મહારાષ્ટ્ર ચૂંટણી: મહાયુતિના પાંચ દિગ્ગજ નેતાનો મોટો ખેલ ! શિંદે-અજિતને થયો ફાયદો, ભાજપને પડ્યો ફટકો
Maharashtra Election 2024 : મહારાષ્ટ્રમાં જેમ જેમ ચૂંટણી તારીખ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકારણમાં ભારે ઉથલપથાલ જોવા મળી રહી છે. એકતરફ મહાયુતિના સાથી પક્ષો ભાજપ, શિંદેની શિવસેના અને અજિતની એનસીપીએ ઉમેદવારો જાહેર કરી રહ્યા છે, તો બીજીતરફ મહાયુતિના પાંચ દિગ્ગજ નેતાઓએ છેલ્લી ઘડીએ અંદરોઅંદર પક્ષપલટો કરી ભાજપની મુશ્કેલી વધારી દીધી છે.
મહાયુતિ ગઠબંધનમાં અંદરોઅંદર પક્ષપલટો
મહાયુતિ ગઠબંધનમાં અંદરોઅંદર પક્ષપલટો કરનારા પાંચ દિગ્ગજ નેતાઓમાંથી એક નેતાએ મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા છે અને શિંદેએ તેમને ટિકિટ પણ આપી દીધી છો. જ્યારે સૌથી વધુ ફાયદો અજિત પવારની એનસીપીને થયો છે, જેમાં ચાર દિગ્ગજ નેતાઓની એન્ટ્રી થઈ છે અને ચારેયને ટિકિટ પણ આપી દેવાઈ છે. આ પક્ષપલટાની સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ પાંચેય નેતાઓ પહેલા ભાજપના હતા અને હવે તેમાંથી એકે શિવસેના અને ચાર નેતાએ એનસીપીનો હાથ પકડી લીધો છે.
પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર ભાજપ છોડી શિવસેનામાં જોડાયા
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્ર નિલેશ રાણે ભાજપ છોડીને શિંદેની શિવસેનામાં સામેલ થયા છે. એટલું જ નહીં તેઓ જોડાવાની સાથે પાર્ટીએ તેમને કુડાલ-સાવંતવાડી વિધાનસભા બેઠક પરથી ટિકિટ પણ આપી દીધી છે. નિલેશનો સામનો ઉદ્ધવની શિવસેનાના ઉમેદવાર વૈભવ નાઈક સાથે થશે. વૈભવ આ બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય છે.
ચાર નેતાઓ ભાજપ છોડી NCPમાં જોડાયા, ટિકિટ પણ મળી
બીજીતરફ નિલેશ રાણે ઉપરાંત ચાર નેતાઓએ વિધાનસભા ચૂંટણી લડવા ભાજપ છોડીને એનસીપીના વડા અજિત પવારનો હાથ પકડ્યો છે. સૌથી મોટી વાત એ છે કે, અજિતે પણ ચારેય નેતાઓને ટિકિટ પણ આપી દીધી છે. આ ચાર નેતાઓમાં સાંગલી જિલ્લાના પૂર્વ સાંસદ સંજય કાકા પાટિલ, ભાજપના જિલ્લા અધ્યક્ષ નિશિકાંત ભોસલે પાટિલ, નાંદેડ જિલ્લાના ભાજપ નેતા પ્રતાપ રાવ પાટિલ ચિખલીકર અને પૂર્વ મંત્રી તેમજ ભાજપ નેતા રાજ બડોલેનો સમાવેશ થાય છે.
એનસીપીએ ભાજપ છોડીને આવેલા ચાર નેતાને આપી ટિકિટ
એનસીપીએ સંજય કાકા પાટિલને તાંસગાંવ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે અને તેમનો મુકાબલો શરદ પવારની પાર્ટી એનસીપીના નેતા આર.આર.પાટિલના પુત્ર રોહિત પાટિલ સામે થશે. જ્યારે નિશિકાંત ભોસલેને ઈસ્લામપુર બેઠકની ટિકિટ અપાઈ છે અને તેમનો મુકાબલો એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટિલ સાથે થશે. આ ઉપરાંત પ્રતાપરાવ પાટિલને લોહા વિધાનસભા બેઠક અને રાજ બડોલેને અર્જુની-મોરગાંવ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતારાયા છે.