લગ્ન બાદ પત્ની પણ ન માંગી શકે ‘આધાર’ની માહિતી, મહિલાની અરજી પર હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય
ભરણ-પોષણ મેળવવા મામલે મહિલાએ હાઈકોર્ટમાં અરજી પતિના આધારની વિગતો માંગી
હાઈકોર્ટે કહ્યું, પત્ની લગ્ન સંબંધોના આધારે પતિના આધારની માહિતી એકતરફી માંગી શકે નહીં
નવી દિલ્હી, તા.28 નવેમ્બર-2023, મંગળવાર
પત્ની પતિના આધારકાર્ડની માહિતી માંગી શકે છે કે નહીં ? પત્નીને આધારકાર્ડની માહિતી એકતરફી મેળવવાનો અધિકાર છે કે નહીં ? આ મામલે હાઈકોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કર્ણાટક હાઈકોર્ટે આજે એક મહિલાની અરજી પર સુનાવણી હાથ ધરી હતી. અરજીમાં મહિલાએ જુદા રહેતા પતિનો આધાર નંબર, એનરૉલમેન્ટ વિગતો અને ફોન નંબર માગ્યો હતો. મહિલાની દલીલ હતી કે, તેની પાસે પતિની વિગતો ન હોવાથી ફેમિલી કોર્ટના ભરણ-પોષણનો આદેશ લાગુ કરવામાં મુશ્કેલી પડી રહી છે, ત્યારે આ મામલે કોર્ટે મહિલાને ફટકાર લગાવી છે.
પત્ની માત્ર લગ્ન સંબંધોના આધારે પતિના આધારની માહિતી માંગી શકે નહીં : કોર્ટ
મહિલાની અરજી પર હાઈકોર્ટે નિર્ણય સંભાળવતા કહ્યું કે, પત્ની માત્ર લગ્ન સંબંધોના આધારે પોતાના પતિના આધાર ડેટાની માહિતી એકતરફી માંગી શકે નહીં. ઉપરાંત આ બાબત કાયદાના બંધારણીય માળખાની ગોપનીયતાના અધિકારોની સ્વાયત્તતા અને સુરક્ષા પર ભાર મુકે છે. એટલું જ નહીં, કોર્ટે સ્પષ્ટ જણાવ્યું કે, લગ્નથી પતિની ગોપનિયતાના અધિકારો ઓછા થઈ જતા નથી. ન્યાયાધીશ એસ.સુનીલ દત્ત યાદવ અને ન્યાયાધીશ વિજયકુમાર એ.પાટિલની બેંચે કહ્યું કે, લગ્ન કરવાથી આધારકાર્ડ ધરાવનાર વ્યક્તિની ગોપનિયતાનો અધિકાર ઓછો થઈ જતો નથી અને નિર્ધારિત કરેલી પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ.
UIDAIએ પણ પતિની વિગતો માંગતી મહિલાની અરજી ફગાવી
દરમિયાન એક મહિલાના 2005માં લગ્ન થયા હતા. દંપત્તિને એક પુત્રી પણ છે. બંને વચ્ચે સંબંધો બગડ્યા બાદ મહિલાએ કાયદાકીય કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં ફેમિલી કોર્ટે ભરણ-પોષણ પેટે 10,000 રૂપિયા અને પુત્રીના ખર્ચ પેટે 5000 રૂપિયા આપવાનો પતિને આદેશ આપ્યો હતો. જોકે ત્યારબાદ પતિના સરનામાની જાણ ન હોવાના કારણે મહિલાના પરિવારને વળતર મેળવવામાં મુશ્કેલી પડી રહી હતી, જેના કારણે મહિલાએ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) અરજી કરી પતિની વિગતો માંગી હતી, જેને 25 ફેબ્રુઆરી-2021ના રોજ રદ કરી દેવાઈ હતી. અહીં પણ મહિલાની સમસ્યાનો નિવેડો ન આવતા છેવટે મહિલાએ હાઈકોર્ટનો દ્વાર ખટખટાવ્યો હતો, ત્યારબાદ હાઈકોર્ટે ઉપરોક્ત નિર્ણય સંભળાવવાની સાથે UIDAIને આદેશ આપ્યો છે કે, તેઓ મહિલના પતિને નોટિસ પાઠવે. ઉપરાંત કોર્ટે મહિલાની અરજી પર વિચાર કરવા પણ આદેશ આપ્યો છે.