લો બોલો, હુમલો ટ્રમ્પ પર થયો અને ભાજપ અહીં રાહુલ ગાંધી પર ભડક્યું
BJP Angry on Rahul gandhi | અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલા બાદથી દુનિયાભરમાંથી પ્રતિક્રિયા આવી છે. ખુદ ભારતના વડાપ્રધાન મોદી આ મામલે ટ્રમ્પને મિત્ર ગણાવતા તેમના પર થયેલા હુમલાની ટીકા કરી ચૂક્યા છે. રાહુલ ગાંધીએ પણ ટ્રમ્પ પર હુમલાની આકરી ટીકા કરી હતી. આ દરમિયાન ભાજપે રાહુલ ગાંધી પર નિશાન તાકવા લાગીને સૌને ચોંકાવ્યા છે.
ભાજપે શેર કર્યો વીડિયો
ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયએ રાહુલ ગાંધીનો વીડિયો શેર કરતાં કહ્યું કે રાહુલ ગાંધીના આ પ્રકારના ઉશ્કેરણીજનક નિવેદનોને કારણે નેતાઓ પર હુમલા થાય છે. જે પ્રકારની ઘટનાઓ અને વાતો અમેરિકામાં થઇ રહી છે એ જ પ્રકારની ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ રાહુલ ગાંધી પણ લોકસભા ચૂંટણી દરમિયાન કરી રહ્યા હતા.
રાહુલ પર લગાવ્યા ગંભીર આરોપ
ભાજપના પ્રવક્તાએ કહ્યું કે રાહુલ ગાંધી વડાપ્રધાનની તુલના હિટલર સાથે કરે છે અને કહે છે કે તે ઘરેથી નહીં નીકળી શકે. ભારતના યુવાનો દંડા વડે મારશે. આ પ્રકારના નિવેદનો જ રાજકારણમાં હિંસાને પ્રોત્સાહિત કરે છે. આ વખતે અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં આ જ થીમ છે કે લોકતંત્ર ખતરામાં છે. આ એવું જ છે જેમ ભારતમાં બંધારણ બચાવવાની હાકલ થઇ હતી. વિરોધીઓની છબિ બગાડવી અને તેમને સરમુખત્યાર ગણાવવા પર કોઈ સંયોગ નથી. પહેલીવાર એવું થઈ રહ્યું છે જ્યારે દુનિયામાં લોકશાહી રીતે ચૂંટાયેલા નેતાઓ પર આ પ્રકારના હુમલા થઇ રહ્યા છે.
રાહુલ ગાંધીની જૂની પોસ્ટ શેર કરી
માલવીયએ કહ્યું કે રાહુલ ગાંધી ત્રીજી વખત ફેલ થયા. ભારતની ચૂંટણીમાં વિદેશી દખલ કરાવવાનો પ્રયાસ કર્યો. માલવીયએ રાહુલ ગાંધીની પોસ્ટનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો હતો જેમાં લખ્યું હતું કે કેમ દુનિયાના સરમુખત્યારોના નામ Mથી જ શરૂ થાય છે જેમ કે માર્કોસ, મુસોલિની, મિલોસેવિક, મુબારક, મુશર્રફ, માઈકોંબેરો.