીંથી ઉમેદવારી નોંધાવાની છેલ્લી તારીખ 3 મે છે. રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી અને આ બેઠક પર 26 એપ્રિલના રોજ મતદાન સંપન્ન થઈ ચૂક્યુ છે. પાર્ટીની અંદર એવી માંગ ઉઠી રહી છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને અમેઠી અને રાયબરેલીથી ચૂંટણી મેદાનમાં ઉતારવા જોઈએ. કાર્યકર્તાઓનું કહેવું છે કે આ બેઠકો પર ચૂંટણી ન લડવી તે એ સંકેત આપી શકે છે કે હિન્દીભાષી વિસ્તારોમાં કોંગ્રેસે ભાજપ સામે હથિયાર ફેંકી દીધા છે. ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80 બેઠકો છે અને કેન્દ્રમાં સરકાર બનાવવા માટે આ રાજ્યની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હોય છે.
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ કોઈપણ સંજોગોમાં ચૂંટણી લડવી જ જોઈએ
ઉત્તર પ્રદેશના કોંગ્રેસ પ્રભારી અવિનાશ પાંડેએ કહ્યું હતું કે, કોંગ્રેસના કાર્યકર્તાઓ, રાયબરેલી અને અમેઠીની સાથે-સાથે ઉત્તર પ્રદેશના અન્ય હિસ્સાની જનતા હાથ જોડીને વિનંતી કરી રહી છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ કોઈપણ સંજોગોમાં ચૂંટણી લડવી જ જોઈએ.બીજી તરફ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે, આગામી દિવસોમાં આ બંને બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે.
રાહુલ ગાંધીએ પહેલી વખત વર્ષ 2004માં અમેઠીથી ચૂંટણી લડી હતી
રાહુલ ગાંધીએ પહેલી વખત વર્ષ 2004માં અમેઠીથી ચૂંટણી લડી હતી. ત્યાર બાદ તેમણે અહીંથી સતત ત્રણ વખત જીત હાંસલ કરી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં તેમણે અમેઠી ઉપરાંત કેરળની વાયનાડ બેઠક પરથી પણ ચૂંટણી લડી હતી. અમેઠીમાં બીજેપી નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે તેમની હાર થઈ હતી.
બીજી તરફ જો પ્રિયંકા ગાંધી વાડ્રા રાયબરેલીથી ચૂંટણી લડવાનો નિર્ણય લે તો આ તેમની પ્રથમ ચૂંટણી લડાઈ હશે. સોનિયા ગાંધી આ બેઠક પરથી સાંસદ રહી ચૂક્યા છે પરંતુ તેઓ રાજ્યસભાથી સંસદમાં પહોંચ્યા બાદ હવે આ બેઠક ખાલી થઈ ગઈ છે.
સોનિયા ગાંધીએ પહેલીવાર 1999માં ઉત્તર પ્રદેશના અમેઠી અને કર્ણાટકના બેલ્લારીથી લોકસભાની ચૂંટણી લડી હતી. બાદમાં તેમણે બેલ્લારી બેઠક પરથી રાજીનામું આપી દીધુ હતું. સોનિયા ગાંધીના પતિ અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અમેઠી બેઠક પરથી ચાર વખત સાંસદ રહ્યા હતા.
અત્યાર સુધીમાં કોંગ્રેસે રાયબરેલી બેઠક પર 17 વખત જીત નોંધાવી
સ્વતંત્ર ભારતમાં પ્રથમ ચૂંટણીથી લઈને અત્યાર સુધીમાં કોંગ્રેસે રાયબરેલી બેઠક પર 17 વખત જીત નોંધાવી છે. સૌથી પહેલા ફિરોઝ ગાંધીએ આ બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું ત્યારબાદ ઈન્દિરા ગાંધી અહીંથી ત્રણ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. 1977માં જનતા પાર્ટીના નેતા રાજ નારાયણે આ બેઠક પરથી ઈન્દિરા ગાંધીને હરાવ્યા હતા. 1996 અને 1998 એમ બે વાર અહીંથી ભાજપે પણ જીત મેળવી હતી.