શું ટ્રમ્પને મનાવી લેશે ભારત? ટેરિફ અંગે સીતારમણની પ્રથમ પ્રતિક્રિયા, જુઓ શું કહ્યું
Sitharaman's First Reaction On Tariffs : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન 13 ફેબ્રુઆરીએ વોશિંગ્ટન ડીસીમાં એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની સાથે વેપારને લઈને નિષ્પક્ષતા અને પારસ્પરિકતાને લાગુ કરવા અંગેની યોજનાનું એલાન કર્યું. આ સાથે તેમણે રેસિપ્રોકલ ટેરિફની પણ વાત કરી હતી. એટલે કે, જે-તે દેશ પર એટલું જ ટેરિફ લગાવામાં આવશે, જેટલું તે દેશો અમેરિકા પર લગાવે છે. આ પછી તમામ દેશોની ચિંતા વધી છે. જ્યારે ટ્રમ્પ ટેરિફને લઈને મોદી સરકારનું નિવેદન સામે આવ્યું છે. જેમાં નાણામંત્રીએ સમગ્ર મામલે પોતાની તૈયારીને લઈને વાત કરી છે. ચાલો જાણીએ આ પારસ્પરિકતા ટેરિફ પર નિર્મલા સીતારમણનું શું કહેવું છે.
ટેરિફ અંગે સરકારની તૈયારી
જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે પારસ્પરિક ટેરિફની જાહેરાત કરી, ત્યારે વિશ્વના ઘણા દેશોની ચિંતા વધી ગઈ હતી. જેમાં ભારત પણ સામેલ છે. ટ્રમ્પના મતે આ જાહેરાત ભારત સાથે દ્વિપક્ષીય વેપાર વધારવા અને બંનેની અર્થવ્યવસ્થા વચ્ચે ટેરિફ માળખામાં સમાનતા લાવવા માટે કરવામાં આવી છે. પરંતુ તમામ દેશો માટે માથાનો દુખાવો બની ગયો છે. જ્યારે આપણે ભારતની વાત કરીએ તો ટ્રમ્પની જાહેરાત પછી મોદી સરકાર યોગ્ય પગલાં લેવા તૈયાર લાગે છે અને નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે ચિત્ર સ્પષ્ટ કર્યું છે.
સીતારમણે શું કહ્યું?
સીતારમણે કહ્યું કે, 'રેસિપ્રોકલ ટેરિફને લઈને અનેક સુધારાત્મક પગલું ભરીશું. જેમાં એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી તેમજ કસ્ટમ ડ્યુટી સુધારાઓ દ્વારા અમે ખાતરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે, ભારત દરેક રીતે રોકાણ માટે અનુકૂળ બનાવાય. ભારતે ટેરિફને તર્કસંગત બનાવીને ઘણા પગલાં લીધા છે અને સમયાંતરે એન્ટિ-ડમ્પિંગ ડ્યુટીની સમીક્ષા કરવામાં આવે છે. મોટાભાગની યુએસ આયાતો પર ભારતમાં પહેલાથી જ સૌથી નીચો ટેરિફ દર છે અને જે થોડા વધુ ટેરિફ દર ધરાવે છે તેના પર વાટાઘાટો કરવામાં આવશે.'
ગત અઠવાડિયે ભારત સરકારે બોર્બોન વ્હિસ્કી પરની આયાત જકાત 150%થી ઘટાડીને 100% કરી હતી. આ ઉપરાંત ઘણા પ્રકારના વાઇન પરનો ટેક્સ ઘટાડવામાં આવ્યો. દ્રાક્ષ, વર્માઉથ અને કેટલાક અન્ય પીણાંમાંથી બનેલા વાઇન પરની આયાત ડ્યુટી પણ ઘટાડીને 100% કરવામાં આવી છે. જ્યારે અગાઉ બજેટમાં કાપડ, ટૅક્નોલૉજી અને રસાયણો પરની આયાત ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરવામાં આવી હતી.
સ્ટેટ બૅંક ઑફ ઇન્ડિયાના એક રિપોર્ટમાં જણાવાયું હતું કે, 'જો અમેરિકા હાઇ ટેરિફ લાગુ કરે છે તો ભારત પોતાની સક્રિય વેપાર નીતિ, નિકાસ વૈવિધ્યકરણ અને પુરવઠા શૃંખલાઓને નવું રૂપ આપીને તેની અસર ઘટાડી શકે છે, જેનાથી લાંબા ગાળે નિકાસમાં વધારો થવાની પણ અપેક્ષા છે.'
રેસિપ્રોકલ ટેરિફ એટલે શું?
રેસિપ્રોકલ ટેરિફના સામાન્ય ભાષામાં કહીએ તો 'પારસ્પરિક ફી' ઉદાહરણ તરીકે, જો ભારત અમેરિકાથી કોઈ પ્રકારની આયાત પર 25% ડ્યુટી લગાવે છે, તો પછી અમેરિકા પણ ભારત પાસેથી એ વસ્તુમાં 25% ડ્યુટી લગાવશે. હાલના તબક્કે જોઈએ તો ભારતની અમેરિકામાં થતી નિકાસ પર ભારતનો સરેરાશ પ્રભાવી ટેરિફ લગભગ 9.5% છે, જ્યારે ભારતની અમેરિકામાં થતી નિકાસ પર ટેરિફ દર 3% છે.