46 વર્ષ છતા સંભલના હિંસાખોર રાક્ષસોને સજા કેમ ના થઇ ? : યોગી
સંભલમાં મળી આવેલું મંદિર રાતોરાત બનાવાયું? : મુખ્યમંત્રી
હિંસાગ્રસ્ત સંભલમાં રૂ. ૧.૨૫ કરોડની વીજચોરી, તપાસ અભિયાનમાં ગેરકાયદે રખાયેલા ગેસ સિલિન્ડર મળ્યા
યોગી આદિત્યનાથે કહ્યું હતું કે સંભલમાં ૪૬ વર્ષ પહેલા નરસંહાર કરનારા રાક્ષસોને હજુ પણ સજા કેમ આપવામાં ના આવી? આ મુદ્દે કોઇ ચર્ચા કેમ નથી કરી રહ્યું? સંભલમાં આ મંદિરને હિંસા બાદ બંધ કરી દેવામાં આવ્યંુ હતું. રવિવારે કુંભના કાર્યક્રમમાં યોગીએ કહ્યું હતું કે સંભલમાં આટલુ પૌરાણિક મંદિર રાતોરાત પ્રશાસને ઉભુ કર્યું છે? શું બજરંગબલીની આટલી પૌરાણિક મૂર્તિ રાતોરાત આવી ગઇ?
સંભલમાં વીજળીની ચોરીના ચેકિંગ દરમિયાન પ્રશાસનને આ પૌરાણિક મંદિર મળી આવ્યું હતું, જોકે તે બંધ હાલતમાં હોવાથી તાત્કાલીક તેને ખોલવામાં આવ્યું હતું. તાજેતરમાં સંભલની મસ્જિદના સરવે દરમિયાન હિંસા ફાટી નીકળી હતી, જેમાં પાંચ લોકો માર્યા ગયા હતા. આ વિસ્તારમાં વીજળી ચોરીને રોકવા માટે હાલ અભિયાન ચલાવાઇ રહ્યું છે. ખાસ કરીને જે મસ્જિદનો સરવે કરાયો તેની આસપાસના દબાણ અને વીજળી ચોરી અટકાવાઇ રહી છે.
સ્થાનિક એએસપી શ્રીશ ચંદ્રએ કહ્યું હતું કે અમારો ઉદ્દેશ્ય આ વિસ્તારની ગટરોને સાફ કરવાનો છે. આ દરમિયાન કેટલાક ઘરોમાં ગેરકાયદે રખાયેલા કૂકિંગ ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા, જેના ડોક્યુમેન્ટ્સ મકાન માલિક પાસે નહોતા. આ વિસ્તારમાં આશરે ૧.૨૫ કરોડ રૂપિયાની વીજળી ચોરી થઇ છે. દરમિયાન યોગી આદિત્યનાથે જે મંદિરનો ઉલ્લેખ કર્યો હતો તેના દ્વાર ખોલ્યા બાદ મોટી સંખ્યામાં ભક્તો શિવ અને હનુમાનજીના દર્શન કરવા આવી રહ્યા છે. સંભલની આ મસ્જિદ મંદિર તોડીને બનાવવામાં આવી હોવાનો કોર્ટમાં દાવો કરાયો હતો, જેને લઇને હાલ વિવદ ચાલી રહ્યો છે.