દેશમાં એકમાત્ર જાતિ 'ગરીબ' જ છે તો PM પોતાને OBC કેમ કહે છે? રાહુલ ગાંધીનો સીધો સવાલ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ છત્તીસગઢમાં એક રેલી દરમિયાન પીએમ મોદીને આ સવાલ કર્યો હતો
રાહુલે કહ્યું કે આદિવાસીઓને બતાવવા માગે છે કે તેમની જગ્યા ક્યાં હોવી જોઇએ
image : Twitter |
Rahul Gandhi Attack on PM Modi | કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને સવાલ કર્યો હતો કે જો તે કહે છે કે દેશમાં ફક્ત એક જ જાતિ 'ગરીબ' જ છે તો તે પોતાને વારંવાર ઓબીસી કેમ કહે છે? રાહુલ ગાંધીએ શનિવારે બસ્તર જિલ્લાના જગદલપુર જિલ્લાના હેડક્વાર્ટરમાં ચૂંટણી રેલીને સંબોધતાં (Chhattisgarh Election 2023) કહ્યું હતું કે ભાજપના નેતા આદિવાસીઓને વનવાસી એટલા માટે કહે છે કેમ કે તે આદિવાસીઓને બતાવવા માગે છે કે તેમની જગ્યા ક્યાં હોવી જોઇએ.
આદિવાસીઓનો ઉલ્લેખ કરી પીએમ મોદી સામે તાક્યું નિશાન
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 90 સીટ માટે યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણી માટે સાત અને 17 નવેમ્બર એમ બે તબક્કામાં મતદાન યોજાશે. કોંગ્રેસ નેતાએ આદિવાસી બહુમતી ધરાવતા બસ્તર જિલ્લામાં ચૂંટણી રેલીને સંબોધતા કહ્યું હતું કે આજે પોતાના ભાષણમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે હિન્દુસ્તાનમાં એક જાતિ છે. એ છે હિન્દુસ્તાનના ગરીબ. પીએમ મોદી કહે છે કે આ દેશમાં ન તો દલિત છે, ન તો આદિવાસી છે અને ન તો પછાત છે. આપણે બધા જાણીએ છીએ કે આ દેશમાં આદિવાસી છે, આદિવાસી ભાષાઓ છે, આદિવાસી સંસ્કૃતિ છે અને આદિવાસી ઈતિહાસ છે. અહીં દલિત છે, દલિતો સાથે અપમાન કરાય છે, તેમને રોજ હેરાન કરાય છે . પછાતોને જે અધિકાર મળવા જોઈએ તે નથી મળતાં. પણ હિન્દુસ્તાનના વડાપ્રધાન કહે છે કે અહીં ફક્ત એક જ જાતિ છે અને તે છે ગરીબ. જો એવું જ છ તો પછી તમે પોતાની જાતને ઓબીસી (અન્ય પછાત વર્ગ) ના કેમ કહો છો?
પીએમ મોદીએ શું કહ્યું હતું
રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી તેમના દરેક ભાષણમાં કહે છે કે હું ઓબીસી છું. પીએમ મોદીએ શનિવારે દુર્ગમાં ચૂંટણી રેલીને સંબોધતા કહ્યું હતું કે તેમના માટે દેશમાં સૌથી મોટી જાતિ ગરીબ છે અને તે તેમના સેવક છે. વિરોધી રાજકીય પક્ષો ગરીબોને વિભાજિત કરવા અને જાતિવાદનો ઝેર ફેલાવવા માટે નવા નવા કાવતરાં ઘડી રહ્યા છે. વડાપ્રધાને કહ્યું હતું કે કોંગ્રેસે વડાપ્રધાનને અપશબ્દો કહ્યા. કોંગ્રેસ ઓબીસી સમુદાયને ગાળો કેમ આપે છે? આ સાહૂ (છત્તીસગઢમાં એક પ્રભાવશાળી ઓબીસી સમુદાય) ને ચોર કેમ કહે છે?