Get The App

આઝાદી પહેલા ૨૬ જાન્યુઆરીએ પૂર્ણ સ્વરાજ દિવસ કેમ ઉજવાતો હતો ?

૧૯૩૦ના રોજ દેશમાં પૂર્ણ સ્વરાજનો નારો ગુંજી ઉઠયો હતો

લાહોર અધિવેશનમાં પૂર્ણ સ્વરાજની માંગ સાથે દેશમાં રાષ્ટ્ભકિતની લહેર ઉભી થયેલી

Updated: Jan 27th, 2022


Google News
Google News
આઝાદી પહેલા ૨૬ જાન્યુઆરીએ પૂર્ણ સ્વરાજ દિવસ કેમ ઉજવાતો હતો ? 1 - image


નવી દિલ્હી,27 જાન્યુઆરી,2022,ગુરુવાર 

૧૯૫૦માં ભારતનું સંવિધાન લાગુ પાડવામાં આવ્યું તે પહેલા પણ ૨૬ મી તારીખનું મહત્વ હતું. ૩૧ ડિસેમ્બર ૧૯૨૯ની મધ્યરાત્રીએ લાહોરમાં ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસનું લાહોરમાં જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં અધિવેશન યોજાયું હતું. આ અધિવેશનમાં જાહેર કરવામાં આવ્યું હતું કે જો અંગ્રેજ સરકાર ૨૬ જાન્યુઆરી ૧૯૩૦ સુધી ડોમેનિયન સ્ટેટસનો હોદ્દો આપવા તૈયાર ના થાય તો ભારત દેશ પોતાને પૂર્ણ સ્વતંત્ર દેશ જાહેર કરી દેશે. ૨૬ જાન્યુઆરીના દિવસે અંગ્રેજોએ દેશની આઝાદી માટે કોઇ જ પગલા ન ભરતા દેશમાં પૂર્ણ સ્વરાજનો નારો ગુંજી ઉઠયો હતો.

પૂર્ણ સ્વરાજની માંગ સાથે દેશમાં રાષ્ટ્ભકિતની લહેર ઉભી થઇ હતી. આથી લાહોર અધિવેશન મુજબ ૨૬ મી જાન્યુઆરીને દર વર્ષે પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવવાનું નકકી કરવામાં આવ્યું હતું. જયાં સુધી દેશને ઇસ ૧૯૪૭માં આઝાદી ના મળી ત્યાં સુધી ૨૬ મી જાન્યુઆરી પૂર્ણ સ્વરાજ  દિન એટલે કે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવાતો રહયો હતો. ભારતીય બંધારણ સભાની પહેલી બેઠક ૯ ડિસેમ્બર ઇસ ૧૯૪૬માં મળી હતી. ઇસ ૧૯૪૭માં ૧૫ મી ઓગસ્ટના રોજ દેશને આઝાદી મળી પરંતુ દેશ પાસે પોતાનું બંધારણ ન હતું.

આથી ગાંધીજીની ઇચ્છા મુજબ  બી આર આંબેડકરના નેતૃત્વમાં ૨ વર્ષ અને ૧૧ દિવસ સુધી મહેનત કરીને દેશનું બંધારણ તૈયાર કરવામાં  આવ્યું હતું. દેશના આ સંવિધાનને બંધારણ કમિટીએ ૨૫ નવેમ્બર ૧૯૪૯ના રોજ અમલ માટે રજુ કર્યુ હતું. ૨૪ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ બધા જ સાંસદો અને વિધાયકોએ તેના પર હસ્તાક્ષર કર્યા હતા.ત્યાર બાદ ૨૬ મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ બંધારણ દેશમાં લાગુ પાડવામાં આવ્યું હતું.ડો રાજેન્દ્રપ્રસાદ ભારતના પહેલા રાષ્ટ્રપતિ બન્યા હતા.આમ ૨૬ મી જાન્યુઆરીના ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને ૧૯૫૦માં ફરી દેશના પ્રજાસત્તાક દિવસ તરીકે પસંદ થયો હતો.

Tags :