સુપ્રીમકોર્ટના બે સિનિયર જજની બેન્ચો વચ્ચે બબાલ! CJIએ કરવી પડી દખલ, જાણો મામલો

Updated: Sep 19th, 2024


Google NewsGoogle News
CJI DY Chandrachud


Supreme Court CJI intervene in tree Cutting Case: નવી દિલ્હીમાં આડેધડ વૃક્ષો કાપવા મામલે દિલ્હી ડેવલપમેન્ટ એસોસિયેશન (ડીડીએ)ને અવમાનના નોટિસ ફટકારવામાં આવતા સર્જાયેલા વિવાદની સુનાવણી હવે દેશના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ કરશે. આ વિવાદ સુપ્રીમ કોર્ટના સિનિયર જજ બી.આર. ગવઈ અને જસ્ટિસ એ.એસ. ઓકાની બેન્ચ વચ્ચે સર્જાયો હતો.

શું હતી ઘટના?

જૂન-જુલાઈ દરમિયાન જસ્ટિસ એ.એસ. ઓકા અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની બેન્ચે દિલ્હીના રિજ વિસ્તારમાં 422 વૃક્ષો કાપવાના મામલે દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીના અધિકારીઓને અવમાનનાની નોટિસ ફટકારી હતી. આ સાથે, બેન્ચે ટિપ્પણી કરી હતી કે દિલ્હી સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે અસંવેદનશીલતા દર્શાવી છે. કોર્ટે દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીને રોડ નિર્માણ માટે સધર્ન રિજના આરક્ષિત જંગલ વિસ્તારમાં 422 વૃક્ષો કાપવાની મંજૂરી આપવા બદલ પણ સરકારની ઝાટકણી કાઢી હતી. બેન્ચે ડીડીએના વાઇસ ચેરમેન સામે પણ કડક કાર્યવાહી કરી હતી.

બીજી તરફ રસ્તો પહોળો કરવાના પ્રોજેક્ટ માટે રિજ વિસ્તારમાં 1,100 વૃક્ષો કથિત રીતે કાપવાના કેસમાં DDAના વાઈસ ચેરમેન વિરુદ્ધ સુઓમોટો થઈ હતી. જેને ધ્યાનમાં લેતાં સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીઆર ગવઈની આગેવાની હેઠળની ત્રણ જજોની બેન્ચ દ્વારા સુપ્રીમ કોર્ટમાં સમાન અવમાનના કેસની સુનાવણી પહેલાંથી જ ચાલી રહી હતી.

આ પણ વાંચોઃ ઘર, પૈસા, કપડાં, અનાજ બધું બાળી નાખ્યું...' બિહારના નવાદાના અગ્નિકાંડ પીડિતોએ વ્યથા ઠાલવી

કેમ વિવાદ સર્જાયો?

જસ્ટિસ બી.આર. ગવઈની આગેવાની હેઠળની બીજી બેન્ચે 24 જુલાઈના રોજ જસ્ટિસ ઓકાની બેન્ચ દ્વારા અવમાનનાની અરજીને ધ્યાનમાં લેતા નોટિસ જારી કરવા મુદ્દે ન્યાયિક યોગ્યતા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો અને પૂછ્યું હતું કે જ્યારે સુપ્રીમ કોર્ટની અન્ય બેન્ચ સમાન કેસની સુનાવણી કરી રહી છે, ત્યારે આ બેન્ચ દ્વારા નિર્ણય સંભળાવવો કેટલી હદે યોગ્ય છે? જસ્ટિસ ગવઈની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું હતું કે, "જ્યારે એક બેન્ચ અવમાનનાની કાર્યવાહી સંબંધિત અરજીની સુનાવણી કરી રહી છે, ત્યારે શું બીજી બેન્ચે અવમાનનાની કાર્યવાહી શરૂ કરવી જોઈએ?" જસ્ટિસ ગવઈની ન્યાયિક યોગ્યતાના પ્રશ્ને સુપ્રીમ કોર્ટમાં નવો વિવાદ છેડાઈ ગયો હતો.

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ કર્યો હસ્તક્ષેપ

વિવાદ વકરતાં ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે કેસમાં હસ્તક્ષેપ કરવો પડ્યો હતો અને જસ્ટિસ ઓકાના નેતૃત્વ હેઠળની બેન્ચમાં ચાલતો આ કેસ ત્રણ જજ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બનેલી સીજેઆઈની અધ્યક્ષતાવાળી બેન્ચમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. CJIની આગેવાની હેઠળની બેન્ચ સતબારીમાં કેન્દ્રીય સશસ્ત્ર અર્ધલશ્કરી દળો માટે હોસ્પિટલ અને સાર્ક યુનિવર્સિટી માટે રસ્તાના નિર્માણ સંબંધિત વૃક્ષો કાપવા બદલ DDA સામે કાર્યવાહીની માંગ કરતી અવમાનનાની અરજી પર ચુકાદો આપશે.


સુપ્રીમકોર્ટના બે સિનિયર જજની બેન્ચો વચ્ચે બબાલ! CJIએ કરવી પડી દખલ, જાણો મામલો 2 - image


Google NewsGoogle News