કેજરીવાલની ધરપકડ ચૂંટણી પહેલા જ કેમ ? : ઇડીને સુપ્રીમના આકરા સવાલ

Updated: May 1st, 2024


Google NewsGoogle News
કેજરીવાલની ધરપકડ ચૂંટણી પહેલા જ કેમ ? : ઇડીને સુપ્રીમના આકરા સવાલ 1 - image


- જીવન અને સ્વતંત્રતા મહત્ત્વપૂર્ણ, તમે તેનો ઇનકાર ના કરી શકો

- કેજરીવાલ આ કેસમાં કઇ રીતે સામેલ છે? તેની સામે ઇડીએ કઇ જ જપ્ત નથી કર્યું, કઇ હોય તો રજુ કરો : સુપ્રીમ

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઇડી દ્વારા કરાયેલી ધરપકડ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. જેની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ઇડીને આકરા સવાલો કર્યા હતા સાથે જ પૂછ્યું હતું કે તમે લોકસભાની ચૂંટણી પહેલા જ કેજરીવાલની ધરપકડ કેમ કરી? કેજરીવાલની સંડોવણી અંગે કોઇ દસ્તાવેજ, સામગ્રી કે પુરાવા જપ્ત કરવામાં નથી આવ્યા, જો જપ્ત કરાયા હોય તો અમારી સમક્ષ રજુ કરો. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જિવનની સાથે વ્યક્તિની સ્વતંત્રતા પણ અતિશય મહત્વપૂર્ણ છે. 

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ દિપાંકર દત્તાની બેંચે ઇડી વતી હાજર થયેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ વી રાજૂને આ સવાલો કર્યા હતા. બેંચે કહ્યું હતું કે વ્યક્તિનું જિવન અને સ્વતંત્રતા અત્યંત મહત્વપૂર્ણ છે, અને તમે તેને નકારી ના શકો. લોકસભાની ચૂંટણી પહેલા જ કેજરીવાલની ધરપકડ કરવામાં કેમ આવી? આ કેસમાં અત્યાર સુધીમાં કઇ જ જપ્તીની કાર્યવાહી નથી કરવામાં આવી. જો કઇ પણ જપ્ત કરાયું હોય તો અમારી સમક્ષ રજુ કરો અને અમને જણાવો કે જપ્ત કરાયેલી સામગ્રી સાથે કેજરીવાલને શું લેવાદેવા છે? 

સુપ્રીમ કોર્ટે દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાના કેસનું ઉદાહરણ આપતા સવાલ કર્યો હતો કે ઇડીએ કહ્યું હતું કે સિસોદિયા સામે સામગ્રી જપ્ત કરાઇ છે, જોકે કેજરીવાલના કેસમાં કઇ જ અમારી સમક્ષ રજુ કરવામાં નથી આવ્યું. સાથે જ અમને જવાબ આપો કે આ કેસમાં ધરપકડ અને કોર્ય કાર્યવાહી આ બન્ને વચ્ચે આટલો મોટો ગેપ કેમ છે? આ તમામ સવાલોનો અમને શુક્રવાર સુધીમાં જવાબ આપવામાં આવે.  કેજરીવાલની દિલ્હીના એક્સાઇઝ નીતિ કૌભાંડમાં ૨૧મી માર્ચના રોજ ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેમને દિલ્હીની તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. કેજરીવાલે ધરપકડને પડકારતી અપીલ સુપ્રીમ કોર્ટમાં કરી છે, સુપ્રીમ કોર્ટે આ મુદ્દે ૧૫મી એપ્રીલના રોજ ઇડીને નોટિસ પાઠવી હતી. અગાઉ હાઇકોર્ટ ધરપકડને યોગ્ય ઠેરવી ચુકી છે. જોકે સુપ્રીમ કોર્ટે ઇડીને આકરા સવાલો કર્યા છે. હવે ઇડીના જવાબ બાદ આગળની સુનાવણી કરવામાં આવશે.

સુપ્રીમના આ સવાલોના જવાબ ઇડીએ આપવા પડશે

ન્યાયિક કાર્યવાહી વગર તમે ક્રિમિનલ કાર્યવાહી શરૂ કરી શકો? 

મામલામાં હજુસુધી કઇ જપ્ત નથી કરાયું, જો જપ્ત કરાયું હોય તો રજુ કરો અને જવાબ આપો કે કેજરીવાલ કેવી રીતે સામેલ છે?

સિસોદિયાના મામલામાં નિર્ણયના બે હિસ્સા છે એક તેના પક્ષમાં અને બીજો તેના પક્ષમાં નથી,  કેજરીવાલનો મામલો  ક્યા હિસ્સામાં આવે છે?

કાર્યવાહી શરૂ કરવા અને ધરપકડ વગર જ કાર્યવાહી વચ્ચેના સમયમાં આટલુ અંતર કેમ?

લોકસભાની ચૂંટણી પહેલા જ તમે કેજરીવાલની ધરપકડ કેમ કરી?


Google NewsGoogle News