પ્રસિદ્ધ ગાયક કન્હૈયા મિત્તલના સૂર બે જ દિવસમાં બદલાયા, હવે કોંગ્રેસમાં નહીં જોડાવાની જાહેરાત
Image: X
Kanhaiya Mittal Meets Manoj Tiwari: જો રામ કો લાયે હૈ.... ભજનને પોતાનો અવાજ આપનારા પ્રસિદ્ધ ભજન ગાયક કન્હૈયા મિત્તલ અંગે રવિવારે અટકળો ચાલી રહી હતી કે, તેઓ ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાઈ જશે. આ દરમિયાન કન્હૈયા મિત્તલે પણ કહી દીધું હતું કે, ‘મારું મન કોંગ્રેસ સાથે જ જોડાયેલું છે.’
જો કે આજે ભાજપ નેતા મનોજ તિવારી સાથે મુલાકાત બાદ તેમના સૂર બદલાઈ ગયા છે. મિત્તલે ચાહકો અને ભાજપ કાર્યકર્તાઓની માફી માંગતા કહ્યું કે, ‘હું ખોટો હતો કૃપા કરીને મને માફ કરી દો. હું સનાતન માટે કામ કરવા માંગુ છું.’
આમ કોંગ્રેસ સાથે પોતાનું દિલ જોડાયેલું હોવાની વાત કહેનાર કન્હૈયા મિત્તલનો મિજાજ બે જ દિવસમાં બદલાઈ ગયો છે.
અગાઉ શું બોલ્યા હતા કન્હૈયા મિત્તલ
તમને જણાવી દઈએ કે, ગત રવિવારે કન્હૈયા મિત્તલ રાજસ્થાનના દોસામાં હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ‘હું હવે હૃદયપૂર્વક કોંગ્રેસમાં સામેલ થવા માંગુ છું. આગામી દિવસોમાં એ સ્પષ્ટ થઈ જશે. હું જ્યાં પણ પર્ફોર્મ કરવા જાઉં છું ત્યાં એક પરસેપ્શન બની જાય છે કે હું ભાજપ માટે કેમ્પેઈન કરવા આવ્યો છું. એટલા માટે કોંગ્રેસના લોકો પોતાના ઘરમાં જ રહે છે. હું આ પરસેપ્શન બદલવા માંગુ છું.’
મિત્તલે કહ્યું હતું કે, ‘હું પાંચ વર્ષથી કહી રહ્યો છું કે, જો ડૉ. મનમોહન સિંહે રામ મંદિર બનાવ્યું હોત તો મેં તેના માટે પણ ગાયું હોત. હું સનાતન વિરુદ્ધ કંઈ જ નહીં કરીશ. વડાપ્રધાને જે કામ કર્યું છે તે કોઈ બીજું ન કરી શક્યું હોત. પરંતુ આ મારા અંગત વિચારો છે કે હું કોંગ્રેસમાં જ રહેવા માંગું છું.’
નોંધનીય છે કે, આ વર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણી દરમિયાન 'જો રામ કો લાયે હે હમ ઉનકો લાયેંગે' ભજન ગાયને મિત્તલ ખૂબ પ્રસિદ્ધ થયા હતા. કોંગ્રેસમાં સામેલ થવાનો સંકેત આપ્યા બાદ મિત્તલે એમ પણ કહ્યું હતું કે, ‘મેં આ ભજન કોઈ પાર્ટી માટે નથી ગાયું, મારું આ ભજન સનાતન અને સનાતનનીઓ માટે છે.’
જો કે તેમની આ વાત સામે આવ્યા બાદ તેમની ટીકા પણ શરૂ થઈ ગઈ હતી. કેટલાક લોકોએ તો તેમની કોંગ્રેસમાં જોડાવાની ઈચ્છાને આગામી હરિયાણા ચૂંટણીમાં ટિકિટ મળવાની લાલસા ગણાવી હતી. જો કે આજે તેમણે મનોજ તિવારી સાથે મુલાકાત કર્યા બાદ ચાહકોની માફી માંગી અને તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું.