સિંધુ લિપિનો કોયડો ઉકેલો અને મેળવો 10 લાખ ડૉલરનું ઇનામ, તમિલનાડુ સરકારની જાહેરાત
Indus valley Scripts: તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને સિંધુ ખીણની લિપિનો કોયડો ઉકેલનારાને 10 લાખ અમેરિકન ડૉલરનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. પુરાતત્ત્વ વિભાગ અને વિજ્ઞાનીઓ પણ આ લિપિનો કોયડો ઉકેલવામાં નિષ્ફળ રહેતા આ જાહેરાત કરાઈ છે. તમિલનાડુના મુખ્યમંત્રીએ જે ઇનામની જાહેરાત કરી છે તેની ભારતીય રકમ 8,58,73,544 રૂપિયા થાય છે.
શું છે સિંધુ ખીણની સભ્યતા?
ભારત અને પાકિસ્તાનમાં ફેલાયેલી એક પ્રાચીન સભ્યતા, જે સિંધુ અને તેની સાથે જોડાયેલી નાની નદીઓના કિનારે વિકસી હતી. આ સભ્યતા ઇતિહાસમાં સિંધુ ખીણની સભ્યતા તરીકે ઓળખાય છે. આ સભ્યતાના અવશેષો અફઘાનિસ્તાન સુધી વિસ્તરેલા હોવાના પણ પુરાવા છે. જો કે, આ સભ્યતાના સમયગાળા અંગે ઘણાં મતમતાંતર છે. કેટલાક માને છે કે તે 2700થી 1900 ઈ. સ. પૂર્વેનો ઇતિહાસ છે, જ્યારે કેટલાકના મતે તે આઠ હજાર વર્ષ જૂની છે. ખોદકામમાં મળેલી ચીજવસ્તુઓનું સંશોધન કરીને પણ આ સમયગાળો નક્કી કરી શકાયો નથી.
100 વર્ષ પહેલાં મળી હતી સિંધુ સભ્યતા
વિશ્વને લગભગ 100 વર્ષ પહેલા સિંધુ ખીણની સભ્યતા વિશે પહેલીવાર ખબર પડી હતી. આ સભ્યતાના અવશેષો જે શહેરમાંથી મળ્યા હતા, તેનું નામ હડપ્પા હોવાથી તે હડપ્પન સભ્યતા તરીકે પણ ઓળખાઈ. અનેક ઇતિહાસકારો તેને વિશ્વની સૌથી જૂની સભ્યતા માને છે. આ સભ્યતા ઇજિપ્ત અને મેસોપોટેમિયા કરતાં પણ જૂનો લગભગ ચાર હજાર વર્ષ જૂનો ઈતિહાસ ધરાવતી હોવાનો કહેવાય છે.
અગાઉ પણ ઘણાં ઇનામો જાહેર થયાં
સિંધુ લિપિને વાંચી તેનું અર્થઘટન કરનારાને ઇનામ આપવાની જાહેરાત કરનારા એમ. કે. સ્ટાલિન એકલા નથી. છેલ્લા 20થી વધુ વર્ષથી આ લિપિને ઉકેલનારા માટે ઘણા ઇનામોની જાહેરાત થઈ ચૂકી છે. ઇતિહાસકાર સ્ટીવ ફાર્મરે કહ્યું હતું કે જે કોઈ આ લિપિના 50 અક્ષરો પણ વાંચશે તેને દસ હજાર ડૉલરની રકમ આપીશ.
આ પણ વાંચોઃ પોસ્ટ ખાતામાં 10000થી વધુ રકમના રોકડ ટ્રાન્જેક્શન પર વસૂલાય છે મસમોટો ચાર્જ
સિંધુ લિપિનું ડિકોડિંગ કેમ ન થઈ શક્યું?
અજાણી લિપિને સમજવામાં સૌથી વધુ મદદરૂપ એવા પથ્થરો છે, જેના પર એક જ વાત બે ભાષામાં લખેલી છે. એટલે એક ડિકોડ કરાય, ત્યારે તેની બીજા સાથે સરખામણી થાય છે. આ સંજોગોમાં કોયડો ઉકેલાય, એના કરતાં ગૂંચવાય વધારે છે. કહેવાય છે કે સિંધુ ખીણના લોકોના મેસોપોટેમિયા સાથે પણ વેપારી સંબંધો હતા. મેસોપોટેમિયા લિપિ ઘણે અંશે ઉકેલાઈ ગઈ છે, પરંતુ સિંધુ લિપિ હજુ પણ વણઉકલી છે.
કેટલાક લોકોએ લિપિનો અસ્વીકાર કર્યો
અગાઉ ઘણાં વિદેશી પુરાતત્ત્વવિદોએ સિંધુ લિપિને એક ભાષા તરીકે સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. વર્ષ 2000થી આ ટ્રેન્ડ શરુ થયો હતો. ઘણાં બ્રિટિશ અને અમેરિકન ઇતિહાસકારોએ દાવો કર્યો હતો કે સિંધુ લિપિ વાસ્તવમાં ભાષા નથી. આ ફક્ત તે યુગના રાજકીય અને ધાર્મિક પ્રતીકો છે, એટલે કે તે ચિત્રો છે. કોલેપ્સ ઑફ ઇન્ડસ સ્ક્રિપ્ટ થિસિસ નામના રિસર્ચ પેપરમાં આ દાવો કરાયો હતો. આ વાતનો કેટલાક વિદ્વાનોએ વિરોધ પણ કર્યો અને આરોપ મૂક્યો કે, વિદેશીઓ આ સભ્યતાને વિશ્વની સૌથી જૂની સભ્યતા તરીકે અપનાવવા માગતા નથી, જેના મૂળમાં જાતિવાદ-રંગભેદ જેવા કારણો છે.