પહલગામ હુમલામાં અમારે કોઈ લેવા દેવા નથી: જવાબદારી લેનારૂ આતંકી સંગઠન TRF ફરી ગયું
Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ લશ્કર-એ-તૈયબાના ઈન્ડિયન ફ્રન્ટ ટીઆરએફ (ધ રેજિસ્ટન્સ ફ્રન્ટ)એ હુમલાની જવાબદારી લીધી હતી. પરંતુ હવે તેણે પલટી મારી છે કે, પહલગામની ઘટના સાથે તેના કોઈ લેવાદેવા નથી.
પહલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન પર ચારેકોરથી દબાણ થઈ રહ્યું છે. તમામ દેશ ભારત સાથે ઉભા છે. એવામાં ટીઆરએફની આ પલટી પાકિસ્તાન સરકારના કહેવા પર કરવામાં આવી હોવાના અહેવાલો ફરતા થયા છે. પહલગામ હુમલા બાદ ટીઆરએફે આ હુમલાની જવાબદારી લીધી હતી. પરંતુ હવે એકાએક પલટી મારતાં ઘટના સાથે કોઈ લેવાદેવા ન હોવાનું નિવેદન આપતાં સૌ કોઈ ચૌંકી ગયા છે. સૌ કોઈ સવાલો કરી રહ્યા છે કે, ટીઆરએફે શા માટે પલટી મારી?
શું હતો મામલો
પાકિસ્તાન મિલિટ્રી એકેડમીના પાસિંગ આઉટ પરેડ પર વડાપ્રધાન શાહબાઝ શરીફે જણાવ્યું કે, તેઓ ઈચ્છે છે કે, પહલગામ હુમલાની તપાસ પક્ષપાત વિના થાય. દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય. ભારત દ્વારા ઉઠાવવામાં આવેલા કડક પગલાં બાદ પાકિસ્તાન પોતાના રંગ બદલી રહ્યું છે. પાકિસ્તાને લશ્કર-એ-તૈયબાને નિર્દેશ આપ્યો હતો કે, પહલગામ હુમલા અંગે નિવેદન જાહેર કરે અને હુમલાની જવાબદારી મુદ્દે સ્પષ્ટ નિવેદન જારી કરે. ટીઆરએફએ ગઈકાલે જ પોતાના નિવેદન પર પલટી મારતાં કહ્યું હતું કે, પહલગામ ઘટના સાથે તેના કોઈ લેવાદેવા નથી. આ નિવેદન બાદ આજે સવારે પાકિસ્તાન પીએમએ સ્વતંત્ર તપાસ કરવાની માગ કરી હતી. જેથી આ સમગ્ર પટકથા પાકિસ્તાનના પીએમ શાહબાઝ દ્વારા લખવામાં આવી હોવાની વાતનો ઈનકાર કરી શકાય નહીં.
આ રીતે બદલ્યો નિર્ણય
ક્રોનોલોજી સમજીએ તો, પહેલા હુમલો થાય છે, બાદમાં ટીઆરએફ હુમલાની જવાબદારી લે છે, ત્યારબાદ ભારત આકરા નિર્ણયો લે છે. આખી દુનિયાનો સપોર્ટ ભારતને મળે છે. હવે પાકિસ્તાન એકલું પડતાં અચાનક ટીઆરએફ ફરી નિવેદન આપી જવાબદારીઓમાંથી છટકી જાય છે. પાકિસ્તાન હવે પોતાને વિશ્વ સમક્ષ એવી રીતે રજૂ કરી રહ્યો છે કે, તે પોતે પણ આતંકવાદથી પીડિત છે.