PM મોદી મણિપુર કેમ નથી જતાં? કોંગ્રેસના સવાલનો મુખ્યમંત્રી બિરેન સિંહે આપ્યો જવાબ
CM Biren Singh answer to Congress question: મણિપુરમાં હિંસા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને લઈને વિપક્ષ અવારનવાર કેન્દ્ર સરકારને સવાલો કરીને ઘેરતું આવ્યું છે. જ્યારે કોંગ્રેસ નેતા જયરામ રમેશે ફરીથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે સવાલ પૂછ્યો ત્યારે મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે આકરી પ્રતિક્રિયા આપી. તેમણે સવાલ ઉઠાવ્યો કે 1992-93માં જ્યારે મણિપુરમાં ભારે તણાવ અને હિંસા ચાલી રહી હતી ત્યારે તત્કાલીન વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવે મણિપુરની મુલાકાત કેમ નહોતી લીધી?
મુખ્યમંત્રી બિરેન સિંહે રાજ્યની જનતાની માફી માગી
2024ના અંતિમ દિવસે મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રી બિરેન સિંહે કહ્યું કે, આ વર્ષ મણિપુર માટે ખૂબજ દુર્ભાગ્યપૂર્ણ રહ્યું છે, પરંતુ હું આશા રાખું છું કે, નવા વર્ષમાં ફરીથી શાંતિ સ્થાપિત થશે. મણિપુરના લોકોની માફી માગતા તેમણે કહ્યું કે, 'મણિપુર માટે આ આખું વર્ષ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ રહ્યું છે. હું રાજ્યની જનતાની માફી માગું છું. ગત 3 મેથી ઘણા લોકોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે અને પોતાના ઘર છોડવા માટે મજબૂર બન્યા છે. મને આ વાતનું દુ:ખ છે પરંતુ હવે મને આશા છે કે છેલ્લા ત્રણ-ચાર મહિનામાં શાંતિની દિશામાં જે પ્રગતિ થઈ છે તેનાથી 2025 સુધીમાં સ્થિતિ સામાન્ય થઈ જશે.
આ પણ વાંચો: આખું વર્ષ ઘણું ખરાબ રહ્યું, મને માફ કરી દો... મણિપુર હિંસા મુદ્દે સીએમ બિરેન સિંહની માફી
કોંગ્રેસે લગાવ્યો આરોપ
મુખ્યમંત્રીએ રાજ્યના વિવિધ સમુદાયોને અપીલ કરી કે 'જે થવાનું હતું તે થઈ ગયું. આપણે ભૂતકાળની ભૂલોને ભૂલીને નવું જીવન શરૂ કરવું પડશે, જેથી મણિપુર શાંતિપૂર્ણ અને સમૃદ્ધ બની શકે.' તેના પર હવે કોંગ્રેસના નેતા જયરામ રમેશે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, વડાપ્રધાન મણિપુર કેમ ન ગયા? તેઓ દેશ અને દુનિયાનો પ્રવાસ કરી રહ્યા છે પરંતુ મણિપુર કેમ ન ગયા? મણિપુરના લોકો આ ઉપેક્ષાને સમજી નથી રહ્યા. વડાપ્રધાને જાણી જોઈને મણિપુરની મુલાકાત ન લીધી.
#WATCH | Delhi | On Manipur CM N Biren Singh's statement today, Congress leader Jairam Ramesh says, " ...The Prime Minister should go to Manipur and say the same thing that the CM said today. The people of Manipur are asking why the PM is neglecting us..." pic.twitter.com/UdlkqX4dMn
— ANI (@ANI) December 31, 2024
મણિપુરની વર્તમાન સ્થિતિ માટે કોંગ્રેસ જવાબદાર
હવે મુખ્યમંત્રી બિરેન સિંહે જયરામ રમેશના આ આરોપનો જવાબ આપતાં કહ્યું કે, મણિપુરની વર્તમાન સ્થિતિ માટે કોંગ્રેસ જવાબદાર છે. બધાને ખબર છે કે મણિપુરમાં જે અશાંતિ ચાલી રહી છે તે કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવેલા કેટલાક ખોટા પગલાઓને કારણે છે. જેમ કે મણિપુરમાં મ્યાનમારના શરણાર્થીઓનું વારંવાર વસાવવા અને મ્યાનમાર આધારિત ઉગ્રવાદીઓ સાથે કરાર પર હસ્તાક્ષર કરવા. પી ચિદમ્બરમે પોતાના ગૃહમંત્રી તરીકેના કાર્યકાળમાં આ કર્યું હતું.
પી.વી. નરસિમ્હા રાવે મણિપુર આવીને કેમ માફી નહોતી માગી?
મુખ્યમંત્રીએ કોંગ્રેસને એ સવાલ પણ પૂછ્યો કે, 'જ્યારે મણિપુરમાં 1992-1997 દરમિયાન નાગા-કુકી સંઘર્ષ દરમિયાન 1300થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો શું ત્યારે વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવે મણિપુર આવીને માફી માગી હતી? શું 1997-98માં કુકી-પાઈટે સંઘર્ષ દરમિયાન વડાપ્રધાન આઈકે ગુજરાલે પણ મણિપુર આવીને માફી માગી હતી?'
ગત વર્ષથી મણિુપુરમાં જાતીય હિંસા ચાલી રહી છે
તમને જણાવી દઈએ કે, મણિપુરમાં ગત વર્ષે મે મહિનાથી ચાલી રહેલી જાતીય હિંસામાં અત્યાર સુધીમાં 200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ હિંસાનું કારણ મૈતેઈ સમુદાયની અનુસૂચિત જનજાતિ (ST) દરજ્જાની માગ અને તેની સામે કુકી સમુદાયની વધતી નારાજગી છે.