ઘુવડની જેમ ચિબરી પક્ષી પણ કેમ લૂપ્ત થતું જાય છે?
ઘુવડના અભાવે તંત્રવિઘામાં ચિબરીનો વધતો જતો ઉપયોગ,
ચિબરી નવેમ્બર માસથી વૃક્ષની બખોલમાં લંબગોળ ઇડા મુકે છે
ગીધ,સમડી અને ધુવડ જેવા સહજ રીતે જોવા મળતા પક્ષી જીવોની સંખ્યા સતત ઘટતી જાય છે એમાં ચિબરીનું નામ પણ ઉમેરાયું છે. ઘુવડ વર્ગની ચિબરીની ખાસિયતો અને દેખાવ ઘુવડને મળતો આવતો હોવાથીં તેનો પણ તંત્રવિધામાં ભોગ લેવાય છે. આમ અંધશ્રધ્ધાના કારણે ઘુવડ પછી ચિબરીનું અસ્તિત્વ પણ જોખમમાં મુકાયું છે.પ્રાપ્ત માહિતી અનુસાર ઘુવડ હવે ઓછા મળતા હોવાથી ચિબરીને ઘુવડમાં ખપાવીને તાંત્રિકો સાધના ઇચ્છુક લોકોને ઉલ્લું બનાવતા રહે છે. ચિબરીને પણ કથ્થાઇ રંગમાં સફેદ સ્પોટ અને આંખોનો રંગ પીળો હોય છે, જેનાથી તેનો ઘુવડ જોવો દેખાવ ઉભો થાય છે.
રાત્રીના અંધકારમાં સક્રિય થતું આ પક્ષી તેના ખાસ પ્રકારના તિણા ચિરૃર.. ચિરૃર અવાજથી તેની હાજરીનો પુરાવો આપે છે. તેના અવાજને અપશુકનિયાળ ગણીને કશુંક અહિત થવાનું છે એવી માન્યતા ભલે વ્યાપક હોય પરંતુ પક્ષી પ્રેમીઓ અને બર્ડ વોચર ગૃપનું માનવું છે કે ચિબરીનો અવાજ હવે પહેલા જેટલો સાંભળવા મળતો નથી.એક સમયે ચિબરી ગ્રામિણ ઉપરાંત શહેરી વિસ્તારમાં પણ જયાં પ્રાચિન વૃક્ષો અને ખંડર જગ્યામાં વધુ જોવા મળતી હતી. આ પક્ષીને ગાંઢ જંગલ કરતા ખુલ્લો વિસ્તાર વધુ પસંદ હોવાનું પણ જાણવા મળે છે.
ચિબરી નવેમ્બર માસથી વૃક્ષની બખોલમાં કે અવાવરૃ ઘરમાં ત્રણ થી ચાર જેટલા લંબગોળ ઇડા મુકે છે. નર માદા મળીને બચ્ચાઓનો ઉછેર કરે છે. ઘુવડની જેમ ચિબરી પણ પોતાનું માથુ ધરી આસપાસ ગોળ ફેરવી શકે છે.ઘણી વાર બે આંખો બંધ કરે છે અને કયારેક એક આંખ ખુલ્લી રાખીને બીજી આંખ ચાલું બંધ કરે છે.આ પક્ષીને અંગ્રેજીમાં સ્પોટેટ આઉલેટ કહે છે.જાણકારોનું માનવું છે કે ઘુવડની જાતના પક્ષીઓ આખી દુનિયામાં જોવા મળે છે પરંતુ માણસે પર્યાવરણમાં ખલેલ ઉભી કરતા એક સમયે સહજ ગણાતા આ પક્ષીઓ પણ ઝડપથી લૂપ્ત થઇ રહયા છે.