દેશભરમાં કેમ ભારત જોડો યાત્રા યોજી તેનું સાચું કારણ રાહુલ ગાંધીએ અમેરિકા જઈને જણાવ્યું
Rahul Gandhi In USA: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ત્રણ દિવસના અમેરિકાના પ્રવાસે છે. અહીં તેમણે ડલાસમાં યુનિવર્સિટી ઑફ ટેક્સાસના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. આ કાર્યક્રમમાં તેમણે અનેક મુદ્દે પર વાત કરી હતી.
કયા કયા મુદ્દે પ્રતિક્રિયા આપી?
દેશમાં બેરોજગારી સમસ્યાથી લઈને ભગવાન સુધી કોંગ્રેસના સાંસદે અલગ-અલગ મુદ્દાઓ પર પોતાની પ્રતિક્રિયાઓ શેર કરી. આ દરમિયાન તેમણે ભારત જોડો યાત્રા અને ભારત જોડો ન્યાય યાત્રા પર પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. આ દરમિયાન તેમણે ભારત જોડો યાત્રા શા માટે કરવાની જરૂર પડી તે પણ જણાવ્યું હતું.
ભારતમાં વાતચીતના તમામ રસ્તા બંધ હતા
ભારત જોડો યાત્રાની શરુઆત અને તેની પાછળનું કારણ જણાવતાં રાહુલ ગાંધીએ કહ્યું કે ‘દેશમાં વાતચીત કરવાના તમામ રસ્તા બંધ કરી દેવાયા હતા. પહેલો સવાલ એ છે કે મેં ચાર હજાર કિલોમીટરની મુસાફરી શા માટે કરી ? આનું કારણ એ હતું કે ભારતમાં કમ્યુનિકેશનના તમામ રસ્તાઓ બંધ કરી દેવાયા. અમે સંસદમાં બોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનું પ્રસારણ ન થયું. અમે મીડિયાનો સંપર્ક કર્યો, પરંતુ તેઓએ અમારી વાત સાંભળી નહીં. અમે કાનૂની સંસ્થાઓને દસ્તાવેજો પણ રજૂ કર્યા હતા, પરંતુ કોઈ પરિણામ આવ્યું ન હતું.’
તો આ કારણે ભારત જોડો યાત્રા કરી હતી
આ વિશે વાત કરતાં તેમણે ભાજપ સરકારની પણ વાત કરી. તેમણે કહ્યું કે, ‘દરેક જગ્યાએ રસ્તા બંધ થઈ ગયા હતા. જનતા સુધી કેવી રીતે પહોંચવું તે સમજાતું ન હતું. ત્યારે અચાનક મારા મનમાં વિચાર આવ્યો કે જો મીડિયા અને સંસ્થાઓ જનતા સાથે જોડાવા માટેનું માધ્યમ ન બની શકે તો મારે સીધું જનતાની વચ્ચે જવું પડશે. આ માટેનો શ્રેષ્ઠ માર્ગ સમગ્ર દેશમાં પગપાળા મુસાફરી કરવાનો હતો અને મેં એ જ કર્યું.’