Get The App

દેશભરમાંથી ચોરાયેલા ફોન આ રાજ્યમાં વેચતાં ઠગો, પછી જે થતું તે જાણીને તમારા હોંશ ઊડી જશે

- ગુરુગ્રામ સાયબર પોલીસ દ્વારા ઠગાઈના મામલાની તપાસમાં આ વાતનો ખુલાસો થયો

Updated: Mar 13th, 2024


Google NewsGoogle News
દેશભરમાંથી ચોરાયેલા ફોન આ રાજ્યમાં વેચતાં ઠગો, પછી જે થતું તે જાણીને તમારા હોંશ ઊડી જશે 1 - image


Image Source: Freepik

નવી દિલ્હી, તા. 13 માર્ચ 2024, બુધવાર

દિલ્હી-એનસીઆરમાંથી ફોન ચોરી કરી લીધા બાદ આ ચોરો તેને નૂહ અને રાજસ્થાનમાં કાર્યરત ઠગોને વેચી રહ્યા છે. આ ફોનનો ઉપયોગ કરીને ઠગો લોકો સાથે ઠગાઈ કરી રહ્યા છે. ગુરુગ્રામ સાયબર પોલીસ દ્વારા ઠગાઈના મામલાની તપાસમાં આ વાતનો ખુલાસો થયો છે. સાયબર પોલીસ હવે લોકોના હાથમાંથી છીનવી લેવામાં આવેલા ફોનની તપાસ કરી રહી છે જેથી ઠગાઈ કરનારાઓ સુધી ફોન પહોંચાડતી ગેંગને શોધી શકાય. આ ઉપરાંત એ પણ જોવામાં આવી રહ્યું છે કે ચોરી લેવામાં આવેલા ફોનના મામલામાં તપાસ ક્યાં સુધી પહોંચી છે.

હરિયાણા પોલીસની કડકાઈ બાદ ઠગોના નકલી સિમ કાર્ડ અને મ્યૂલ બેંક એકાઉન્ટ મળવું ખૂબ મુશ્કેલ બની ગયું છે. આવી સ્થિતિમાં ઠગોએ ફોન અને સિમકાર્ડ માટે ચોરોનો સંપર્ક કરીને નવું નેટવર્ક શરૂ કર્યું છે. ત્યારબાદ ઠગોને સરળતાથી ફોન અને સિમ કાર્ડ મળવા લાગ્યા. સાયબર પોલીસ આ નેટવર્કને પણ તોડવાની યોજના બનાવી રહી છે. આ ઉપરાંત આ ઠગોએ નકલી બેંક ખાતા ખોલાવવા માટે ઘણી ખાનગી બેંકોના મેનેજર અને કર્મચારીઓ સાથે સાઠગાંઠ કરી હજારો ખાતા ખોલાવ્યા હતા.

નવું નેટવર્ક કરી રહ્યા તૈયાર

આ ઠગો ઠગાઈ કરવા માટે સમય પ્રમાણે પોતાની જાતને પણ ટેકનિકલ વિષયોમાં મજબૂત બનાવી રહ્યા છે. આ ઉપરાંત તેઓ સિમ કાર્ડ, મોબાઈલ ફોન અને બેંક એકાઉન્ટ માટે પણ અલગથી નવું નેટવર્ક તૈયાર કરી રહ્યા છે. ઠગો ખાનગી બેંકમાં કામ કરતા મેનેજરો અને કર્મચારીઓને પૈસાની લાલચ આપીને ફસાવે છે. તેમને 15 હજારથી 2 લાખ રૂપિયા આપવામાં આવે છે. આ પૈસાની લાલચમાં બેંક મેનેજર અને કર્મચારીઓએ ઠગોને હજારો ખાતા ખોલાવી આપ્યા છે.

ફોન કરીને 9 લાખની કરી હતી ઠગાઈ

12 એપ્રિલ 2023ના રોજ નુહમાં બેઠેલા ઠગે ચોર પાસેથી છીનવેલા સિમ કાર્ડનો ઉપયોગ કરીને ફેડેક્સ પાર્સલમાં ગેરકાયદેસર ગતિવિધિ સાથે સંબંધિત હોવાના નામે ડરાવ્યો હતો. ત્યાર બાદ મુંબઈ પોલીસનો ઓફિસર બનીને કાર્યવાહી કરવાના નામે 9 લાખ 21 હજાર રૂપિયાની ઠગાઈ કરી હતી. આ મામલાની તપાસ કરતી વખતે સાયબર પોલીસ માનેસરને જાણવા મળ્યું કે જે ફોન અને સિમકાર્ડ પરથી કોલ કરવામાં આવ્યો હતો તે થોડા દિવસો પહેલા જ બિલાસપુર વિસ્તારમાંથી ચોરોએ છીનવી લીધો હતો. ડીસીપી સાયબર સિદ્ધાંત જૈને જણાવ્યું કે ચોરો દ્વારા છીનવામાં આવેલા ફોનનો ઉપયોગ ઠગાઈ કરવા માટે કરવામાં આવ્યો હતો. મામલાની તપાસ કરતા આ વાતનો ખુલાસો થયો હતો. ઠગોના નેટવર્કને નષ્ટ કરવા માટે સાયબર પોલીસ કામ કરી રહી છે.

13 કરોડની ઠગાઈ કરનારા 4ની ધરપકડ

સાયબર પોલીસે દેશભરમાં 3,425 લોકો સાથે ઠગાઈ કરનારા ચાર ઠગોની ધરપકડ કરી છે. આરોપીઓએ લોકો સાથે 13 કરોડ 9 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી. આરોપીઓની ઓળખ મોહિત, મહેશ, વિશ્વકર્મા અને મોહિત મિશ્રા તરીકે થઈ હતી. પોલીસને આરોપીઓ પાસેથી ત્રણ મોબાઈલ ફોન, બે સિમ કાર્ડ અને એક એટીએમ કાર્ડ મળી આવ્યા હતા. ડીસીપી સાયબર સિદ્ધાંત જૈને જણાવ્યું કે, આરોપીઓ વિરુદ્ધ  દેશભરમાં ઠગાઈ કરવાની 3,425 લોકોએ ફરિયાદ કરી છે. તેમની સામે દેશભરમાં 161 કેસ નોંધાયેલા છે. હરિયાણાના અલગ-અલગ જિલ્લામાં 10 કેસ નોંધાયેલા છે. તેમની સામે ગુરુગ્રામના અલગ-અલગ સાયબર પોલીસ સ્ટેશનમાં બે કેસ નોંધાયેલા છે.


Google NewsGoogle News