રાહુલ ગાંધીએ અંબાણી-અદાણીનું નામ લેતાં હોબાળો, રિજિજુએ કહ્યું- તમને સંસદના નિયમ ખબર નથી
Rahul Gandhi In Loksabha: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે બજેટ પર ચર્ચામાં ભાગ લેતાં સરકાર પર આક્ષેપો કર્યા હતા. જેના લીધે સદનમાં હોબાળો સર્જાયો હતો. રાહુલ ગાંધીએ સદનમાં અંબાણી અને અદાણીનો ઉલ્લેખ કર્યો હતો. આ મુદ્દે સંસદના કાર્યમંત્રી કિરેન રિજિજુએ વાંધો વ્યક્ત કર્યો હતો. રિજિજુએ કહ્યું કે, ‘વિપક્ષના નેતાને નિયમોની જાણકારી નથી લાગતી. રાહુલ ગાંધીએ સદનની ગરિમા જાળવવી જોઈએ.’ આ ઉપરાંત લોકસભા સ્પીકરે પણ રાહુલ ગાંધીને ટોક્યા હતા.
હું તેમને A1, A2 કહીશ
લોકસભા અધ્યક્ષે રાહુલ ગાંધીને અદાણી અને અંબાણીનું નામ લેવાની ના પાડતાં તેમણે કટાક્ષમાં કહ્યું કે, ‘હું તેમને A1, A2 કહીને બોલાવીશ.’ ત્યારે લોકસભા અધ્યક્ષે કહ્યું કે, ‘જે સંસદના સભ્યો નથી તેમના નામ ગૃહમાં લેવા જોઈએ નહીં.’
તો રાહુલે ગાંધીએ ફરી કહ્યું કે, ‘હું A1, A2 કહીશ. સરકારે A1, A2ની રક્ષા કરવી છે. ઉપરથી આદેશ આવ્યો છે, હું સમજી શકું છું. આ લોકતંત્ર છે સર, તે બચાવ કરી શકે છે. મંત્રી A1 અને A2નો બચાવ કરવા માગે છે, તો મને તેનો આનંદ છે સર.’
સત્તાપક્ષે હોબાળો કર્યો
આ દરમિયાન રાહુલ ગાંધીએ અંબાણી અને અદાણી સહિત 6 લોકોના નામ લીધા ત્યારે સત્તાપક્ષે હોબાળો મચાવવાની શરૂઆત કરી હતી. રાહુલ ગાંધીએ અદાણી અને અંબાણી વિશે ઘેરતાં કહ્યું કે ‘આ જે બે લોકો છે તે ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અને બિઝનેસને કન્ટ્રોલ કરે છે સર. તેમની પાસે એરપોર્ટ છે, ટેલિકોમ છે, હવે રેલવેમાં જઈ રહ્યા છે સર. તેમની પાસે ભારતના ધનની મોનોપોલી છે. જો તમે કહો કે તેમના વિશે ન બોલી શકીએ તો આ અમને સ્વીકાર્ય નથી. અમે તો બોલીશું.’ ત્યાર પછી ગૃહમાં હોબાળો મચી ગયો હતો.