OTP થી જ ખુલશે ઘીના ટેન્કર, GPS દ્વારા થશે લાઈવ ટ્રેકિંગ ... 'તિરુપતિ પ્રસાદમ્' માટે નંદિની બ્રાન્ડ શા માટે ભરોસાપાત્ર ?
Tirupati Prasadam Controversy : દક્ષિણ ભારતમાં ખાસ કરીને કર્ણાટકમાં ડેરી ઉત્પાદનો માટે 'નંદિની' એક ભરોસાપાત્ર નામ છે. નંદિની દૂધ અને ઘી તેની સારી ગુણવત્તા માટે પ્રસિદ્ધ છે અને દક્ષિણ ભારતમાં તેની ખૂબ માંગ છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) માટે નંદિની બ્રાન્ડનું ઘી વર્ષોથી પહેલી પસંદ રહી છે.
લાંબા સમયથી કરે છે ઘીનો સપ્લાય
નંદિની બ્રાન્ડે વર્ષ 2013 થી 2018 દરમિયાન તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ને લગભગ 4,000 મેટ્રિક ટન ઘી સપ્લાય કર્યું હતું. 2019માં પણ લગભગ 1,170 ટન ઘી મોકલાવ્યું હતુ. તેમ છતાં 2020 થી તિરુપતિ દેવસ્થાનમમાં નંદિનીનો ઘીનો પુરવઠો અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યો હતો. કારણ કે નંદિની સામે અન્ય સ્પર્ધકો ઓછી કિંમતમાં ઘી સપ્લાય કરી શકે તેમ હતાં, તેથી કોન્ટ્રાક્ટ અન્ય કોઈને આપવામાં આવ્યો હતો.
ઉત્પાદનોની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ નથી
કર્ણાટક મિલ્ક ફેડરેશન (KMF)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "નંદિનીના પ્રોડેક્ટમાં ભેળસેળ અથવા હલકી ગુણવત્તા સામગ્રીનો ઉપયોગની કોઈ શક્યતા નથી. છેલ્લા કેટલાક વર્ષોથી અમે સ્પષ્ટ રુપે કહ્યું હતું કે, અમે અમારા ભાવમાં કોઈ ઘટાડો કરી શકીએ તેમ નથી. એટલે એ વખતે અમારુ ટેન્ડર પાસ ન થયું. પરંતુ હવે ફરીથી અમને ઘી સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે."
સુરક્ષા અને પારદર્શિતા ચકાસવાનો ઉપાય
નંદિની દ્વારા તિરુપતિ મોકલવામાં આવતા ઘીમાં ભેળસેળ કે કોઈપણ પ્રકારના ચેંડા ન થાય તેના માટે સંપૂર્ણપણે કાળજી રાખવામાં આવે છે. તેના માટે નંદિનીએ ઘી વહન કરતા ટેન્કરોમાં જીપીએસ અને ઈલેક્ટ્રોનિક લોકીંગ સિસ્ટમ લગાવવામાં આવે છે. આ ટેક્નોલોજી એ સુનિશ્ચિત કરશે કે ટેન્કરની મુસાફરી દરમિયાન કોઈપણ પ્રકારની ચેડાં ન થાય.
બેંગલુરુમાં નંદિનીનું હેડક્વાર્ટર GPS દ્વારા ટેન્કરો પર નજર રાખશે. ટેન્કરોમાં લગાવવામાં આવેલ ઈલેક્ટ્રોનિક લોક માત્ર હેડક્વાર્ટર દ્વારા જારી કરવામાં આવેલા OTP દ્વારા જ ખોલી શકાશે. જેના કારણે કોઈપણ ઘીમાં કોઈપણ પ્રકારની ભેળસેળ અથવા ચેંડા કરવાની શક્યતા રહેશે નહીં. નંદિનીના ઉત્પાદનોની ગુણવત્તા અને વિશ્વસનીયતા જાળવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
નંદિની માત્ર દક્ષિણ ભારતમાં જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે...
કર્ણાટક સરકાર દ્વારા 1974માં સ્થપાયેલ કર્ણાટક મિલ્ક ફેડરેશન (KMF) હવે એક સમૃદ્ધ ફેડરેશન બની ગયું છે. 'નંદિની' બ્રાન્ડે માત્ર દક્ષિણ ભારતમાં જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની ઓળખ બનાવી છે. નંદિની હવે ઈન્ડિયન સુપર લીગ (ISL) ફૂટબોલ ટુર્નામેન્ટની અધિકૃત સ્પોન્સર છે અને તે સ્કોટલેન્ડ ક્રિકેટ ટીમની જર્સી સ્પોન્સર પણ બની ગઈ છે.