Get The App

2024પછી મમતા રાજકારણ છોડી દેશે ? એક રેલીને સંબોધતાં કહ્યું ભાજપને હરાવવો મારૂં ધ્યેય છે

Updated: Aug 30th, 2022


Google News
Google News
2024પછી મમતા રાજકારણ છોડી દેશે ? એક રેલીને સંબોધતાં કહ્યું ભાજપને હરાવવો મારૂં ધ્યેય છે 1 - image


- મારી ધરપકડ કરી જુઓ પછી જુઓ શું થાય છે તે : મમતા

- ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા બિન-ભાજપી રાજ્યોની સરકારોને CBI, EDના દરોડા દ્વારા અસ્થિર કરવામાં આવે છે

કોલકત્તા : પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી અને TMCનાં સર્વેસર્વા મમતા બેનર્જીએ સોમવારે કહ્યું હતું કે ૨૦૨૪માં ભાજપની કેન્દ્ર સરકારને સત્તા ભ્રષ્ટ કરવાનું યુદ્ધ તે તેઓનું આખરી યુદ્ધ હશે. એક રેલીને સંબોધન કરતાં તેઓએ કહ્યું હતું કે, ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને પરાજિત કરવા માટે દિલ્હીનું યુદ્ધ તે મારૂં આખરી યુદ્ધ હશે. હું ભાજપને સત્તાભ્રષ્ટ કરવાનું વચન આપું છું.

તેઓએ વધુમાં કહ્યું, ભાજપને કોઈ પણ ભોગે હરાવવો જ જોઈએ. આ સાથે તેઓએ કહ્યું, પશ્ચિમ બંગાળને બચાવવું તે અમારૂં પહેલું યુદ્ધ હશે. હું વચન આપું છું કે અમે ૨૦૨૪માં કેન્દ્રમાંથી ભાજપને સત્તા પરથી હટાવી દેશું. જો તમે ડરાવવાનો પ્રયત્ન કરશો તો અમે જવાબ દેશું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો અમારા અધિકારીઓને દિલ્હી બોલાવવામાં આવશે તો અમે રાજ્યમાં કામ કરનારા કેન્દ્રિય અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરીશું. તેમણે આક્ષેપ કર્યો હતો કે, ભાજપ અમારા કાર્યકરોને હેરાન કરવા CBIનો ઉપયોગ કરે છે. મેં સાંભળ્યું છે કે ભાજપે મારી વિરુદ્ધ પણ કેસ કર્યો છે.

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, મારી ધરપકડ કરી જુઓ, પછી જુઓ કે તે પછી શું થાય છે ?

બેનર્જીની આખરી યુદ્ધ અંગેની ટિપ્પણી વિષે પ્રતિભાવો આપતા ભાજપના પ્રવકતા શનિક ભટ્ટાચાર્યે કહ્યું હતું કે તેઓએ સ્પષ્ટત: કહેવું જોઈએ કે, શું લોકસભાની ૨૦૨૪ની ચૂંટણી પછી તેઓ રાજકારણ છોડી દેશે ? આ સાથે ભટ્ટાચાર્યે કહ્યું હતું કે, ભાજપ સતત ત્રીજી વખત પણ કેન્દ્રમાં સત્તારૂઢ થશે.

Tags :