ઉત્તરાખંડઃ હિમાલયમાં 1200 ફૂટ ઊંચાઈએ રહેતા વાઘ સાત હજાર ફૂટની ઊંચાઈએ કેમ જઈ રહ્યા છે?

ઉત્તરાખંડના કૉર્બેટ નેશનલ પાર્કમાં અને તરાઈ વિસ્તારમાં વાઘની સંખ્યા વધતા આસપાસના લોકોનું સ્થળાંતર

આસપાસ રહેતા લોકો જતા રહેતા તેમજ જંગલી પ્રાણીઓ પહાડો તરફ જતા વાઘોએ સ્થળાંતર કરવાનું શરૂ કર્યું

Updated: Dec 24th, 2023


Google NewsGoogle News
ઉત્તરાખંડઃ હિમાલયમાં 1200 ફૂટ ઊંચાઈએ રહેતા વાઘ સાત હજાર ફૂટની ઊંચાઈએ કેમ જઈ રહ્યા છે? 1 - image

દેશના જાણીતા પ્રવાસન રાજ્ય ઉત્તરાખંડ (Uttarakhand)ના અલ્મોડામાં જાગેશ્વર સ્થિત શૌકિયાથલમાં 12 ડિસેમ્બરે 1870 મીટર (6135 ફુટ) પર વાઘ (Tiger) જોવા મળ્યો હતો. અસહ્ય ઠંડી ધરાવતા બિનસર વિસ્તારમાં પણ વાઘ જોવા મળ્યો છે. બિનસર 2250 મીટર (7382 ફુટ)ની ઊંચાઈ પર આવેલું છે. સામાન્ય રીતે વાઘ તરાઈમાં જોવા મળે છે, પરંતુ હવે વાઘ સ્થળાંતર કરી રહ્યા છે. અહીં સામાન્ય રીતે 1200 ફૂટની ઊંચાઈએ વાઘનો વસવાટ છે, પરંતુ હવે અહીં હિમાલયમાં 7000 ફૂટ ઊંચે વાઘ જોવા મળે છે, જેથી લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે. આ અંગે વન વિભાગે પણ લોકોને સાવધાન કર્યા છે.

વાઘો ઊંચા વિસ્તારોમાં કેમ જઈ રહ્યા છે ?

હવે સવાલ એ છે કે, ઓછી ઊંચાઈએ રહેતા વાઘ આટલા ઊંચા વિસ્તારોમાં કેમ જઈ રહ્યા છે ? વાઘ પહાડો તરફ પ્રથમવાર ગયા હોય તેવું પહેલીવાર બન્યું નથી. અગાઉ પણ આવું થયું છે. સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં બરફ પડતો હતો ત્યારે ઊંચાઈ પર રહેતા ચરવાહા પોતાના પશુઓને ચરાવવા મેદાની વિસ્તારોમાં લઈ જતા. બાદમાં બરફ પીગળ્યા બાદ તેમજ શિયાળો અંતિમ તબક્કામાં આવ્યા બાદ તેઓ પરત ફરતા. આ દરમિયાન વાઘ શિકારની શોધમાં તેમની પાછળ-પાછળ પહાડો તરફ જતા હતા.

ઉત્તરાખંડમાં 560 વાઘ, જેમાંથી 260 કૉર્બેટમાં

કૉર્બેટ નેશનલ પાર્ક (Corbett National Park)ના ડાયરેક્ટર ધીરજ પાંડેએ કહ્યું કે, ઉત્તરાખંડમાં 560 વાઘ છે, જેમાંથી 260 તો એકલા કૉર્બેટમાં રહે છે. બાકીના 300 તરાઈ વિસ્તારમાં રહે છે. વાઘોના સ્થળાંતરનું એક કારણ તેમની સંખ્યા વધી છે તે છે અને બીજું કારણ વિસ્તારની લડાઈ અને સંઘર્ષ છે. આ  ઉપરાંત માનવીય વિકાસ પણ હોઈ શકે. અમારા જંગલનો વિસ્તાર પહેલા ઓછો હતો. આજે પણ એટલો જ છે, પરંતુ પ્રાણીઓની સંખ્યા ઝડપી વધી છે. વાઘ અને હાથી લાંબા અંતરની મુસાફરી કરતા પ્રાણી છે. તેઓ લાંબા સમય સુધી એક સ્થળે રહેતા નથી.

ટેકનિકલ વિકાસથી વાઘોની ટ્રેકિંગ સરળ બની

ઉત્તરાખંડના મુખ્ય વન સંરક્ષક અને મુખ્યમંત્રીના વિશેષ સચિવ ડૉ.પરાગ મધુકર ધકાતે કહ્યું કે, અત્યાધુનિક ટેકનોલોજીના કારણે વન વિસ્તારમાં પ્રાણીઓને ટ્રેક કરવાનું સરળ થઈ ગયું છે. આ પહેલા વાઘોની અવરજવર તરાઈ વિસ્તાર સુધી મર્યાદિત હતી પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. તરાઈ અને હિમાલયની ઊંચાઈ પર ઘણા લાંબા સમયથી વાઘ જોવા મળી રહ્યા છે. અગાઉ આધુનિક ટેકનિકલ સાધનોનો અભાવ હોવાથી વાઘોના હિમાલય તરફ સ્થળાંતર પર નજર રાખવું પડકારજનક હતું. જોકે હવે થર્મલ-સેન્સરવાળા કેમેરા-ટ્રેપ્સ, સેલફોન અને અત્યાધુનિક DSLR કેમેરાથી વાઘોને સરળતાથી ટ્રેક કરી શકાય છે. આ ઉપરાંત તેમના વર્તનમાં થયા ફેરફારનો પણ ઊંડો અભ્યાસ સરળતાથી થઈ શકે છે.  

કૉર્બેટમાં વાઘોની સંખ્યા વધી, વિસ્તાર નાનો પડ્યો

ધીરજ પાંડેએ કહ્યું કે, કૉર્બેટમાં ચાર જ વર્ષમાં વાઘની સંખ્યા 231થી 260 પર પહોંચી ગઈ. તેમાં એક વર્ષના બચ્ચાની ગણતરી કરીએ તો લગભગ 280 પર સંખ્યા પહોંચે. વાઘોને જરૂરિયાત મુજબનું પસંદગીનું ભોજન મળતું હોવાથી વસ્તી વધી છે. તેમનું મનપસંદ ભોજન હરણ છે અને કૉર્બેટમાં હરણો વધુ છે, જેથી વાઘણોનું સંવર્ધન સારી રીતે થઈ રહ્યું છે. રશિયામાં વાઘનો વિસ્તાર 100થી 150 કિલોમીટર છે, અને ત્યાં ભોજન પણ ઓછું છે જ્યારે કૉર્બેટમાં 100 ચોરસ કિલોમીટરમાં 15થી 20 વાઘ જોવા મળશે. વિશ્વભરમાં સૌથી વધુ વાઘ કૉર્બેટમાં છે.

વાઘો સ્થળાંતર કેમ કરી રહ્યા છે ?

વાઘોનું સ્થળાંતર વધતી સંખ્યા પણ એક કારણ છે. પ્રાણીઓનો વ્યવહાર બદલાય છે પણ વાઘમાં એક જ પ્રકારનો વ્યવહાર હોય છે. તે એક જ પેટર્નને અનુસરે છે.  વાઘ પણ વિક્ષેપ, તણાવ, અશાંતિ અનુભવે છે. ક્યારેક એક વિસ્તારમાં ઘણાં વાઘ આવી જાય છે, તેમની ઈનફાઈટિંગ થાય છે ત્યારે સર્વાઈવલ ઓફ ફિટેસ્ટનો નિયમ લાગુ પડે છે.  એટલે કે જે વૃદ્ધ હશે તે બહાર જશે અથવા મરી જશે. માત્ર કૉર્બેટમાં જ નહીં દુધવા નેશનલ પાર્ક (Dudhwa National Park)માં પણ વાઘ સ્થળાંતર કરી રહ્યા છે. આ પાર્કમાં વાઘોની સંખ્યા વધી છે, જેના કારણે તેઓ સ્થળાંતર કરી પીલીભીતમાં શેરડીના ખેતરોમાં જોવા મળ્યા છે. મહારાષ્ટ્રમાં સંજય ગાંધી નેશનલ પાર્ક મુંબઈની નજીક આવેલું હોવાથી અહીં ઘણીવાર ચિત્તા જોવા મળતા હોય છે.

અગાઉ 11,755 ફૂટ ઊંચાઈએ વાઘ કેમેરામાં ટ્રેપ થયો હતો

કૉર્બેટ ટાઈગર રિઝર્વના વરિષ્ઠ પશુચિકિત્સક ડૉક્ટર દુષ્યંત શર્માએ કહ્યું કે, અગાઉ પણ વાઘો ઊંચાઈવાળા વિસ્તારોમાં શિકાર માટે જતા હતા. 2019માં 26 જૂને વાઘ કેદારનાથમાં 11,755 ફૂટ ઊંચાઈએ કેમેરામાં ટ્રેપ થયો હતો. 2016માં 30 જુલાઈએ 5396 ફૂટ ઊંચાઈએ આવેલા પિથૌરાગઢના અસ્કોટમાં ટ્રેપ થયો હતો. 2014માં ફેબ્રુઆરીમાં 7946  ફૂટ ઊંચાઈએ નૈનિતાલના કૈમલ્સ બૈક પહાડ પર વાઘ જોવા મળ્યો હતો.

અગાઉ પહાડો પર ગામડાં હતા, જંગલો હતા, ત્યાં હોટલો અને રિસોર્ટ બની ગયા છે. બહારથી આવેલા લોકોએ અહીં ઘરો બનાવી દીધા છે. અગાઉ પણ ગામડાંમાં વાઘ જોવા મળતા. અહીંના લોકો જંગલી પ્રાણી જોઈ જાય તો ફોટો-વીડિયો ઉતારતા, સોશિયલ મીડિયા પર વાયરલ કરતા, જે સામાન્ય વાત બની ગઈ છે. અગાઉ પણ ગામના લોકો વાઘ જોતા હતા પણ તેનો પ્રચાર કરવા માટે કોઈ સાધન ન હતું. જોકે હવે થર્મલ સેન્સર, ડ્રોન, સેલ ફોન અને અત્યાધુનિક ડીએસએલઆર કેમેરેના કારણે વાઘોનું ટ્રેકિંગ સરળતાથી જાણી શકાય છે.

નજીકમાં શિકાર ન મળતા વાઘોનું અન્ય સ્થળે સ્થળાંતર

કૉર્બેટ નેશનલ પાર્ક પાસે આવેલા પહાડી વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર થતા વાઘો પણ શિકાર શોધવા અન્ય સ્થળે જઈ રહ્યા છે. જંગલી પ્રાણીઓ કૉર્બેટ નેશનલ પાર્ક છોડી પહાડો તરફ જવા લાગ્યા છે. પાર્કની નજીકના નૈનિતાલ અને અલ્મોડા જિલ્લાના પડાહો પર વાઘ, રીંછ જોવા મળવા સામાન્ય બાબત બની ગઈ છે, જેના કારણે અહીં વસતા લોકો સ્થળાંતર કરી રહ્યા છે. લોકો પોતાના ઘરો છોડી શહેરો તરફ જઈ રહ્યા છે. લોકોના ખાલી ઘરો ખંડેર બની ગયા છે, ખેતરો પણ ઉજ્જડ બની ગયા છે. જ્યાં લોકો ખેતી કરતા હતા, ત્યાં ઝાડી-ઝાંખરા છે. વાઘ માટે આવા સ્થળો છુપાવવા માટે સારી જગ્યા છે. બીજી તરફ, અન્ય જંગલી જાનવરો પણ પાર્ક છોડી પહાડો તરફ જતા હોવાથી વાઘોને પણ સરળતાથી ભોજન મળી રહે છે.


Google NewsGoogle News