Fact Check : દેશમાં 16 એપ્રિલે યોજાશે લોકસભા ચૂંટણી? ચૂંટણી પંચે વાયરલ મેસેજ પર આપ્યો જવાબ
- ચૂંટણી તરીખોનું એલાન થવા પહેલા જ રાજકીય પક્ષોએ પૂરજોશમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે
નવી દિલ્હી, તા. 07 ફેબ્રુઆરી 2024, બુધવાર
ભારતમાં ફરી ચૂંટણી માહોલ જામ્યો છે. એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, લોકસભા ચૂંટણી એપ્રિલ મહિનામાં યોજાઈ શકે છે. જોકે, હજી સુધી ECI એટલે કે, ભારતના ચૂંટણી પંચ દ્વારા અંતિમ તારીખોનું એલાન કરવામાં નથી આવ્યું. પરંતુ અફવાઓનું બજાર ગરમાયુ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, ફેબ્રુઆરીમાં જ આચાર સંહિતા લાગુ થઈ જશે. હવે ECI એ ખુદ આ વાતનું ખંડન કર્યું છે.
જાણો કઈ તારીખે ચૂંટણી યોજાવાનો દાવો કરાયો
ECIએ ગત અઠવાડિયે જણાવ્યું હતું કે, વોટ્સએપ પર લોકસભા ચૂંટણી કાર્યક્રમ સાથે સબંધિત એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, 'લોકસભાની ચૂંટણી 16 એપ્રિલ 2024થી શરૂ થશે, 16 માર્ચ સુધી ટિકિટ વિતરણ થશે, 16 ફેબ્રુઆરીથી આચારસંહિતા લાગુ થશે.' તેના પર ECIએ કહ્યું હતું કે, આ મેસેજ ફેક છે અને ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી તારીખોનું એલાન કરવામાં નથી આવ્યું.
ચૂંટણીની તૈયારી પૂરજોશમાં
ચૂંટણી તરીખોનું એલાન થવા પહેલા જ રાજકીય પક્ષોએ પૂરજોશમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, NDA એટલે કે, નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ 400થી વધુ બેઠકો પર જીત હાંસલ કરશે. બીજી તરફ ભાજપના વિરુદ્ધમાં વિપક્ષી ગઠબંધન 'I.N.D.I.A.' પણ તૈયાર છે.
વડાપ્રધાન મોદીએ સેમવારે કહ્યું હતું કે, અમારી સરકારનો ત્રીજો કાર્યકાળ પણ હવે વધારે દૂર નથી. વધારેમાં વધારે હવે સવા સો દિવસો રહી ગયા છે. હું સામાન્ય રીતે આંકડાના ચક્કરમાં નથી પડતો પરંતુ હું દેશનો મિજાજ જોઈ રહ્યો છે.