આ નદી શાપિત હોવાની માન્યતા, સ્પર્શ માત્રથી તમામ કર્મોનો થઈ જાય છે નાશ
નવી દિલ્હી, તા. 25 ફેબ્રુઆરી 2023 શનિવાર
શું તમે ક્યારેય સાંભળ્યુ છે કે કોઈક નદીમાં લોકો એટલા માટે નહાતા નથી કે ક્યાંક કંઈ અશુભ ના થઈ જાય. કોઈ નદીના પાણીનો લોકો એ ડરના કારણે ઉપયોગ નથી કરતા કારણ કે તેમના તમામ કર્મ નષ્ટ ના થઈ જાય અને લોકો અપવિત્ર ના થઈ જાય. આ માત્ર કહાની નહીં હકીકત છે.
બક્સર પાસે એક નદી છે. બિહારમાં પ્રવેશ કરતી વખતે આ નદીને દરેક ટ્રેન પાર કરે છે. આ નદીનું નામ છે કર્મનાશા. કર્મનાશા નદી પોતાના નામ અનુસાર જ બદનામ છે. કર્મ અને નાશ બે શબ્દોને મળીને આ નદીનુ નામ એટલા માટે પડ્યુ છે કારણ કે આ સાથે મિથક અને પૌરાણિક કહાનીઓ જોડાયેલી છે.
પૌરાણિક કથા
કર્મનાશાની કહાની રાજા હરિશ્ચંદ્રના પિતા સત્યવ્રત સાથે જોડાયેલી છે. સત્યવ્રત મહર્ષિ વશિષ્ઠ અને મહર્ષિ વિશ્વામિત્ર વચ્ચેની દુશ્મનાવટનો શિકાર થઈ ગયા. સત્યવ્રત પોતાના શરીર સાથે સ્વર્ગ જવા ઈચ્છતા હતા. તેમણે પોતાના ગુરુ મહર્ષિ વશિષ્ઠને જ્યારે પોતાની આ ઈચ્છા વિશે જણાવ્યુ તો મહર્ષિ વશિષ્ઠે એવુ વરદાન આપવાની ના પાડી દીધી. સત્યવ્રતે આ ઈચ્છા મહર્ષિ વિશ્વામિત્રને કહી. મહર્ષિ વિશ્વામિત્ર અને મહર્ષિ વશિષ્ઠ વચ્ચે જૂની દુશ્મનાવટ હતી. તેથી જ્યારે મહર્ષિ વિશ્વામિત્રને ખબર પડી કે મહર્ષિ વશિષ્ઠે સત્યવ્રતને ના પાડી દીધી છે. તો તેમણે તાત્કાલિક પોતાના તપના બળે સત્યવ્રતને સશરીર સ્વર્ગ પહોંચાડી દીધા.
કર્મનાશાનો બહિષ્કાર
કહાની અહીં ખતમ થઈ નહીં. સત્યવ્રતના સશરીર સ્વર્ગ પહોંચવાથી ઈન્દ્રદેવ નારાજ થઈ ગયા. તેમણે શ્રાપ આપીને સત્યવ્રતને માથુ ઊંધુ કરીને પાછા પૃથ્વી પર મોકલી દીધા પરંતુ મહર્ષિ વિશ્વામિત્રએ પોતાના તપના બળે સત્યવ્રતને પૃથ્વી અને સ્વર્ગ વચ્ચે જ રોકી દીધા. સત્યવ્રત વચ્ચે જ અટકી ગયા અને તેથી તેમને ત્રિશંકુ કહેવામાં આવ્યા. સત્યવ્રતને મહર્ષિ વશિષ્ઠે પહેલા જ ચાંડાલ બની જવાનો શ્રાપ આપી દીધો હતો. હવે સત્યવ્રતનુ માથુ નીચેની તરફ લટકી રહ્યુ હતુ તેથી તેમના મોઢામાંથી સતત પડતી લાળે નદીનું રૂપ ધારણ કરી લીધુ. આ નદી કર્મનાશા નદી કહેવાઈ. જેના પાણીનો ઉપયોગ કરવાથી લોકો ડરે છે. નદી વિશેની આ માન્યતા અને મિથક આજસુધી લોકો માનતા આવી રહ્યા છે.
આમ તો કર્મનાશા નદી બિહારના કૈમૂર જિલ્લામાંથી નીકળે છે. આ નદીની કુલ લંબાઈ 192 કિલોમીટરની આસપાસ છે. આ મોટાભાગે ઉત્તર પ્રદેશમાં વહે છે, બિહારમાં આનુ વહેણ ઓછુ છે. બક્સરની પાસે કર્મનાશા ગંગામાં જઈને મળે છે.