રશિયા-યુક્રેન યુદ્ધ રોકવામાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ કેમ નિષ્ફળ રહ્યું? ભારતે કરી ફેરફારની માંગ
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 27 ફેબ્રુઆરી 2024 મંગળવાર
ભારતે એકવાર ફરી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની વર્તમાન વ્યવસ્થા પર ગંભીર પ્રશ્ન ઉઠાવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે પ્રશ્ન ઉઠાવતા પૂછ્યુ કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ રશિયા-યુક્રેન યુદ્ધને રોકવામાં કેમ નિષ્ફળ રહી? ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની જૂની વ્યવસ્થામાં પરિવર્તનની માંગ કરી. યુએન જનરલ એસેમ્બલી પ્લેનરીની બેઠક થઈ, જેમાં રુચિરા કંબોજે પ્રશ્ન ઉઠાવ્યા.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ બેઅસર સાબિત થઈ
રુચિરા કંબોજે કહ્યુ રશિયા-યુક્રેન યુદ્ધને બે વર્ષનો સમય વીતી ચૂક્યો છે. દરમિયાન આપણે સંયુક્ત રાષ્ટ્ર સભ્ય દેશો તરીકે અમુક ક્ષણ રોકાઈને વિચારવા અને પોતાને પૂછવાની જરૂર છે કે શું નજીકના ભવિષ્યમાં આ સંકટનું સમાધાન નીકળી શકે છે? જો નીકળી શકતુ નથી તો પછી સંયુક્ત રાષ્ટ્ર વ્યવસ્થા, ખાસ કરીને સુરક્ષા પરિષદ કેમ છે. તેની રચના આંતરરાષ્ટ્રીય સ્તર પર શાંતિ અને સુરક્ષા માટે કરવામાં આવી હતી. આ વર્તમાન સંઘર્ષોને ઉકેલવામાં સંપૂર્ણરીતે બેઅસર સાબિત થઈ છે.
જનરલ એસેમ્બલી પ્લેનરી બેઠકમાં રુચિરા કંબોજનું નિવેદન
ગત શુક્રવારે યુક્રેન સંકટ પર સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીની પ્લેનરી બેઠક થઈ. આ દરમિયાન ભારતની સંયુક્ત રાષ્ટ્રમાં સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે સુરક્ષા પરિષદમાં પરિવર્તનની માંગ કરી. રુચિરા કંબોજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના જૂના માળખામાં પરિવર્તનની માંગ કરી અને કહ્યુ કે જ્યાં સુધી આમાં પરિવર્તન થશે નહીં ત્યાં સુધી સુરક્ષા પરિષદની વિશ્વસનીયતા પ્રશ્નોમાં ઘેરાયેલી રહેશે.
રાજદ્વારી સ્તરે જ ઉકેલ મળી શકે છે
રુચિરા કંબોજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તે નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો. જેમાં પીએમ મોદીએ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને કહ્યુ હતુ કે આ યુદ્ધનો યુગ નથી. કંબોજે કહ્યુ કે યુક્રેન પરિસ્થિતિને લઈને ભારત ચિંતિત છે. અમે સતત એ વાત પર જોર આપી રહ્યા છીએ કે માનવ જીવનની કિંમતે કોઈ સમાધાન થવુ જોઈએ નહીં. હિંસા કોઈના પણ હિતમાં નથી. કંબોજે કહ્યુ કે રાજદ્વારી રીતે જ શાંતિ શક્ય છે અને આ માટે તમામ પક્ષોની વચ્ચે વાતચીત થવી જોઈએ. આપણે એવા પગલા ઉઠાવવાથી બચવુ જોઈએ જેનાથી વાતચીત અને સમાધાનના માર્ગ બંધ થઈ જાય.