જસ્ટિસ વર્માના ઘરેથી મળેલી રોકડ પોલીસે જપ્ત કેમ ન કરી? અધિકારીઓએ કર્યો મોટો ખુલાસો
Justice Varma: દિલ્હી હાઈકોર્ટના તત્કાલિન ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માના આવાસ પર 14 માર્ચે લાગેલી આગની ઘટનાને લઈને સુપ્રીમ કોર્ટે ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરી હતી. આ સમિતિમાાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ શીલ નાગૂ, હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જી.એસ સંઘવાલય અને કર્ણાટક હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ અનુ શિવરામન સામેલ છે. સમિતિએ પોલીસ કમિશનર સંજય અરોરા, દિલ્હી ડીસીપી દેવેશ મહાલા અને અન્ય પહેલી પ્રતિક્રિયા આપનારાઓની સંપૂર્ણ પૂછપરછ કરવામાં આવી છે. પૂછપરછમાં બે મુખ્ય સવાલ ઊભા થયા છે. આગ દરમિયાન સ્થળ પર હાજર રોકડ રકમ કેમ જપ્ત કરવામાં ન આવી? કામદારોના મોબાઇલ ફોનમાંથી આગના દ્રશ્યનો વીડિયો કેમ ડિલીટ કરવામાં આવ્યો?
પોલીસે કેમ જપ્ત ન કરી રોકડ?
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ મામલે કોઈ FIR દાખલ નહતી કરાઈ. તેથી રોકડની જપ્તી ન કરી શકાય. ભારતની કોઈપણ હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સામે FIR ફક્ત ત્યારે જ દાખલ થઈ શકે, જ્યારે મુખ્ય ન્યાયાધીશ મંજૂરી આપે. જેથી પોલીસે ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી અને બાદમાં CJI સંજીવ ખન્નાને આ વિશે જાણકારી આપી હતી. પોલીસ અધિકારીઓએ દાવો કર્યો કે, તેમણે પ્રક્રિયાનું પાલન કરતા સમગ્ર મામલો પોતાના વરિષ્ઠોને સોંપ્યો, જેમણે દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડી. કે ઉપાધ્યાયને ઘટનાની જાણ કરી હતી. વીડિયો ક્લિપ ડિલીટ કરવાની વાત પર પોલીસે જણાવ્યું કે, આ નિર્દેશ વરિષ્ઠ અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યો હતો. જેથી ફૂટેજ ખોટા હાથમાં ન જતી રહે.
ગૃહ મંત્રી અમિત શાહે પણ હાલમાં જ એક કાર્યક્રમમાં આ મામલે ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, 'જ્યારે FIR દાખલ નથી થઈ શકતી તો જપ્તી કેવી રીતે થશે? આપણે સમિતિના રિપોર્ટની રાહ જોવી જોઈએ.
જસ્ટિસ યશવંત વર્માએ રોકડ મળ્યાનો કર્યો ઈનકાર
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પોલીસ અને ફાયર વિભાગના કર્મચારીઓ, દિલ્હી ફાયર સર્વિસના પ્રમુખ અતુલ ગર્ગ અને દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાએ સમિતિને જણાવ્યું કે, ઘટનાની રાત્રે સ્ટોર રૂમમાં રોકડ હાજર હતી, જે બળીને ખાક થઈ ગઈ હતી. જોકે, જસ્ટિસ યશવંત વર્માએ દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે મોકલેલા પોતાના જવાબમાં એ વાતનો ઈનકાર કર્યો કે, ઘટનાસ્થળે કોઈ રોકડ હતી. તેમણે કહ્યું કે, 'આગ લાગી તે સમયે મારી દીકરી અને ખાનગી સચિવે ફાયર વિભાગને સંપર્ક કર્યો હતો, જેનું રેકોર્ડિંગ ઉપલબ્ધ હશે. આગ ઓલવવા માટે તમામ પરિવારજનોએ સુરક્ષાના કારણોસર દૂર કરવામાં આવ્યા હતાં અને જ્યારે તેઓ પરત ફર્યાં ત્યારે ત્યાં કોઈ રોકડ નહતી મળી.'
આ દરમિયાન, હાઈકોર્ટના નિર્દેશો પર દિલ્હી પોલીસે જસ્ટિસ વર્માની કૉલ ડિટેલ રેકોર્ડ (CDR), ઈન્ટરનેટ પ્રોટોકોલ ડિટેલ રેકોર્ડ (IPDR) અને છેલ્લાં છ મહિનાથી તેમના નિવાસસ્થાને તૈનાત સુરક્ષા કર્મચારીઓની વિગતો દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને સુપરત કરી છે. ઉલ્લેખનીય છે કે આ ઘટના બાદ, સુપ્રીમ કોર્ટે જસ્ટિસ વર્માને અલ્હાબાદ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની ભલામણ કરી હતી, જ્યાં તેમણે 5 એપ્રિલે ચાર્જ સંભાળ્યો હતો.