કાવડ-યાત્રા કેમ અને કઈ રીતે શરૂ થઈ ? શ્રાવણ- શિવરાત્રિ પર જલાભિષેકનું મુહૂર્ત જાણો
- સનાતન ધર્મમાં કાવડ- યાત્રાનું વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે : તેમાં જલાભિષેક કરનાર અને કાવડીયાની પણ ઇચ્છઓ પૂરી થાય છે
નવી દિલ્હી : શ્રાવણ મહિનો શરૂ થતાં કાવડીયાઓની ભીડ શરૂ થઈ જાય છે. શિવમંદિરમાં બમ્- બમ્ ભોલે નાદનો ગુંજારવ થાય છે. શ્રાવણ માસમાં હરિદ્વાર કે તેથી ઉત્તરે ઋષિકેશથી લવાયેલું પવિત્ર જળ શિવલિંગ ઉપર ચઢાવવાથી તે જળાભિષેક કરનારની અને કાવડીયાની પણ તમામ ઇચ્છાઓ પરિપૂર્ણ થાય છે તે માટેનું શુભ મુહૂર્ત જાણવું જરૂરી છે.
કાવડમાં જળભરી, શિવલિંગ કે જ્યોતિર્લિંગ ઉપર અભિષેક કરવાની પરંપરા છે. શ્રાવણમાં ભગવાન શંભુએ વિષપાન કર્યું હતું તે વિષની જ્વાળા શાંત કરવા માટે જળનો અભિષેક કરાય છે. તેથી અભિષેક કરનારની તમામ મનોકામના પૂર્ણ થાય છે તેટલું જ નહીં પરંતુ કાવડીયાની પણ મનોકામના પૂર્ણ થાય છે તેને મૃત્યુનો ડર પણ રહેતો નથી. અભિષેકથી ૧૦૦૦ ગણું અધિક ફળ પ્રાપ્ત થાય છે.
શ્રાવણ માસના કૃષ્ણ પક્ષ (વદ) તેરસ 'શિવરાત્રિ' માનવામાં આવે છે તેથી આ વર્ષે તે અભિષેક ૨૬મી જુલાઈએ થશે તે માટેનો શ્રેષ્ઠ સમય સૂર્યાસ્ત પછી સાંજના ૭.૨૩ કલાકથી ૯.૨૯ કલાક સુધીનો રહેશે. આ રીતે જળાભિષેકનું શુભ મુહૂર્ત બે કલાકથી વધુ સમયનું રહેશે.
શાસ્ત્રીય માન્યતા એવી છે કે ત્રેતાયુગમાં સૌથી પહેલા કાવડ યાત્રા શ્રવણ કુમારે શરૂ કરી હતી. તેઓ માતા પિતાને કાવડમાં બેસાડી હરિદ્વાર ગંગાસ્નાન માટે લઈ ગયા ત્યાંથી ગંગાજળ પણ લીધું અને માતા પિતા દ્વારા શિવલિંગ પર અભિષેક કરાવ્યો. ત્યારથી કાવડયાત્રાનો પ્રારંભ થયો છે.