કેજરીવાલે આતિશીને જ દિલ્હીના મુખ્યમંત્રી કેમ બનાવ્યાં? જાણો સાત મુખ્ય કારણ
Delhi New CM Atishi: આખરે દિલ્હીવાસીઓને નવા મુખ્યમંત્રી મળી ગયા. અરવિંદ કેજરીવાલ પછી દિલ્હીના નવા સી.એમ. કોણ, એ પ્રશ્નનો જવાબ મળી ગયો છે. જેલમાંથી મુક્ત થયેલા કેજરીવાલે પોતાના અનુગામી તરીકે આતિશી માર્લેનાને પસંદ કર્યા છે. મંગળવારે (17મી સપ્ટેમ્બર) આમ આદમી પાર્ટી (AAP)ના વિધાયક દળોની બેઠકમાં કેજરીવાલે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે બાબતે બધાએ સર્વાનુમતે સંમતિ આપી હતી.
આ દિગ્ગજોના નામ પણ હતા સ્પર્ધામાં
દિલ્હીના મુખ્યમંત્રી પદ માટેના દાવેદારોમાં સૌરભ ભારદ્વાજ, ગોપાલ રાય, કૈલાશ ગેહલોત અને રાખી બિરલા જેવા ઘણા નામ હતા, છતાં આતિશીના નામ પર મુખ્યમંત્રી પદની મહોર લગાવવામાં આવી. ત્યારે સવાલ એ થાય છે કે અરવિંદ કેજરીવાલે આતિશીને જ દિલ્હીના નવા સી.એમ. કેમ બનાવ્યા? ચાલો, જાણીએ એના કારણો.
1) વિશ્વાસપાત્ર છે
આતિશીને અરવિંદ કેજરીવાલની ખૂબ નજીકના અને વિશ્વાસપાત્ર નેતા ગણાય છે. તેઓ ‘અન્ના આંદોલન’ના સમયથી અરવિંદ કેજરીવાલ અને સંગઠન સાથે જોડાયેલા છે.
2) શક્તિશાળી છે
અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં જેલમાં હતા ત્યારે મક્કમ મનોબળ ધરાવતાં આતિશીએ જ ‘આપ’નો મોરચો સંભાળ્યો હતો. કેજરીવાલ અને સિસોદિયાની ગેરહાજરીમાં આતિશી જ ‘આપ’નો મુખ્ય ચહેરો બની ગયાં હતાં.
આ પણ વાંચો: મનીષ સિસોદિયાના સલાહકારથી CM સુધીની સફર: 2020માં પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા આતિશી
3) વહીવટી કામકાજમાં નિપુણ
આતિશી સરકારી કામકાજ અને સંસ્થાની જવાબદારીઓ ખૂબ સારી રીતે નિભાવી જાણે છે. મીડિયા સમક્ષ ‘આપ’ના પ્રતિભાવ રજૂ કરવામાં પણ એમને સારી ફાવટ છે.
4) શૈલી આક્રમક છે
આતિશીને વિરોધીઓના પ્રહાર ખાળતા સારું આવડે છે. તેઓ આક્રમક ભાષામાં જવાબ આપે છે.
5) સંગઠન અને નેતાઓ પર પકડ
પક્ષના બે મોટા નેતાની ગેરહાજરીમાં સંગઠન અને નેતાઓનું મનોબળ આતિશીએ જ ટકાવી રાખ્યું હતું. પક્ષમાં એમના બોલ્યાનું વજન પડે છે.
6) એકમાત્ર મહિલા નેતા
આમ આદમી પાર્ટીની સરકારના મંત્રીઓમાં એકમાત્ર મહિલા મંત્રી આતિશી છે. તેઓ પાર્ટીમાં મહિલાઓનો અગ્રણી અવાજ બનીને ઊભર્યા છે.
7) શિક્ષણ મંત્રાલય સંભાળ્યું
શિક્ષણ ક્ષેત્રે ‘આપ’ દ્વારા લેવાયેલા પગલાં હંમેશથી ચર્ચાનો મુદ્દો રહ્યાં છે. મનિષ સિસોદિયા જેલમાં ગયા એ પછી આતિશીએ જ શિક્ષણ મંત્રાલયની બાગડોર સંભાળી હતી. એ કામ તેમણે સુપેરે કરી દેખાડ્યું.
આ પણ વાંચો: અમદાવાદની અભિનેત્રીને આંધ્ર પ્રદેશમાં ખોટા કેસમાં ફસાવાઈ હોવાનો આરોપ, ત્રણ IPS સસ્પેન્ડ
ઝડપી અને સફળ રહી રાજકીય સફર
•2019ની લોકસભા ચૂંટણીમાં આતિશીને આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે પૂર્વ દિલ્હીના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટી (BJP)ના ગૌતમ ગંભીર સામે તેઓ 4.77 લાખ મતોના માર્જિનથી હારી ગયાં હતાં.
•2020ની દિલ્હી વિધાનસભાની ચૂંટણી આતિશીએ દક્ષિણ દિલ્હીના કાલકાજી વિધાનસભા મતવિસ્તારમાંથી લડી હતી. તેમણે ભાજપના ઉમેદવાર ધરમવીર સિંહને 11,422 મતોથી હરાવ્યા હતા.
•વર્ષ 2023માં નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા અને આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનના રાજીનામા પછી આતિશીને સૌરભ ભારદ્વાજની સાથે કેબિનેટ પ્રધાન તરીકે દિલ્હી સરકારમાં સામેલ કરવામાં આવ્યા હતાં.
•હવે વર્ષ 2024માં તેમને દિલ્હીનું મુખ્યમંત્રી પદ મળ્યું છે. એ હિસાબે જોઈએ તો, એમ કહી શકાય કે રાજકારણમાં ઉચ્ચ પદે પહોંચતા જ્યાં નેતાઓના જૂતાં ઘસાઈ જતાં હોય છે, ત્યાં આતિશી પ્રમાણમાં બહુ ઝડપથી સી.એમ. પદે બિરાજમાન થઈ ગયાં છે.