Get The App

Explainer: નાગાલેન્ડની ચૂંટણીમાં છ જિલ્લામાં એક પણ મત ના પડ્યો, જાણો શું છે અસલી કારણ

Updated: Apr 22nd, 2024


Google NewsGoogle News
Explainer: નાગાલેન્ડની ચૂંટણીમાં છ જિલ્લામાં એક પણ મત ના પડ્યો, જાણો શું છે અસલી કારણ 1 - image


Lok Sabha Elections 2024: ભારતમાં લોકસભા ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે. તેમજ 19 એપ્રિલના રોજ 21 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં 102 બેઠક માટે પ્રથમ તબક્કાનું મતદાન હતું. જેમાં લગભગ 60 ટકા મતદાન થયું હતું પરંતુ નાગાલેન્ડના એવા જિલ્લા પણ હતા કે જ્યાં મતદારોએ મતદાન કર્યું જ નથી. 

ચાર લાખની વસ્તી ધરાવતા આ છ જિલ્લાના લોકો તો ઠીક પણ ત્યાના 20 વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યોએ પણ મતદાન કર્યું ન હતું. પૂર્વી નાગાલેન્ડના આ 6 જિલ્લામાં 738 થી વધુ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા હતા. 

નાગાલેન્ડના આ 6 જિલ્લામાં એક પણ મત પડ્યો નથી

નાગાલેન્ડની એકમાત્ર લોકસભા સીટ માટે શુક્રવારે મતદાન થયું હતું. અહીં મતદાનની ટકાવારી માત્ર 57 ટકા રહી હતી જ્યારે 2019ની લોકસભા ચૂંટણીમાં 83 ટકા હતી. મતલબ કે મતદાનની ટકાવારીમાં લગભગ 26 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

પૂર્વી નાગાલેન્ડના છ જિલ્લાઓમાં લગભગ ચાર લાખ મતદારો છે. સોમ, તુએનસાંગ, લોંગલેંગ, કિફિરે, નોક્લાક અને શામતોર એમ આ છ જિલ્લામાં એકે પણ પોતાનો મત આપ્યો નથી. 

આવું કેમ બન્યું?  

ઈસ્ટર્ન નાગાલેન્ડ પીપલ્સ ઓર્ગેનાઈઝેશન (ENPO) એ ઈસ્ટર્ન નાગાલેન્ડમાં આદિવાસીઓનું સૌથી મોટું સંગઠન છે. ENPO 2010થી પૂર્વીય નાગાલેન્ડને નાગાલેન્ડથી અલગ કરવા અને એક અલગ રાજ્ય - ફ્રન્ટિયર નાગાલેન્ડ પ્રદેશની રચનાની માંગ કરી રહ્યું છે. તે દાવો કરે છે કે નાગાલેન્ડના પૂર્વ ભાગમાં સોમ, તુએનસાંગ, લોંગલેંગ, કિફિરે, નોક્લાક અને શામતોર આ છ જિલ્લાઓ વર્ષોથી તમામ બાબતોમાં ઉપેક્ષિત કરવામાં આવે છે.

2024ની લોકસભા ચૂંટણી પહેલા, ENPO એ માર્ચના પ્રથમ સપ્તાહમાં આદિવાસી સંસ્થાઓ અને ફ્રન્ટિયર સંગઠને સાથે મળીને દીમાપુરમાં બેઠક કરીને આ છ જિલ્લાઓમાં "જાહેર કટોકટી" જાહેર કરી હતી. જેમાં કોઈપણ રાજકીય પક્ષને લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. તેમજ ENPO અને ઘણા આદિવાસી સંગઠનોએ ચૂંટણીના બહિષ્કાર કરીને બંધનું પાલન કરવાનું જણાવ્યું હતું. 

ENPOએ વિધાનસભાની ચૂંટણીમાં પણ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. પરંતુ તે સમયે અમિત શાહના આશ્વાસના બાદ તેમણે બહિષ્કાર અટકાવ્યો હતો. તેમજ નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યૂ રિયોએ જણાવ્યું હતું કે ENPOની ફ્રન્ટિયર માટેની માંગ સાથે રાજ્યને કોઈ સમસ્યા નથી અને ફ્રન્ટિયર માટે ડ્રાફ્ટ વર્કિંગ પેપર પણ સ્વીકાર્યું છે. 

ચૂંટણીના બહિષ્કાર પર ચૂંટણી પંચે શું કાર્યવાહી કરી?

18 એપ્રિલના રોજ, નાગાલેન્ડના મુખ્ય ચૂંટણી અધિકારીએ ENPOને 'કારણ જણાવો' નોટિસ જારી કરી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે સમગ્ર પૂર્વી નાગાલેન્ડમાં સંપૂર્ણ બંધનું એલાન 'પૂર્વીય નાગાલેન્ડ વિસ્તારોમાં રહેતા લોકોના મત આપવાના સ્વતંત્ર અધિકારમાં દખલ કરીને ચૂંટણીમાં અનુચિત પ્રભાવ પાડવાનો પ્રયાસ હતો.'

નોટિસમાં, ENPO અધ્યક્ષે IPCની કલમ 171 (C) ની પેટા-કલમ (1) હેઠળ કાર્યવાહી શરૂ કરવા કહ્યું હતું. 

નોટિસનો જવાબ આપતા, ENPO એ સ્પષ્ટતા કરી કે પોતે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાગ ન લેવા બાબતે ભારતના ચૂંટણી પંચને પહેલેથી જ જાણ કરી દીધી છે. 

Explainer: નાગાલેન્ડની ચૂંટણીમાં છ જિલ્લામાં એક પણ મત ના પડ્યો, જાણો શું છે અસલી કારણ 2 - image


Google NewsGoogle News