Get The App

22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરવા છતાં 11 જાન્યુઆરીએ કેમ અયોધ્યાના રામ મંદિરની વર્ષગાંઠ ઉજવાશે?

Updated: Jan 11th, 2025


Google NewsGoogle News
22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરવા છતાં 11 જાન્યુઆરીએ કેમ અયોધ્યાના રામ મંદિરની વર્ષગાંઠ ઉજવાશે? 1 - image


Ram Mandir Anniversary 2025: અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને આજે એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલા મંદિરમાં બિરાજમાન થયા હતા. જોકે, ઘણા લોકોના મનમાં એ સવાલ છે કે, જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીના રોજ થઈ હતી તો વર્ષગાંઠ 10 દિવસ પહેલા કેમ ઉજવવામાં આવી રહી છે? તો ચાલો આપણે તેની પાછળનું કારણ જાણીએ. 

દ્વાદશી તિથિએ થઈ હતી પ્રાણ પ્રતિષ્ઠા

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા વર્ષગાંઠ હિન્દુ પંચાગ પ્રમાણે ઉજવવામાં આવી રહી છે. 22 જાન્યુઆરી 2024ના રોજ કુર્મા દ્વાદશીના દિવસે રામ મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાયો હતો. બીજી તરફ આ દ્વાદશી આજે એટલે કે 11 જાન્યુઆરીના રોજ છે. તેથી આજે રામ મંદિરની વર્ષગાંઠ ઉજવવામાં આવી રહી છે. 

રામ મંદિર જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે જણાવ્યું કે, પોષ મહિનાના શુક્લ પક્ષની દ્વાદશી 11 જાન્યુઆરી 2025ના રોજ છે, જેના કારણે રામ મંદિરની વર્ષગાંઠ ઉજવવામાં આવી રહી છે. રામલલાના જન્મદિવસ પર સમગ્ર અયોધ્યા નગરીને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. આ દરમિયાન અયોધ્યામાં ઘણા રંગબેરંગી કાર્યક્રમો જોવા મળશે. આ વર્ષગાંઠની ઉજવણી 11 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધી ચાલશે.

કેમ ખાસ છે આ દ્વાદશી?

તમને જણાવી દઈએ કે, પોષ મહિનાના શુક્લ પક્ષની દ્વાદશીને કુર્મા દ્વાદશી કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે આ દિવસે ભગવાન વિષ્ણુએ સમુદ્ર મંથન પહેલાં કાચબાનું રૂપ ધારણ કર્યું હતું. આ જ કારણ છે કે કુર્મા દ્વાદશીનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ છે. જો આપણે પૌરાણિક માન્યતાનું માનીએ તો રાજા દશરથે આ દિવસે પુત્ર પ્રાપ્તિ માટે હવન કર્યો હતો અને ત્યારબાદ ભગવાન રામનો જન્મ થયો હતો.

આ પણ વાંચો: I.N.D.I.A. બાદ મહાવિકાસ અઘાડીમાં પણ તિરાડ! ઉદ્ધવ સેનાનું BMC ચૂંટણી એકલા લડવાનું એલાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરની વર્ષગાંઠ પર અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વીડિયો શેર કરતાં લખ્યું કે 'સદીઓના બલિદાન, તપસ્યા અને સંઘર્ષ પછી બનેલું આ રામ મંદિર આપણી સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો એક મહાન વારસો છે. અયોધ્યામાં રામલલાની પ્રાણ-પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર તમામ દેશવાસીઓને શુભકામનાઓ.'


Google NewsGoogle News