Get The App

પહલગામ આતંકવાદી હુમલો: 'પડદા પાછળ જે પણ છે, બધાને જવાબ મળશે', રાજનાથ સિંહે કર્યો મોટો ઇશારો

Updated: Apr 23rd, 2025

GS TEAM


Google News
Google News
પહલગામ આતંકવાદી હુમલો: 'પડદા પાછળ જે પણ છે, બધાને જવાબ મળશે', રાજનાથ સિંહે કર્યો મોટો ઇશારો 1 - image


Pahalgam Terrorist Attack : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના લીધે દેશ ક્રોધે ભરાયેલો છે. હુમલા પાછળ જવાબદાર આતંકવાદીઓ પર જવાબી કાર્યવાહી ઇચ્છે છે. એવામાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 'પહલગામમાં થયેલા કાયરતાપૂર્ણ હુમલામાં આપણે ઘણી માસૂમ જિંદગીઓ ગુમાવી દીધી છે. અમને આ વાતનું દુખ છે. હું તે પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું જેમને પોતાના પરિજનોને ગુમાવ્યા.... અમારી આતંકવાદ પ્રત્યે ઝીરો ટૉલરેન્સની નીતિ છે.

હું દેશવાસીઓને આશ્વસ્ત કરવા માગુ છું કે, સરકાર દરેક જરૂરી પગલાં ભરશે. અમે ના ફક્ત આ કૃત્યને અંજામ આપનાર દોષિતો સુધી પહોંચીશું પરંતુ પડદા પાછળના લોકો સુધી પણ પહોંચીશું. આરોપીઓને જલ્દી જોરદાર અને સ્પષ્ટ જવાબ મળશે, તે હું દેશને આશ્વસ્ત કરવા માગુ છું.'

સેના જવાબી કાર્યવાહી માટે તૈયાર!

આતંકવાદી હુમલા બાદ કેન્દ્રની મોદી સરકાર ઍલર્ટ મોડ પર આવી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરબનો પ્રવાસ અધૂરો છોડીને દિલ્હી આવી ગયા અને આવતાં જ એક્શન મોડમાં જોવા મળ્યા. દિલ્હીમાં સાંજે 6 વાગે સીસીએસની બેઠક યોજાઈ રહી છે. આ દરમિયાન આતંકી હુમલાથી બદલાતી પરિસ્થિતિ વચ્ચે ત્રણેય સેનાઓના પ્રમુખોએ પણ રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, 'તે દરેક પરિસ્થિતિ માટે તૈયાર છે.'

સૂત્રોનું કહેવું છે કે રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં દિલ્હીમાં યોજાયેલી હાઇ લેવલ મીટિંગમાં જમ્મુ કાશ્મીરની સમગ્ર સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. આ બેઠકમાં પ્રમુખ રક્ષા અધ્યક્ષ સીડીએસ જનરલ અનિલ ચૌહાણ, ત્રણેય સેનાઓના પ્રમુખ અને રક્ષા સચિવે ભાગ લીધો હતો. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ સામેલ હતા. 

ત્રણેય સૈન્ય પ્રમુખ-CDSની રાજનાથ સિંહ સાથે ઇમરજન્સી બેઠક

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પરિણામોની ચર્ચા કરવા અને કેન્દ્રશાસિત પ્રદેશમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ અને ત્રણેય સૈન્યના પ્રમુખ તથા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે ઇમરજન્સી બેઠક કરી હતી. આ બેઠક લગભગ અઢી કલાક સુધી ચાલી હતી. આ પહેલા આજે સંરક્ષણ મંત્રીને પહલગામ અને સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિ વિશે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને તેમના નૌકાદળના સમકક્ષ એડમિરલ દિનેશ ત્રિપાઠી દ્વારા માહિતી આપવામાં આવી હતી. બેઠકમાં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિ સંબંધિત તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

અઢી કલાક સુધી ચાલી બેઠક

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં NSA અજિત ડોભાલ અને ત્રણેય સૈન્ય પ્રમુખો તથા CDS સાથે જમ્મુ-કાશ્મીરની સુરક્ષા પરિસ્થિતિ સંબંધિત તમામ મુદ્દાઓ પર અઢી કલાક સુધી બેઠક ચાલી હતી. બાદમાં તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં હાજરી આપશે. CCS રાષ્ટ્રીય સુરક્ષા પર નિર્ણય લેતી સર્વોચ્ચ સંસ્થા છે.

જમ્મુ-કાશ્મીર પોલીસ પણ સર્ચ ઓપરેશનમાં સામેલ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાનો પ્રવાસ અધવચ્ચે છોડીને દિલ્હી પરત ફર્યા છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શ્રીનગરમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપી અને તેમના પરિવારો સાથે મુલાકાત કરી. આ વચ્ચે હુમલાખોરોની શોધખોળ ઝડપી કરી દેવામાં આવી છે. સેનાની સાથે CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસ પણ સર્ચ ઓપરેશનમાં સામેલ છે. આર્મીના વિક્ટર ફોર્સની સાથે-સાથે સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના સૈનિકો હુમલાખોર આતંકવાદીઓની શોધ કરી રહ્યા છે. 


Tags :