Get The App

Explainer: રામ રહીમની મુક્તિ મુદ્દે કેમ ભડકી હાઈકોર્ટ?, શું છે પેરોલ, જે વારંવાર મળે છે, કોણ આપે છે...

- શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ એટલે કે SGPCએ રામ રહીમના પેરોલ વિરુદ્ધ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો

Updated: Mar 2nd, 2024


Google NewsGoogle News
Explainer: રામ રહીમની મુક્તિ મુદ્દે કેમ ભડકી હાઈકોર્ટ?, શું છે પેરોલ, જે વારંવાર મળે છે, કોણ આપે છે... 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 02 માર્ચ 2024, શનિવાર

પંજાબ-હરિયાણા હાઈકોર્ટે ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને વારંવાર મળી રહેલા પેરોલ પર સખત વાંધો વ્યક્ત કર્યો છે. હાઈકોર્ટે હરિયાણા સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે હવેથી રામ રહીમને પેરોલ આપતા પહેલાં અમારી પરવાનગી લેજો. કોર્ટે સરકારને એ પણ પૂછ્યું કે, રામ રહીમ સિવાય કેટલા લોકોને આ રીતે પેરોલ આપવામાં આવ્યા છે. રામ રહીમને અત્યાર સુધીમાં 6 મહિનાથી વધુના પેરોલ મળી ચૂક્યા છે. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ એટલે કે SGPCએ રામ રહીમના પેરોલ વિરુદ્ધ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. 

રામ રહીમને રેપના કેસમાં 20 વર્ષની જેલની સજા થઈ હતી. રોહતગની સુનારિયા જેલમાં બંધ બાબા રામ રહીમને હરિયાણાની સરકારે 50 દિવસના પેરોલ આપ્યા હતા. તેની સામે શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક કમિટીએ પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં અરજી કરી હતી અને રાજ્ય સરકાર વારંવાર રામ રહીમને બિનજરૂરી પેરોલ આપે છે તે રોકવાની માંગણી કરી હતી.

ક્યાંથી આવ્યા પેરોલ અને ફર્લો?

કેદીઓ માટે પેરોલ (Parole) અને ફર્લો (Furlough)ની વ્યવસ્થા જેલ અધિનિયમ 1894 (Prisons Act of 1894)માં કરવામાં આવી છે. તાજેતરમાં જ ગૃહ મંત્રાલયે મોડેલ જેલ મેન્યુઅલ 2016 (Model Prison Manual, 2016)માં પેરોલ અને ફર્લો સંબંધિત ગાઈડલાઈનમાં ઘણાં ફેરફારો પણ કર્યા છે.

કયા આધાર પર પેરોલ મળે છે?

જો કોઈ આરોપી દોષિત પુરવાર થયા બાદ જેલમાં બંધ હોય તો તેને કેટલીક ખાસ શરતોને આધીન પેરોલ મળી શકે છે. જેમ કે, કોઈ નજીકના વ્યક્તિનું મૃત્યુ થઈ જવું, કોઈ ગંભીર રીતે બીમાર હોવું, પત્ની ગર્ભવતી હોવી, પુત્ર અથવા પુત્રીના લગ્ન વગેરે અથવા કોઈ કામ કે જ્યાં તેમનું રહેવું અત્યંત જરૂરી છે. આવી સ્થિતિમાં કેદીના જેલમાં સારા વર્તનને ધ્યાનમાં રાખીને પેરોલ આપવામાં આવે છે. સારા વર્તનનો અર્થ એ છે કે તે જેલના તમામ નિયમોનું પાલન કરે, તેને આપવામાં આવેલ કામ સંપૂર્ણ અને સમયસર કરે, સારું વર્તન રાખે, અન્ય કેદીઓને મદદ કરે છે અને જેલમાં કોઈ ગુનો ન કરે.

કોણ આપે છે પેરોલ?

દરેક જિલ્લામાં ડિસ્ટ્રિક પેરોલ એડવાઈઝરી કમિટી હોય છે. આ કમિટી જેલ વહીવટી તંત્રને સલાહ આપે છે કે, કયા કેદીને પેરોલ મળવી જોઈએ અને કયા કેદીને ન મળવી જોઈએ. એનો અર્થ એ છે કે, જો કોઈ કેદીને પેરોલ લેવી હોય તો તેણે પહેલા જેલ વહીવટી તંત્રને અરજી આપવી પડશે. આ અરજી પર જેલ વહીવટી તંત્ર ડિસ્ટ્રિક પેરોલ એડવાઈઝરી કમિટીની સલાહ માંગશે. આ સલાહના આધાર પર નિર્ણય લેવામાં આવે છે. એનો સીધો અર્થ એ છે કે, પેરોલ આપવાનો નિર્ણય સરકારના હાથમાં જ છે. આમાં કોર્ટની સીધી દખલગીરી નથી હોતી.

પેરોલની શું શરતો હોય છે?

પેરોલની કેટલીક શરતો હોય છે. પેરોલ પર છૂટ્યા બાદ કેદી કોઈ ગુનામાં સંડોવાશે નહીં. જેટલા સમય માટે તેને પેરોલ આપવામાં આવે તે સમયગાળો પૂરો થતાંની સાથે જ તેણે સરેન્ડર કરી દેવું વગેરે. પેરોલ એક મહિના સુધી મળી શકે છે.

કેટલી વાર મળે છે પેરોલ?

કેદી ગમે તેટલી વખત પેરોલ લઈ શકે છે. જેમ કે, જો કેદીને પ્રથમ વખત 10 દિવસના પેરોલ મળે છે અને તે પેરોલની કોઈપણ શરતોનું ઉલ્લંઘન નથી કરતો તો તે ગમે તેટલી વખત પેરોલ માટે અરજી કરી શકે છે. તેના વર્તનને જોતા તેને એક મહિના સુધીની પેરોલ આપવામાં આવી શકે છે.

ફર્લો શું છે?

હવે ફર્લો (Furlough)ની વાત કરીએ. પેરોલ અને ફર્લો વચ્ચેનો સૌથી મોટો તફાવત એ છે કે પેરોલ ટૂંકા ગાળાની સજામાં મળે છે જ્યારે ફર્લો લાંબા ગાળાની સજામાં મળે છે. જેમ કે આજીવન કેદ વગેરે. ફર્લો મહત્તમ 14 દિવસ માટે જ મળે છે. ફર્લો માટે તે જરૂરી નથી કે કેદીના ઘરમાં કોઈ ઈમરજન્સી હોય અથવા એવી કોઈ પરિસ્થિતિ કે જ્યાં તેનું રોકાવું જરૂરી હોય. ઘણી વખત આવી કોઈ સ્થિતિ ન હોવી છતાં પણ કેદીને ફર્લો આપવામાં આવે છે. જેમ કે, જો કોઈ કેદી લાંબા સમયથી જેલમાં બંધ છે તો તેના માનસિક સ્વાસ્થ્ય માટે અને મોનોટોની બ્રેક કરવા માટે પણ ફર્લો આપવામાં આવે છે. ફર્લો પણ ડિસ્ટ્રિક્ટ પેરોલ એડવાઈઝરી કમિટીની સલાહ પર આપવામાં આવે છે.

શું પેરોલ કે ફર્લો સજામાં કાઉન્ટ થાય છે?

ધારો કે કેદીને 7 વર્ષની સજા થઈ છે અને તેને 1 મહિના માટે પેરોલ મળે છે તો એવું નથી કે 7 વર્ષની સજામાંથી 1 મહિનો ઓછો થઈ જશે. પેરોલનો સમયગાળો સજાની બહારનો છે. જ્યારે ફર્લોમાં આવું નથી. ફર્લોનો સમયગાળો સજામાં જ કાઉન્ટ થાય છે. 



Google NewsGoogle News