હરિયાણાનું આ ગામ ડોનાલ્ડ ટ્રમ્પ વિલેજ તરીકે કેમ ઓળખાય છે ?
ટ્રમ્પ ગામની જાહેરાત વોશિગ્ટનમાં યોજાયેલા એક કાર્યક્રમમાં થઇ હતી
ગામમાં ટ્મ્પના લગાવાયેલા વિશાળ પોસ્ટર પાસે લોકો ઉભા રહીને ફોટા પડાવતા
ચંદિગઢ,13 નવેમ્બર,2024,બુધવાર
હરિયાણાના મેવાત જિલ્લાનું મરોરા છેલ્લા 7 વર્ષથી ટ્રમ્પ વિલેજ તરીકે ઓળખાય છે. આ ગામનું નામ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નામ પરથી જ પડ્યું છે. ટોઇલેટ અને સ્વચ્છતા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતી એજન્સીએ ગામમાં 100 ટકા ઘરોમાં ટોઇલેટ બાંધવાની કામગીરી કરીને 2017માં ટ્રમ્પ વિલેજ નામ આપ્યું હતું. નવાઈની વાત તો એ છે કે આ ગામની જાહેરાત 2017માં વોશિગ્ટનમાં યોજાયેલા એક કાર્યક્રમમાં થઈ હતી જે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો મજબૂત બનાવવાના ભાગરુપે હતી.
400 પરિવારની વસ્તી ધરાવતા આ ગામની 80 ટકા વસ્તી મુસ્લિમ છે જેમણે ટ્રમ્પ ગામનું બિરુદ સ્વીકારી લીધું છે. જયારે ટ્રમ્પ નામકરણ કરવામાં આવ્યું ત્યારે ગામના ખૂણે ખૂણે ટ્રમ્પના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. ગામમાં ટ્રમ્પના લગાવાયેલા વિશાળ પોસ્ટર પાસે લોકો ઊભા રહીને ફોટા પડાવતા હતા. મુલાકાતીઓ પણ ટ્રમ્પના વિશાળ કટ આઉટ પાસે તસ્વીર પડાવવામાં ગૌરવ અનુભવતા હતા. ટ્રમ્પ નામ પહેલા તો ગામ લોકો માટે અજાણ્યું હતું પરંતુ હવે નાનું બાળકથી માંડીને વૃદ્ધોની પણ જીભે ચડી ગયું છે.
દિલ્હીમાં કાર્ટરપુરી નામ અમેરિકાના પૂર્વ પ્રમુખ જીમી કાર્ટરની યાદમાં આપવામાં આવ્યું છે, પરંતુ આ ગામમાં કોઈ અમેરિકી પ્રમુખ કે રાજદૂત આવ્યા ન હોવા છતા ટ્રમ્પ નામ પાડવામાં આવ્યું છે. જો કે સ્થાનિક સ્તરે લોકો ટ્રમ્પ ગામ તરીકે સંબોધે છે પરંતુ સરકારી દફતરે ટ્રમ્પ નામનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. અમેરિકાની 2024ની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઇ આવ્યા છે ત્યારે ફરી આ ગામ ચર્ચાનો વિષય બન્યું છે, સત્તાવાર રીતે ગામનું નામ ટ્રમ્પ રાખવામાં આવે તેવી ગામ લોકોની માંગણી છે.