Get The App

સામ પિત્રોડા કોંગ્રેસ અને રાહુલ ગાંધી માટે આટલા જરૂરી કેમ? ફજેતી બાદ ફરી થઈ ગઈ વાપસી

Updated: Jun 27th, 2024


Google NewsGoogle News
Sam Pitroda and Rahul Gandhi

Sam Pitroda News: લોકસભા ચૂંટણી દરમિયાન વંશીય નિવેદનો કરવા બદલ વિવાદમાં આવેલા અને કોંગ્રેસથી દૂર થયેલા સામ પિત્રોડા (Sam Pitroda) 50 દિવસ બાદ કોંગ્રેસમાં પાછા પરત ફર્યા છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલના જણાવ્યા અનુસાર, પિત્રોડા પહેલાની જેમ ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસની કમાન સંભાળશે. આ અંગે કોંગ્રેસે એક પત્ર પણ બહાર પાડ્યો છે. ઉલ્લેખનિય છે કે,   પિત્રોડાના વિવાદિત નિવેદનોથી ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પાર્ટી મુશ્કેલીમાં આવી ગઈ હતી. ત્યારબાદ તેમણે ભારતમાં તેમના નિવેદનને લઈને વધી રહેલા વિવાદને જોઈને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.

પિત્રોડાની વાપસી પર ભાજપે કોંગ્રેસને ઘેર્યું

કોંગ્રેસમાં પીત્રોડાની વાપસી પર ભાજપે પીએમ મોદીના ચૂંટણી અગાઉના એક નિવેદનને ટાંકીને કોંગ્રેસને ઘેર્યું છે. આ નિવેદનમાં વડાપ્રધાન કહી રહ્યા છે કે કોંગ્રેસ ટૂંક સમયમાં પિત્રોડાને પરત લેશે. વડાપ્રધાનના કહેવા પ્રમાણે, કોંગ્રેસની રણનીતિ રહી છે કે ચૂંટણી સમયે વિવાદાસ્પદ નેતાઓને દૂર રાખે છે અને પછી તેમને પાછા સામેલ કરી લે છે.

ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસનું શું કામ છે?

ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસએ કોંગ્રેસ પક્ષનો એક વિભાગ છે, જેનું કામ વિદેશમાં રહેતા ભારતીયો સાથે સંપર્ક સ્થાપિત કરવાનું છે. કોંગ્રેસના મતે, ઓવરસીઝ ડિપાર્ટમેન્ટનું કામ એનઆરઆઈને આંતરરાષ્ટ્રીય સંબંધો સુધારવા અને વિદેશમાં મજબૂત પ્લેટફોર્મ બનાવવા માટે પ્રોત્સાહિત કરવાનું છે. એનઆરઆઈ મતદારોનો સંપર્ક કરવાની સાથે ઓવરસીઝ વિભાગનું કામ વિદેશમાં મોટા નેતાઓના કાર્યક્રમોનું આયોજન કરવાનું છે, જેથી તેમનો સંદેશ વિશ્વના વધુને વધુ લોકો સુધી પહોંચે.

સામ પિત્રોડા કોંગ્રેસ માટે કેમ મહત્વના છે?

1. રાહુલ ગાંધીના સલાહકાર પિત્રોડા- કોંગ્રેસની અંદર સામ પિત્રોડાને રાહુલ ગાંધીના સલાહકાર તરીકે ઓળખવામાં આવે છે. કોંગ્રેસના રાજકીય વર્તુળોમાં કહેવાય છે કે રાહુલ નિયમિત રીતે સામ પાસેથી સલાહ લે છે. ગાંધી પરિવાર સાથે સામની નિકટતાનું કારણ રાજીવ ગાંધી સાથેની તેમની મિત્રતા પણ છે.

2. હાઈકમાન્ડ પર સંગઠનનું દબાણ હતું - કોંગ્રેસના ઓવરસીઝ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી વીરેન્દ્ર વશિષ્ઠના કહેવા પ્રમાણે, કોંગ્રેસ હાઈકમાન્ડ પર અમારા વિભાગનું દબાણ હતું. અમારા એકમ વતી પાર્ટીને કહેવામાં આવ્યું કે સામ પિત્રોડા દ્વારા આપવામાં આવેલા નિવેદન ખોટા નથી. પરંતુ મીડિયા દ્વારા તેને ખોટી રીતે ટાંકવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં તેમનું રાજીનામું લેવું યોગ્ય નથી.વશિષ્ઠ વધુમાં જણાવ્યું કે, સેમ પિત્રોડા લાંબા સમયથી સંસ્થા સાથે જોડાયેલા છે અને તેઓ ઘણા લોકોના સંપર્કમાં પણ છે. સંસ્થા પાસે હાલમાં તેમના જેવો કોઇ ચહેરો નથી, માટે તેમને પરત બોલાવવામાં આવ્યા છે.

3. રાહુલના વિદેશ પ્રવાસને સફળ બનાવવાનો પડકાર - સામ પિત્રોડા રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસની બ્લૂ પ્રિન્ટ ઘડવાનું કામ કરે છે. 2023માં રાહુલની લંડન અને અમેરિકાના પ્રવાસે વિશ્વભરમાં ઘણી હેડલાઈન્સ બનાવી હતી.જેનો શ્રેય સામને પણ જાય છે. હવે જ્યારે રાહુલ વિપક્ષના નેતા બન્યા છે ત્યારે પાર્ટી માટે તેમના વિદેશ પ્રવાસને સફળ બનાવવાનો પડકાર પણ વધી ગયો છે, માટે પિત્રોડાની વાપસીનું આ પણ એક મોટું કારણ છે. ઉલ્લેખનિય છે કે, પિત્રોડાએ 2014થી વિદેશમાં રાહુલ ગાંધીના 20થી વધુ સફળ કાર્યક્રમોનું આયોજન કર્યું છે.

પિત્રોડા તેમના નિવેદનોને કારણે કેટલી વાર ઘેરાયા?

પિત્રોડા 2019માં પહેલીવાર વિવાદમાં આવ્યા જ્યારે તેમણે શીખ રમખાણો પર ટિપ્પણી કરી. પત્રકારોના પ્રશ્ન પર પિત્રોડાએ કહ્યું હતું કે શીખ રમખાણોમાં જે પણ થયું તે થયું, ભૂલી જાઓ. બાદમાં તેમણે પોતાના આ નિવેદન અંગે માફી માગી હતી. 2019માં પુલવામા હુમલા બાદ જ્યારે ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો ત્યારે પણ પિત્રોડાએ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી અને તેમણે તે હુમલાને અયોગ્ય ગણાવ્યો હતો. આ વર્ષે ચૂંટણી દરમિયાન પિત્રોડાએ વારસાગત વેરાની હિમાયત કરી હતી, ત્યારબાદ કોંગ્રેસની ખૂબ ટીકા કરવામાં આવી હતી. બાદમાં હોબાળો જોઈને પાર્ટીએ પિત્રોડાના નિવેદનથી દૂરી લીધી હતી.

Google NewsGoogle News