અધ્યક્ષ બન્યાના ત્રણ દિવસ બાદ જ સંજય સિંહ સહિત આખું કુશ્તી સંઘ જ સસ્પેન્ડ, રમત મંત્રાલયે આપ્યું કારણ
સંજય સિંહે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની ચૂંટણીમાં પૂર્વ રેસલર અનિતા શિયોરાનને હરાવી હતી
કુશ્તીબાજ સાક્ષી મલિકે સંજય સિંહની જીત બાદ જ રેસલિંગમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી
Image:File Photo |
WFI Suspended : હાલમાં જ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના સાંસદ બૃજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહનો વિજય થયો હતો અને પૂર્વ રેસલર અનિતા શિયોરાનનો પરાજય થયો હતો. ત્યાર પછી મહિલા રેસલર સાક્ષી મલિકે રેસલિંગમાંથી નિવૃતિ લેવાની અને ઓલિમ્પિક પુરસ્કાર વિજેતા બજરંગ પુનિયાએ પદ્મશ્રી પુરસ્કારને પરત કરવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન રમતગમત મંત્રાલયે આજે મોટી કાર્યવાહી કરતા રેસલિંગ ફેડરેશન અને તેના નવનિયુક્ત અધ્યક્ષ સંજય સિંહને સસ્પેન્ડ કરી દીધા છે.
જીતના ત્રણ દિવસ બાદ જ સંજય સિંહ સહિત સમગ્ર રેસલિંગ ફેડરેશન નિલંબિત
નવા રેસલિંગ ફેડરેશને હાલમાં જ જુનિયર નેશનલ ચેમ્પિયનશીપનું આયોજન ગોંડામાં કરાવવાનું એલાન કર્યું હતું. રમતગમત મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના બંધારણની જોગવાઈઓનું પાલન કર્યા વિના લેવામાં આવ્યો હતો. ફેડરેશનના નવા ચૂંટાયેલા એક્ઝિક્યુટિવ બોડી દ્વારા લેવામાં આવેલા નિર્ણયો રેસલિંગ ફેડરેશન અને નેશનલ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ કોડની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે. આવા નિર્ણયો કારોબારી સમિતિ દ્વારા લેવામાં આવે છે, જેની પહેલાં કાર્યસૂચિને વિચારણા માટે મૂકવામાં આવે તે જરૂરી છે. આ નિર્ણયોમાં નવા પ્રમુખની મનસ્વીતા દેખાઈ રહી છે, જે સિદ્ધાંતોની વિરુદ્ધ છે. એથ્લીટો, હિતધારકો અને જનતા વચ્ચે વિશ્વાસ કેળવવો મહત્ત્વનો છે.
કુશ્તી સંઘ અગાઉના પદાધિકારીઓના નિયંત્રણ હેઠળ
રમતગમત મંત્રાલયે વધુમાં કહ્યું, 'એવું લાગે છે કે નવું કુશ્તી સંઘ સંપૂર્ણપણે રમતગમતના નિયમોની અવગણના કરી અગાઉના પદાધિકારીઓના નિયંત્રણ હેઠળ છે, જેમની સામે યૌન ઉત્પીડનના આરોપો લગાવવામાં આવ્યા હતા. ફેડરેશનનું કામકાજ પૂર્વ પદાધિકારીઓ દ્વારા નિયંત્રિત પરિસરમાંથી ચલાવવામાં આવે છે. આ સંકુલમાં ખેલાડીઓના કથિત યૌન ઉત્પીડનના આરોપો લાગ્યા છે અને હાલમાં કોર્ટ આ કેસની સુનાવણી કરી રહી છે.
રેસલર્સની લડાઈ બૃજભૂષણ સામે હતી - સાક્ષી મલિક
સંજય સિંહના અધ્યક્ષ બન્યા બાદથી વિવાદ સતત વધી રહ્યું છે. રેસલર સાક્ષી મલિકે સંજય સિંહને બૃજભુષણ સિંહના નજીકના કહેતા સન્યાસનું એલાન કર્યું હતું. સાક્ષીએ કહ્યું હતું, 'રેસલર્સની લડાઈ બૃજભૂષણ સામે હતી. અમે ઇચ્છીએ છીએ કે ફેડરેશન પરથી તેના કબજાનો ખાતમો થાય. અમે સરકાર સાથે પણ ચર્ચા કરી હતી કે એક મહિલાને મહાસંઘની અધ્યક્ષ બનાવવામાં આવે. જેથી મહિલા રેસલર્સના શોષણની ફરિયાદો ન આવે તે માટે સરકારે અમારી માંગણી સ્વીકારવાની ખાતરી પણ આપી હતી. પરંતુ પરિણામ બધાની સામે છે, બૃજભૂષણના જમણા હાથ અને બિઝનેસ પાર્ટનર ફેડરેશનના અધ્યક્ષ બન્યા.
સંજય સિંહને 40 જયારે અનિતા શિયોરાનને 7 વોટ મળ્યા હતા
સંજય સિંહે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની ચૂંટણીમાં પૂર્વ રેસલર અનિતા શિયોરાનને હરાવી હતી. આ ચૂંટણીમાં કુલ 47 લોકોએ મતદાન કર્યું હતું. તેમાં સંજય સિંહને 40 અને અનિતાને માત્ર સાત મત મળ્યા હતા. સંજય સિંહ ફેડરેશનની અગાઉની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ સાથે પણ સંકળાયેલા હતા. તેઓ 2019માં રાષ્ટ્રીય મહાસંઘના સંયુક્ત સચિવ પણ હતા.