જમ્મુ-કાશ્મીરમાં ક્યારે થશે વિધાનસભાની ચૂંટણી? ચૂંટણી પંચે કરી જાહેરાત
જમ્મુ-કાશ્મીરમાં લોકસભા ચૂંટણીની પાંચ બેઠકો માટે 5 તબક્કામાં મતદાન થશે
Jammu and Kashmir: ચૂંટણી પંચે આજે (શનિવારે) લોકસભા ચૂંટણી 2024ની તારીખની જાહેરાત કરી છે. આ વખતે લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાશે અને પ્રથમ તબક્કાના મતદાનની શરૂઆત 19મી એપ્રિલથી થશે અને પહેલી જૂનના રોજ સાતમા એટલે કે છેલ્લાં તબક્કાનું મતદાન થશે અને ચૂંટણીના પરિણામ ચોથી જૂને જાહેર થશે. આ દરમિયાન ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, 'ચૂંટણી પંચ લોકસભા ચૂંટણી પછી તરત જ જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી કરાવવા માટે પ્રતિબદ્ધ છે.'
જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી ક્યારે યોજાશે?
ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, લોકસભાનો કાર્યકાળ 16મી જૂને સમાપ્ત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં તે પહેલા નવી લોકસભાની રચના કરવી પડશે. આંધ્રપ્રદેશ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને ઓડિશામાં વિધાનસભાઓનો કાર્યકાળ પણ આ વર્ષે જૂનમાં અલગ-અલગ તારીખે સમાપ્ત થઈ રહ્યો છે અને જમ્મુ અને કાશ્મીરમાં પણ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. હાલમાં જમ્મુ-કાશ્મીરમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. અહીં લોકસભાની પાંચ બેઠકો માટે 5 તબક્કામાં મતદાન થશે.
લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે
લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 19મી એપ્રિલે થશે. બીજા તબક્કાનું મતદાન 26મી એપ્રિલે થશે. ત્રીજા તબક્કાનું મતદાન સાતમી મેના રોજ થશે. ચોથા તબક્કાનું મતદાન 13મી મેના રોજ થશે. 20મી મેના રોજ પાંચમા તબક્કાનું મતદાન થશે. છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મેના રોજ અને સાતમા તબક્કાનું મતદાન પહેલી જૂને થશે. 4 જૂને મતગણતરી થશે.