Get The App

અલ્લુ અર્જુનને બચાવવા વકીલોએ શાહરુખ ખાનના વડોદરાવાળા કેસનો કેમ કર્યો ઉલ્લેખ?

Updated: Dec 13th, 2024


Google NewsGoogle News
અલ્લુ અર્જુનને બચાવવા વકીલોએ શાહરુખ ખાનના વડોદરાવાળા કેસનો કેમ કર્યો ઉલ્લેખ? 1 - image


Allu Arjun and shahrukh-khan Stampede Case : 'પુષ્પા' સુપરસ્ટાર અલ્લુ અર્જુનની હૈદરાબાદ નાસભાગના મામલે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન શાહરૂખ ખાન સાથે થયેલા આવા જ એક કિસ્સાનો ઉલેખ્ખ કરવામાં આવ્યો હતો. અલ્લુ અર્જુનના વકીલો નિરંજન રેડ્ડી અને અશોક રેડ્ડીએ જણાવ્યું હતું કે 2017માં ફિલ્મ 'રઈસ'ના પ્રમોશન દરમિયાન વડોદરા સ્ટેશન પર નાસભાગમાં શાહરૂખ ખાનના એક ચાહકનું મોત થયું હતું. પરંતુ તેને આ મામલે રાહત આપવામાં આવી હતી. આ આધારે વકીલોએ અલ્લુ અર્જુન માટે રાહતની માંગ કરી હતી. સુનાવણી બાદ તેલંગાણા હાઈકોર્ટે અલ્લુ અર્જુનને ચાર અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા હતા. આ પહેલા હૈદરાબાદની કોર્ટે તેને 14 દિવસ માટે જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.

શું હતો સમગ્ર મામલો? 

વચગાળાના જામીન આપતા હાઈકોર્ટે અલ્લુ અર્જુનને કેસની તપાસમાં અધિકારીઓને સહકાર આપવાનો પણ નિર્દેશ આપ્યો હતો. 4 ડિસેમ્બરે અલ્લુ અર્જુનની લેટેસ્ટ ફિલ્મ 'પુષ્પા 2'ના પ્રીમિયર દરમિયાન હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું. મહિલાના પરિવારની ફરિયાદના આધારે હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુન, તેની સિક્યુરીટી ટીમ અને થિયેટર મેનેજમેન્ટ સામે ભારતીય ન્યાય સંહિતા(BNS)ની કલમ 105 અને 118(1) હેઠળ ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો હતો. પોલીસે આજે બપોરે અલ્લુ અર્જુનની ધરપકડ પણ કરી હતી. આ પહેલા 11 ડિસેમ્બરે અભિનેતાએ તેલંગાણા હાઈકોર્ટમાં કેસને રદ્દ કરવા માટે અરજી કરી હતી.

અલ્લુ અર્જુનના વકીલોએ કોર્ટમાં શું કહ્યું?

અલ્લુ અર્જુનની ધરપકડ બાદ આ જ અરજી પર સુનાવણી દરમિયાન, તેના વકીલે હાઈકોર્ટમાં કહ્યું, 'ફિલ્મ રઈસના પ્રમોશન દરમિયાન શાહરૂખે ચાહકો વચ્ચે ટી-શર્ટ ફેંકવાથી મચેલી નાસભાગને કારણે તેના પર ઈરાદાપૂર્વક હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે શાહરુખ ખાનને રાહત આપી હતી. અને કહ્યું હતું કે, નાસભાગમાં થયેલું મૃત્યુ શાહરૂખ સાથે સીધી રીતે જોડાયેલું નથી, અને આ ગુનાહિત બેદરકારીનો કેસ નથી. 

વધુમાં આ કેસનો ઉલ્લેખ કરતાં રેડ્ડીએ જણાવ્યું હતું કે, અલ્લુ અર્જુને ફિલ્મનું પ્રમોશન અને ચાહકો સાથે વાતચીત કરી હતી, જેનાથી ભીડ ઉત્સાહિત થઈ શકે છે પરંતુ એ તેણે કરેલી બેદરકારી તરીકે જોઈ શકાય નહીં. થિયેટર મેનેજમેન્ટ અને નિર્માતાએ પોલીસને સંધ્યા થિયેટરમાં અભિનેતાના કાર્યક્રમ વિશે પહેલેથી જ જાણ કરી દીધી હતી, તેથી તેને પણ બેદરકારી ગણી શકાય નહીં.

આ પણ વાંચો : શૂટિંગ છોડીને અલ્લુ અર્જુનના ઘરે પહોંચ્યા ચિરંજીવી, પવન કલ્યાણ સ્પેશિયલ ફ્લાઇટથી રવાના

શાહરુખ ખાનનો વડોદરાવાળો કેસ શું હતું?

હકીકતમાં 23 જાન્યુઆરી 2017ના રોજ શાહરૂખ ખાન તેની ફિલ્મ રઈસના પ્રમોશન માટે મુંબઈથી દિલ્હી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. તેની એક ઝલક મેળવવા ચાહકો વડોદરા સ્ટેશન પર મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. નાસભાગને કારણે સ્થિતિ એટલી બગડી ગઈ હતી કે 45 વર્ષના ફરદીન ખાનનું હાર્ટ એટેકથી મોત થઇ ગયું હતું. આ પછી જીતેન્દ્ર સોલંકીએ શાહરૂખ ખાનને ફરદીનના મોત માટે જવાબદાર ગણાવીને તેની સામે ફરિયાદ નોંધાવી હતી. 

સોલંકીએ આક્ષેપ કર્યો હતો કે, શાહરૂખ ખાનની લોકપ્રિયતા અને ટ્રેનમાંથી બહાર આવ્યા પછી ચાહકો સાથે વાત કરવાના તેના પ્રયાસે નાસભાગને પ્રોત્સાહન આપ્યું હતું, જેના કારણે ફરદીન ખાને જીવ ગુમાવ્યો હતો. આ કેસમાં શાહરૂખ ખાનને સમન્સ જારી કરવામાં આવ્યા હતા, પરંતુ પછી કોર્ટે તેને રાહત આપી હતી. કોર્ટે સ્વીકાર્યું હતું કે, શાહરૂખે નાસભાગને કોઈ રીતે પ્રોત્સાહન આપ્યું ન હતું. પરંતુ વધુ ભીડને કારણે આવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. કોર્ટે તેને માફી માંગવાની શરતે આ કેસમાંથી નિર્દોષ જાહેર કર્યો હતો. 

 

અલ્લુ અર્જુનને બચાવવા વકીલોએ શાહરુખ ખાનના વડોદરાવાળા કેસનો કેમ કર્યો ઉલ્લેખ? 2 - image


Google NewsGoogle News