PM Modi visits Russia: વડાપ્રધાન મોદી મિત્ર પુતિનને મળવા કેમ પહોંચ્યા, રશિયા સાથેની બેઠકથી ભારતને શું મળશે?
PM Modi visits Russia: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 અને 9 જુલાઈ એમ બે દિવસ માટે રશિયાની યાત્રા પર છે. 2014માં મોદી પહેલીવાર વડાપ્રધાન બન્યા ત્યારથી લઈને આજ સુધીમાં તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને 16 વખત મળ્યા છે. પણ એ તમામ મુલાકાત ફેબ્રુઆરી 2022 માં રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું એ અગાઉ થઈ હતી. મોદી છેલ્લે સપ્ટેમ્બર 2019માં વ્લાદિવોસ્ટોકમાં ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમની બેઠક માટે રશિયા ગયા હતા, તો પુતિન છેલ્લે ડિસેમ્બર 2021માં વાર્ષિક દ્વિપક્ષીય સમિટ માટે ભારત આવ્યા હતા. રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું એ પછી બંને નેતાઓ આ પહેલીવાર મળી રહ્યા છે. પશ્ચિમી દેશોએ રશિયા પર વ્યાપક પ્રતિબંધો લાદેલા હોવાથી ભારતની આ મુલાકાત પર આખી દુનિયા ડોળા જમાવીને બેઠી છે.
વડાપ્રધાન મોદીએ તોડી પરંપરા
ભારતના વડાપ્રધાનો એવી વણલખી પરંપરા પાળતા આવ્યા છે કે વડાપ્રધાન બન્યા બાદ સૌપ્રથમ પડોશી દેશની મુલાકાત લેવી. અગાઉ બે વખત સત્તારૂઢ થયા બાદ મોદીએ પણ એ પરંપરા જાળવી હતી. 2014 માં એમણે ભુતાન અને 2019 માં માલદીવ તથા શ્રીલંકાની મુલાકાત લીધી હતી. આ વર્ષે એમણે એ પરંપરા તોડી છે. વડાપ્રધાન પદની શપથ લીધા પછી પડોશી દેશની યાત્રાએ જવાને બદલે એમણે રશિયા પર પસંદગી ઉતારી છે, જે કેન્દ્ર સરકારની નીતિઓ બાબતે ઘણુંબધું કહી જાય છે. અલબત્ત, ગયા મહિને મોદીએ ઇટાલીનો પ્રવાસ કર્યો હતો, પરંતુ તે G7 નેતાઓની બહુપક્ષીય બેઠક માટે હતો. પહેલી દ્વિપક્ષીય યાત્રા તો આ રશિયાની મુલાકાત જ ગણાય.
શું છે મુલાકાતના હેતુ?
પુતિન દ્વારા અપાયેલા આમંત્રણને સ્વીકારીને પીએમ મોદી રશિયા ગયા છે. બંને નેતા 22મા ‘ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન’માં સામેલ થશે, જે દરમિયાન બંને દેશોના હિત સંબંધે દ્વિપક્ષીય ચર્ચાઓ કરાશે. છેલ્લા ઘણાં દાયકાઓથી રશિયા ઘણાબધા મોરચે ભારતનું મહત્ત્વપૂર્ણ ભાગીદાર રહ્યું છે. એમાંય છેલ્લા દસ વર્ષમાં તો બંને દેશો વચ્ચે અભૂતપૂર્વ કહી શકાય એ હદે વ્યૂહાત્મક ભાગીદારીઓ નોંધાઈ છે. એક નજર નાંખીએ ચર્ચાના મુખ્ય મુદ્દાઓ પર.
1. બંને દેશો વચ્ચે મુખ્ય ચર્ચા વ્યાપારને વધારવા બાબતે થશે. રશિયા તેમજ અન્ય યુરોપિયન અને આરબ દેશો સાથેના વ્યાપારને ઓછો ખર્ચાળ કરવા માટે ભારતે નવો રુટ વિકસાવવો છે. એ રુટ ઈરાન સોંસરવો જતો હોવાથી ભારતે દસ વર્ષ માટે ઈરાનના ચાબહાર બંદરને ભાડાપટ્ટે લીધું છે. સમગ્ર રુટના ઝડપી વિકાસ બાબતે બંને નેતાઓ ચર્ચા કરી શકે છે.
2. ઊર્જા, સંરક્ષણ, વેપાર, રોકાણ, રેલવે, આરોગ્ય, શિક્ષણ, સંસ્કૃતિ, પર્યટન જેવા ઘણાં બધા ક્ષેત્રે બંને દેશો વચ્ચે આદાન-પ્રદાન થયું છે. આ તમામ ક્ષેત્રે ફરી એકવાર મોસ્કોમાં દ્વિપક્ષીય સહકાર સધાશે.
3. એક સંવેદનશીલ મુદ્દો છે યુક્રેન યુદ્ધમાં લડવા માટે રશિયાની સેનામાં બળજબરીપૂર્વક ભરતી કરાયેલા ભારતીયોનો. ગેરમાર્ગે દોરાયેલા એ ભારતીયોને મુક્ત કરાવવાનો મુદ્દો પણ મોદી પુતિન સામે છેડશે, એવી આશા છે.
સરંક્ષણ ક્ષેત્રે મહત્ત્વના સોદા
1. ભારતે 2018 માં રશિયા પાસેથી એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવાનો સોદો કર્યો હતો, જે ભારતને 2023માં મળી જવાનો હતો. પણ, રશિયા-યુક્રેન યુદ્ધને કારણે એ હથિયાર મેળવવામાં મોડું થયું છે. મોદી પુતિન સાથે આ મુદ્દે પણ ચર્ચા કરી શકે છે.
2. રશિયાની ડિફેન્સ કંપની રોસ્ટેક દ્વારા ભારતમાં મેંગો મિસાઇલના મેન્યુફેક્ચરિંગનું કામ શરૂ કરી દેવાયું છે. મેંગો મિસાઇલ એક પ્રકારના તોપગોળા છે જેને ટેન્કની મદદથી ફાયર કરવામાં આવે છે. આ ગોળા દુશ્મનની મજબૂતમાં મજબૂત ટેન્ક અને ભલભલાં બખ્તરબંધ સૈન્ય વાહનોના પડખા ચીરી નાંખવા સક્ષમ છે. આ મિસાઇલને લીધે ભારતની લશ્કરી શક્તિમાં ખૂબ વધારો થશે. રોસ્ટેક કંપની દ્વારા ભારતમાં અન્ય પ્રકારના દારૂગોળાના ઉત્પાદનની યોજના પણ છે. મોદી-પુતિન વચ્ચે એ મુદ્દે પણ સહમતી સધાય એવું બની શકે.
ભારત-રશિયા વ્યાપાર- કોનો કેટલો ફાયદો?
રશિયાના વિરોધમાં અમેરિકાએ આડકતરી રીતે જાણે કે કહી દીધું હતું કે, રશિયા સાથે હશે એ અમારા દુશ્મન! પણ એવી ધમકીને ગણકાર્યા વિના ભારતે યુદ્ધ પછી પણ રશિયા સાથેનો વ્યાપાર જારી રાખ્યો છે. રશિયા પાસેથી ભારત મબલખ માત્રામાં ખનીજ તેલ ખરીદે છે અને એ માટેની ચૂકવણી રશિયા રૂપિયામાં સ્વીકારે છે, એ ભારતનો મોટો ફાયદો. વર્ષ 2023-24માં બંને દેશો વચ્ચે 54 લાખ કરોડ રૂપિયાનો વેપાર થયો છે, પણ એમાંથી ભારતે રશિયામાં ફક્ત 3.3 લાખ કરોડની નિકાસ કરી છે. એટલે દેખીતું છે કે બંને વચ્ચેના વ્યાપારમાં રશિયાને બહુ મોટો ફાયદો થાય છે. ભારતનો ફાયદો વધે, એ બાબતની ચર્ચા પણ મોદી-પુતિન વચ્ચે થશે.
ભારતની ચાણક્યનીતિ
યુક્રેન યુદ્ધને કારણે અમેરિકા અને યુરોપે રશિયા પર જાતભાતના આર્થિક પ્રતિબંધો ઠોકી બેસાડ્યા હતા. અમેરિકા ઈચ્છતું હતું કે દુનિયાના અન્ય અગ્રણી દેશો પણ એમના પક્ષે રહે અને રશિયાને એકલું પાડી દેવાય. ચીન અને ઉત્તર કોરિયા જેવા અમેરિકાના જાનીદુશ્મન દેશોએ તો ખુલ્લેઆમ રશિયા સાથે દોસ્તી જાળવી રાખી છે. ભારતે અંગત લાભને કેન્દ્રસ્થાને રાખીને આ મુદ્દે ચતુરાઈપૂર્વકનો પ્રતિભાવ દાખવ્યો છે. યુક્રેન પર હુમલો કરવાના રશિયાના પગલાને વખોડવાના બદલે ભારતે ‘બંને દેશોએ વાતચીત દ્વારા આ સંઘર્ષનો ઉકેલ લાવવો જોઈએ’ એવું નિવેદન આપીને ‘માસ્તર મારેય નહીં ને ભણાવેય નહીં’ પ્રકારની મુત્સદ્દીગીરી દર્શાવી છે, જે ભારતના હિતમાં છે. પારકા કંકાસમાં આપણે શું કામ આપણું નુકસાન કરવું?
અમેરિકાના પેટમાં રેડાયું તેલ
‘પહેલો સગો પડોશી’ એ ઉક્તિને ખોટી ઠેરવતા મોદીએ ગાદીધારણ કરતાં જ રશિયાની વાટ પકડી એનાથી સૌથી વધારે તકલીફ અમેરિકાને જ થશે. આમેય રશિયા પાસેથી ખનીજ તેલ ખરીદવાની ભારતની નીતિથી અમેરિકાના પેટમાં તેલ રેડાતું જ હતું, એમાં આ મુલાકાત બળતામાં ઘી ઉમેરવાનું કામ કરશે. રશિયાના પ્રતિનિધિએ તો બેધડક કહ્યું છે કે, પીએમ મોદીની મોસ્કો મુલાકાતને પશ્ચિમી દેશો 'ઈર્ષ્યા'થી જોઈ રહ્યા છે.
ભારતનો દુનિયાને સંદેશ- રશિયા મિત્ર હતું, છે અને રહેશે
ભારત સરકારનો એજેન્ડા દેશના ઇન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ કરીને પ્રગતિની ગાડી પાંચમા ગિયરમાં દોડાવવાનો છે. આ મુદ્દાને લક્ષ્યમાં લઈને ભારતે રશિયાને મહત્ત્વ આપીને દુનિયાને આડકતરો ઈશારો આપી દીધો છે કે કેન્દ્ર સરકારની નીતિ પારકી પંચાતમાં પડ્યા વિના અંગત લાભ પ્રત્યે વધુ રહેશે. રશિયા જેવો અન્યોને મતે યુદ્ધખોર દેશ પણ જો ભારત સાથે સારાસારી રાખશે તો ભારત એના તરફ ઢળશે. ભૂતકાળમાં અમેરિકાથી લઈને ચીન જેવા દેશો અંગત ફાયદા માટે આવું કરી ચૂક્યા હોવાથી ભારત આવું પગલું ભરે એમાં કશું ખોટું પણ નથી. ખનીજતેલની આયાત માટે ભારતે અન્ય દેશો પર નિર્ભર રહેવું પડતું હોવાથી અર્થવ્યવસ્થાને ચાલતી રાખવા માટે રશિયા સાથેની ભાઈબંધી જરૂરી પણ છે. પશ્ચિમના દબાણ સામે ન ઝૂકીને ભારતે ધરાર રશિયાનો હાથ ઝાલી રાખ્યો છે, એ બાબત સૂચક છે કે વૈશ્વિક સ્તરે ભારતનું વજન વધી રહ્યું છે.
મોસ્કોમાં મોદીના માનમાં ભારતીય અને રશિયન કલાકારો ગરબાનૃત્ય કરશે. મોદી ત્યાં વસતાં ભારતીય સમુદાયને પણ મળશે. મોદી અને પુતિન વચ્ચે રાત્રિભોજન યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રશિયાની બે દિવસીય યાત્રા પતાવ્યા પછી પીએમ મોદી એક દિવસ માટે યુરોપિયન દેશ ઓસ્ટ્રિઆ પણ જવાના છે.