ભારત માતાની પ્રતિમા કેમ હટાવી? ભાજપને પરત આપો: મદ્રાસ હાઇકોર્ટનો તમિલનાડુ સરકારને આદેશ
Image Source: Twitter
Madras High Court : મદ્રાસ હાઇકોર્ટે બુધવારે તમિલનાડુ પોલીસની એ કાર્યવાહી પર આકરી ટીપ્પણી કરી હતી જેમાં તેમણે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાંથી ભારત માતાની પ્રતિમા હટાવી દીધી હતી. હવે હાઇકોર્ટે રાજ્ય સરકારને પ્રતિમા ભાજપને પરત કરી દેવાનો આદેશ આપ્યો છે અને કહ્યું હતું કે, કોઈ ખાનગી મિલકતની અંદર થતી ગતિવિધિઓને નિયંત્રિત કરવાનું કામ રાજ્યનું નથી.
આ સંપૂર્ણ કાર્યવાહી નિંદનીય છે
મદુરાઇ બેન્ચના જસ્ટિસ આનંદ વેંકટેશે કહ્યું કે, મને કોઈ શંકા નથી કે, પ્રશાસને મનસ્વી રીતે ખાનગી મિલકતમાંથી ભારત માતાની પ્રતિમાને હટાવી દીધી છે. શક્ય છે કે, તેમણે કદાચ બીજે ક્યાંકથી દબાણના કારણે આવું કર્યું હતું. આ સંપૂર્ણ કાર્યવાહી નિંદનીય છે અને ભવિષ્યમાં આવું ક્યારેય ન થવું જોઈએ. આપણે એક કલ્યાણકારી રાજ્યમાં રહીએ છીએ, જે કાયદાના શાસન દ્વારા સંચાલિત હોય છે.
આ મામલો ત્યારે શરુ થયો જ્યારે તમિલનાડુ સરકારે 2022માં હાઇકોર્ટના આદેશનો હવાલો આપતાં ભાજપને એક નોટિસ જારી કરી હતી. આ આદેશમાં કહેવામાં આવ્યું હતું કે કોઈપણ નેતાની નવી પ્રતિમા સ્થાપિત ન કરી શકાય. જે પ્રતિમાથી જાહેર અશાંતિનો ખતરો હોય તેને અન્ય સ્થાને સ્થાનાંતરિત કરવી જોઈએ. રાજ્ય સરકારનું કહેવું હતું કે, ભાજપને મોકલવામાં આવેલી નોટિસનો કોઈ જવાબ નથી આવ્યો. તેથી સામાજિક શાંતિ જાળવી રાખવાના હેતુથી ભારત માતાની પ્રતિમાને હટાવી લેવામાં આવી હતી અને હવે આ પ્રતિમા મહેસૂલ વિભાગના કાર્યાલયમાં સુરક્ષિત રાખવામાં આવી છે.
ભાજપનો DMK સરકાર પર આરોપ
ભાજપે કોર્ટમાં દલીલ કરી હતી કે ભારત માતાની પ્રતિમા ભારતના પ્રતીક તરીકે અમારા કાર્યાલયમાં સ્થાપિત કરવામાં આવી હતી. ભાજપનો આરોપ છે કે, 'તમિલનાડુમાં સત્તારૂઢ DMK સરકારે પોલીસને ભાજપના કાર્યાલયમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને પ્રતિમા હટાવવાનો આદેશ આપ્યો હતો.'
ભારત માતાની પ્રતિમાનું મહત્ત્વ
કોર્ટે આ કેસને મહત્ત્વપૂર્ણ ગણાવતા કહ્યું કે, એ સવાલ થાય છે કે ખાનગી સંપત્તિ પર અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારની મર્યાદા શું છે? જસ્ટિસ વેંકટેશે કહ્યું કે, 'જે વ્યક્તિ પોતાની સમજ અને વિવેકથી કામ કરે છે તે એમ ન કહી શકે કે પોતાના દેશ પ્રત્યે પ્રેમ અને દેશભક્તિની અભિવ્યક્તિ રાજ્ય અથવા સમાજના હિતોને જોખમમાં મૂકી શકે છે.' તેમણે આગળ કહ્યું કે, 'ભારત માતાની પ્રતિમાને કોઈના બગીચામાં મૂકવી એ વ્યક્તિગત શ્રદ્ધાનું પ્રતીક છે. તે સ્વતંત્રતા, હિંમત અને સાંસ્કૃતિક ઓળખના આદર્શો પર વિચાર કરવા આમંત્રણ આપે છે.'
મદ્રાસ હાઇકોર્ટનો આ નિર્ણય તમિલનાડુ સરકાર માટે મોટો ઝટકો
મદ્રાસ હાઇકોર્ટનો આ નિર્ણય તમિલનાડુ સરકાર માટે મોટો ઝટકો છે. કોર્ટે સ્પષ્ટ કહી દીધું છે કે, 'રાજ્યનો અધિકાર ખાનગી સંપત્તિમાં હસ્તક્ષેપ કરવા પૂરતો મર્યાદિત નથી. ખાનગી સ્થાન પર કોઈ વ્યક્તિની રાષ્ટ્રીય ઓળખ અને સંસ્કૃતિનું સન્માન કરવાના અધિકારને કોઈ પણ સરકાર છીનવી ન શકે. આ આદેશ બંધારણીય દૃષ્ટિકોણથી મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને વ્યક્તિગત સમ્માનને પ્રોત્સાહન આપે છે.'