'સરકારે વાયદા પૂરા ન કર્યા, ઘર-નોકરી ન આપી..', ગેંગરેપ પીડિતાના પરિવારે રાહુલ ગાંધી સામે વ્યથા ઠાલવી
Rahul Gandhi Rached Hathras | વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુરુવારે હાથરસના ફંવ બુલગઢી જઇને હાથરસ દુષ્કર્મ પીડિતાના પરિવારને મળ્યા હતા. જ્યાં તેમણે પીડિત પરિવાર પાસેથી રાજ્ય સરકારે કરેલા વાયદાઓ વિશે માહિતી મળી હતી. જેમાં જાણવા મળ્યું કે પીડિત પરિવારે ફરિયાદ કરી છે કે યોગી સરકારે જે કંઇ વાયદા કર્યા હતા તે આજ સુધી પૂરા કરાયા નથી. આ પહેલા પીડિતાના પિતાએ રાહુલ ગાંધીને અગાઉ પત્ર પણ લખ્યો હતો અને મળવાનો સમય માગ્યો હતો. પીડિતાના પિતા ચાર વર્ષથી બેરોજગાર છે.
રાહુલે મુલાકાત બાદ ડીએમને કોલ કર્યો
આ મુલાકાત બાદ રાહુલ ગાંધી મીડિયા સાથે વાત કર્યા વિના નીકળી ગયા હતા. રાહુલ ગાંધીએ એકલા જ પરિવાર સાથે મુલાકાત કરી હતી. રાહુલે પછીથી ડીએમ સાથે ફોન પર વાત કરી હતી. રાહુલ ગાંધી અચાનક જ આ પરિવારને મળવા પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે 14 સપ્ટેમ્બર 2020ના રોજ હાથરસમાં 19 વર્ષીય દલિત છોકરી પર સામૂહિક દુષ્કર્મની ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યું હતું. અનેક દિવસની સારવાર બાદ તે મૃત્યુ પામી ગઇ હતી. 29 અને 30 સપ્ટેમ્બરની અડધી રાતે પોલીસે પરિવારને જાણ કર્યા વિના તેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા.
હાથરસ કોર્ટે એક આરોપીને દોષિત ઠેરવ્યો હતો, ત્રણને મુક્ત કરી દીધા હતા
હાથરસની SC-ST કોર્ટે 2023માં ત્રણ આરોપીઓને આ મામલે નિર્દોષ જાહેર કર્યા હતા. જ્યારે એક આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તે જેલમાં છે. સજા સામે તેની અપીલ પરનો કેસ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. પરિવારના સભ્યો હવે CRPFના સુરક્ષા કવચ હેઠળ રહે છે, જે તેમને જેલ જેવું લાગવા લાગ્યું છે. તેઓ સીઆરપીએફને પૂછ્યા વિના કોઈને મળી શકતા નથી અને કોઈને પણ મળવા માટે તેમને સાથે લઈ જવા પડે છે.
ગુસ્સે ભરાયા ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક
રાહુલ ગાંધીની હાથરસ મુલાકાત પર બ્રજેશ પાઠકે કહ્યું કે રાહુલ ગાંધી દરરોજ મૂર્ખતાભર્યા કામો કરતા રહે છે. રાહુલ ગાંધી મૂંઝવણમાં છે. સીબીઆઈ હાથરસ કેસની તપાસ કરી રહી છે. એક તરફ રાજ્ય પ્રગતિ કરી રહ્યું છે તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓ રાજ્યને રમખાણો અને હિંસાની આગમાં ધકેલી દેવા માંગે છે.