Get The App

રામ મંદિરના ઉદ્ઘાટન પર વિવાદ, ચારેય શંકરાચાર્ય નહીં જાય, કહ્યું ધર્મશાસ્ત્રો અનુસાર નથી થઈ રહ્યું

સનાતન ધર્મના એવા કયા નિયમો છે, જેના ઉલ્લંઘનની વાત શંકરાચાર્ય કરી રહ્યા છે...

Updated: Jan 11th, 2024


Google NewsGoogle News
રામ મંદિરના ઉદ્ઘાટન પર વિવાદ, ચારેય શંકરાચાર્ય નહીં જાય, કહ્યું ધર્મશાસ્ત્રો અનુસાર નથી થઈ રહ્યું 1 - image


Ram Mandir Ayodhya: અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરના 22મી જાન્યુઆરીએ યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા સમારંભની તડામાર તૈયારી ચાલી રહી છે. જો કે આ પ્રાણ પ્રતિષ્ઠામાં ચારેય શંકરાચાર્યો હાજરી આપશે કે નહીં તે અંગે શંકા છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ કહી દીધું છે કે, આ કાર્યક્રમમાં તેઓ હાજરી નહીં આપે. તે બંનેએ કહ્યું છે કે ‘રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સનાતન ધર્મના નિયમોને ધ્યાનમાં રાખીને નથી યોજાઈ રહ્યો. કોઈ શાસ્ત્રોની વિરુદ્ધ ના જઈ શકે. તેથી અમે આ કાર્યક્રમમાં નહીં આવી શકીએ.’ તો હવે એ જાણવું મહત્ત્વનું છે કે એવા કયા નિયમો છે, જેના ઉલ્લંઘનની શંકરાચાર્યો વાત કરી રહ્યા છે. 

મંદિરનું નિર્માણકાર્ય સંપૂર્ણ પૂરું થાય તે પહેલા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા અયોગ્ય

ઉત્તરાખંડ જ્યોતિષપીઠના શંકરાચાર્ય   સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ બુધવારે હરિદ્વારમાં જણાવ્યું છે કે, ‘22મી જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનારા રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ શાસ્ત્રો અને નિયમો વિરુદ્ધ છે. રામ મંદિરનું નિર્માણ કાર્ય સંપૂર્ણ પૂરું કર્યા વિના   રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવી એ સનાતન ધર્મના નિયમોનું ઉલ્લંઘન છે. 22 ડિસેમ્બર, 1949ના રોજ મધ્યરાત્રિએ ભગવાન રામની મૂર્તિને સ્થાપિત કરાઈ હતી અને 1992માં બાબરી મસ્જિદના વિવાદિત માળખાને તોડી પાડતા રામલલાની મૂર્તિ અન્ય જગ્યાએ સ્થાપિત કરાઈ હતી. આ બધી ઘટનાઓ અચાનક બની હતી, તે સમયે કોઈ શંકરાચાર્યએ પ્રશ્નો ઉઠાવ્યા ન હતા, પરંતુ હવે કોઈ ઉતાવળ નથી. આપણી પાસે રામ મંદિરના નિર્માણ કાર્ય પૂર્ણ કરવાનો સમય છે. ત્યાર પછી જ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે.’

શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીએ શું કહ્યું?

ઓડિશા જગન્નાથપુરીની ગોવર્ધનપીઠના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીનું કહેવું છે કે ‘એવું નથી કે હું ગુસ્સે છું. અથવા તો મારી પાસે કોઈ સલાહ નથી લેવાઈ, પરંતુ સ્કંદ પુરાણ અનુસાર જો નિયમો અને પરંપરાનું યોગ્ય રીતે પાલન ન કરાય તો મૂર્તિમાં ખરાબ બાબતો પ્રવેશે છે અને જે તે વિસ્તારને નષ્ટ કરી નાખે છે.’

પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ વૈદિક ગ્રંથોના નિયમો પ્રમાણે થાય

આ દરમિયાન દ્વારકાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીનો પણ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં શંકરાચાર્ય પ્રાણ પ્રતિષ્ઠાની પદ્ધતિ સામે સવાલ ઉઠાવી રહ્યા છે. આ વીડિયોમાં તેઓ કહે છે કે ‘આ કાર્યક્રમ રામ મંદિરનો નથી, પરંતુ મત મેળવવા માટે છે.’ જો કે બાદમાં દ્વારકાપીઠ શંકરાચાર્યના અંગત સચિવ બ્રહ્મચારી સુબુદ્ધાનંદે સ્પષ્ટતા કરી હતી કે ‘શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીના વાયરલ વીડિયોમાં તેમનું નિવેદન નથી, તે ભ્રામક છે. અમે ઇચ્છીએ છીએ કે, રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં તમામ કાર્યક્રમો વેદો પ્રમાણે અને ધાર્મિક ગ્રંથોની મર્યાદાના પાલન સાથે યોજાય. જો કે, તેમણે પણ કાર્યક્રમમાં હાજરી આપવા વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી. 

કાર્યક્રમમાં હાજરી અંગે શ્રૃંગેરી મઠની કોઈ સ્પષ્ટતા નહીં

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ અંગે વાત કરતા શ્રૃંગેરી મઠના શંકરાચાર્ય જગતગુરુ સ્વામી ભારતીકૃષ્ણ તીર્થનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. એવો દાવો કરાયો છે કે શ્રૃંગેરી મઠના શંકરાચાર્ય જગતગુરુ સ્વામી ભારતીકૃષ્ણ તીર્થ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી નહીં આપે. આ દરમિયાન શ્રૃંગેરી મઠે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, ‘આ આપણા ધર્મનો ધર્મનો વિરોધ કરનારા દ્વારા કરાયેલો કુપ્રચાર છે.   રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ 22મી જાન્યુઆરીએ પોષ શુક્લ દ્વાદશીના રોજ યોજાશે, જે આનંદની વાત છે, પરંતુ ધર્મદ્વેષીઓ સોશિયલ મીડિયા પર પ્રચાર કરે છે કે જાણે શ્રૃંગેરી શંકરાચાર્ય આ સમારંભની વિરુદ્ધ હોય.’જો કે આ કાર્યક્રમમાં હાજર રહેવા અંગે શ્રૃંગેરી મઠ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન નથી કરાયું. 


Google NewsGoogle News