મોદી સરકાર જણાવે કે અદાણીનું કૌભાંડ છુપાવવા કેટલા ટેમ્પો ભરી રૂપિયા લીધા? : રાહુલ ગાંધીનો પ્રશ્ન
Lok Sabha Elections 2024 | કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે મોદી સરકાર અને અદાણીનું મોટુ કોલસા કૌભાંડ બહાર આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રિય મિત્ર અદાણી દ્વારા હલકી ક્વોલિટીનો કોલસો ત્રણ ગણો ઉંચો ભાવ લઇને વેચવામાં આવ્યો હતો. આ કોલસાનો ઉપયોગ સરકાર દ્વારા વીજળી ઉત્પાદન માટે કરાયો હતો, આમ નાગરિકો ઉંચા વીજળી બિલ ચુકવી રહ્યા છે. જ્યારે મોદી પોતાના મિત્રને ફાયદો પહોંચાડી રહ્યા છે. જોકે રાહુલ ગાંધીના આ આરોપોને લઇને અદાણી ગુ્રપ દ્વારા હાલ કોઇ સ્પષ્ટતા નથી કરાઇ, અગાઉ રાહુલે કેટલાક આરોપો લગાવ્યા હતા તે મુદ્દે સ્પષ્ટતા કરી હતી.
ફાઇનાન્શિયલ ટાઇમ્સમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (ઓસીસીઆરપી)ને મળેલા દસ્તાવેજોને ટાંકીને પ્રકાશિત અહેવાલમાં પણ આ દાવો કરવામાં આવ્યો હતો, જેને ટાંકીને રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને ઘેરી હતી. કોંગ્રેસ નેતાએ ટ્વીટર પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે તે મુદ્દે ઇડી, સીબીઆઇ અને આઇટીને મૌન રાખવા માટે કેટલા ટેમ્પો ભરીને રૂપિયા લેવામાં આવેલા તે સવાલનો જવાબ નરેન્દ્ર મોદી આપશે? ૪ જુન (ચૂંટણી પરિણામ) બાદ ઇન્ડિયા ગઠબંધનની સરકાર આ કૌભાંડની તપાસ કરશે.
કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું હતું કે મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું છે કે અદાણી દ્વારા વર્ષ ૨૦૧૪માં ઇન્ડોનેશિયાથી હલકી કક્ષાનો કોલસો ખરીદવામાં આવ્યો હતો, જેને બાદમાં સરકારી કંપની તામિલનાડુ જનરેશન એન્ડ ડિસ્ટ્રિબ્યૂશન કોર્પોરેશનને કોલસાની ક્વોલિટી ઉંચી બતાવીને ત્રણગણા ઉંચા ભાવે વેચ્યો હતો. અદાણીએ આ ડીલથી ત્રણ હજાર કરોડ રૂપિયા પ્રાપ્ત કર્યા હતા જ્યારે આમ નાગરિકો ઉંચા વીજળી બિલોથી પરેશાન થતા રહ્યા.
રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે સૈન્ય પણ અગ્નિવીર યોજના નથી ઇચ્છતી, ઇન્ડિયા ગઠબંધનની સરકાર બન્યા બાદ આ અગ્નિવીર યોજનાને કચરા પેટીમાં નાખી દેવામાં આવશે. મોદી સરકારે દેશના જવાનોને મજૂર બનાવી નાખ્યા છે. અમારી સરકાર આ યોજનાને રદ કરીને કાયમી નોકરી આપશે. જ્યારે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાવો કરી રહ્યા છે કે કોંગ્રેસ રામ મંદિર પર બુલડોઝર ફેરવી દેશે, મોદીનો આ દાવો જુઠો છે. કોંગ્રેસ ૫૫ વર્ષ સુધી સત્તામાં રહી તેમ છતા કોઇના પણ ધાર્મિક અધિકારોને છીનવી લેવાનો પ્રયાસ નથી કર્યો.