Get The App

Explainer: આ વખતે કાળઝાળ ગરમીની આગાહી કેમ થઈ રહી છે?, વાંચો દરેક સવાલના જવાબ

Updated: Apr 3rd, 2024


Google NewsGoogle News
Explainer: આ વખતે કાળઝાળ ગરમીની આગાહી કેમ થઈ રહી છે?, વાંચો દરેક સવાલના જવાબ 1 - image


IMD Forecast : દેશમાં હાઈડ્રોપાવરનું ઉત્પાદન ઘટવાના કારણે અને અલ નીનો અસરને કારણે વધુ ગરમી પડવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, ગત વર્ષે એપ્રિલથી જૂન દરમિયાન પડેલી ગરમી કરતા આ વર્ષે વધુ ગરમી પડી શકે છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી વધુ તાપમાન રહેવા અને દક્ષિણ ભાગ, મધ્ય ભારત, પૂર્વ ભારત અને ઉત્તર-પશ્ચિમ મેદાની વિસ્તારોમાં ગરમીની સૌથી વધુ અસર થવાની સંભાવના છે.

એપ્રિલમાં કાળઝાળ ગરમી

હવામાન વિભાગે પૂર્વ અને ઉત્તર-પૂર્વના કેટલાક ભાગો, ઉત્તર-પશ્ચિમના કેટલાક ભાગો સિવાય મોટાભાગના વિસ્તારોમાં વધુ ગરમી પડવાની અને મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય તાપમાનથી વધુ રહેવાની આગાહી કરી છે. આગાહી મુજબ એપ્રિલમાં ઉત્તર-પશ્ચિમ મધ્ય ભારત, પૂર્વીય ભારત અને ઉત્તર-પશ્ચિમ મેદાની વિસ્તારોના કેટલાક ભાગોમાં કાળઝાળ ગરમી પડી શકે છે.

‘...તો પ્રદૂષણની સાથે ગરમી પણ વધશે’

એકતરફ વીજળીની માંગ પૂરી કરવા માટે ભારત સંઘર્ષ કરી રહ્યો છે, તો બીજીતરફ ગરમીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ ભારતનું હાઇડ્રોપાવર ઉત્પાદન છેલ્લા 38 વર્ષમાં ઝડપથી ઘટી ગયું છે. આગામી મહિનામાં પણ હાઈડ્રોપાવર ઉત્પાદન ઓછું થવાની સંભાવના છે. આ કારણે કોલસા પર નિર્ભરતા વધી જશે. જો કોલસાનું ઉત્પાદન વધશે તો પ્રદૂષણની સાથે ગરમીમાં પણ વધારો થશે.

કૃષિ ઉત્પાદન પ્રભાવિત થશે, પાણીની અછત સર્જાશે

ગરમી વધવાના કારણે લોકો ગરમી સંબંધિત બીમારીઓમાં સપડાઈ શકે છે. કૃષિ ઉત્પાદન પ્રભાવિત થઈ શકે છે, પાણીની અછત થઈ શકે છે, ઉર્જાની માંગ વધી શકે છે અને ઇકોસિસ્ટમ અને હવાની ગુણવત્તાને અસર થઈ શકે છે.

ભારતમાં ઓછો વરસાદ અને વધુ ગરમીનું કારણ અલ નીનો

ભારતમાં ઓછો વરસાદ અને વધુ ગરમીનું કારણ અલ નીનો છે. હાલ ભૂમધ્યરેખા પાસેના પ્રશાંત ક્ષેત્રમાં અલ નીનોની મધ્યમ સ્થિતિ છે, જેના કારણે સમુદ્ર પરની સપાટીનું તાપમાન સતત વધી રહ્યું છે. સમુદ્ર પરની સપાટીની ગરમી હવાના પ્રવાહને અસર કરે છે. પ્રશાંત મહાસાગર પૃથ્વીના ત્રીજા ભાગને આવરી લે છે, તેથી ત્યાં તાપમાનમાં ફેરફાર થવાથી અથવા પવનની પેટર્ન બદલાવાથી, તેની અસર સમગ્ર વિશ્વમાં થાય છે.

ગરમીની લહેર એટલે કે હિટવેવમાં વૃદ્ધિ કેમ થઈ રહી છે?

2023માં પીએલઓએસ ક્લાઈમેટ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, વિશ્વભરમાં ગરમીની લહેરો જળવાયુ પરિવર્તનના કારણે ‘તીવ્ર અને ઘાતક’ બની રહી છે. 2022ના ડેટામાં જાણવા મળ્યું છે કે, ભારતના 90 ટકાથી વધુ ભાગોમાં જળવાયુ પરિવર્તનની ગંભીર અસર પડી શકે છે. અભ્યાસમાં એમ પણ કહેવાયું છે કે, ગરમીના દિવસોની સંખ્યા અને તેની તિવ્રતામાં વધારો થવાથી ભારતની જાહેર આરોગ્ય સેવા અને કૃષિ ઉત્પાદન કથળી શકે છે. આ કારણે ખાદ્ય ઉત્પાદન ઘટવાની સાથે બિમારી ફેલાઈ શકે છે.

આગામી સિઝનમાં અસહ્ય વરસાદ પડશે

યુએસ નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશને કહ્યું હતું કે, જાન્યુઆરી 175 વર્ષ બાદ સૌથી વધુ ગરમ મહિનો હતો. જોકે આગામી સિઝનમાં અલ નીનોની અસર ઘટવાની અને તટસ્ટ થવાની સંભાવના છે. કેટલાક મોડલોએ ચોમાસામાં લા નીનાની સ્થિતિ વિકસીત થવાની સંભાવના વ્યક્ત કરી છે. આ કારણે દક્ષિણ એશિયા, ભારતમાં ઉત્તર-પશ્ચિમ અને બાંગ્લાદેશમાં અસહ્ય વરસાદ પડી શકે છે.


Google NewsGoogle News