દેશના સૌથી મોટા રાજ્યમાં અંડર કરન્ટ કે એન્ટિ ઈનકમ્બન્સી? કેમ દર બીજી ચૂંટણીએ લોકો બદલે છે મૂડ

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
દેશના સૌથી મોટા રાજ્યમાં અંડર કરન્ટ કે એન્ટિ ઈનકમ્બન્સી? કેમ દર બીજી ચૂંટણીએ લોકો બદલે છે મૂડ 1 - image


Uttar Pradesh Politics: થોડા મહિના પહેલા અયોધ્યામાં જે રામ મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થઈ. જેની આસપાસ ભારતીય જનતા પાર્ટી છેલ્લા અઢી દાયકાથી રાજનીતિ કરી રહી હતી. ત્યાંની ફૈઝાબાદ સાંસદીય બેઠક પરથી ભાજપની હાર થઈ છે. બનારસનો આ મિજાજ નજર આવ્યો કે જ્યાં જોરશોરથી કાશી વિશ્વનાથના મંદિર અને કોરિડોરનું નિર્માણ કરવામાં આવ્યું, ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલા વોટમાં ઘટાડો થયો. આ એ જ યુપી છે જેણે પાંચ વર્ષ પહેલાની સરખામણીમાં આ ચૂંટણીમાં ભાજપને અડધી બેઠકો પર સમેટાઈ જવાનું રમશિંગુ ફૂંકી દીધું. 

ઉત્તર પ્રદેશ જે રાજકીય રીતે દેશનું સૌથી મુખ્ય રાજ્ય પણ છે. ક્યારેક અહીં રાજકીય મૌન વચ્ચે ઘણું બધું રંધાતુ હોય છે અને ક્યારેક તે ખુલ્લેઆમ કોઈ પક્ષની તરફેણમાં નિર્ણય આપે છે. જો કે, યુપીનો રાજકીય ઈતિહાસ એવો છે કે તે જે પણ પાર્ટીને અસંખ્ય બેઠકો અને મતો આપીને માથે ચઢાવે છે, તેને ઉતારી પણ લે છે.

ઉત્તર પ્રદેશનો આ રાજકીય તેવર અને મિજાજ આજથી નહીં પરંતુ 1952માં ત્યારથી છે જ્યારે ભારતીય લોકતંત્રની શરૂઆત થઈ હતી. તેથી જે પણ પાર્ટી યુપીને પોતાની સાથે માને છે અને વિચારે છે કે તે હવે તેમની લહેર પર સવાર છે, તો તે તેની ગેરસમજને તરત જ સુધારી દે છે.

જે જમાનામાં નેહરુનો દબદબો હતો તે જમાનામાં ઉત્તર પ્રદેશે તેમને ઝટકો આપ્યો હતો. જ્યારે દેશના અન્ય રાજ્યો કોંગ્રેસની સાથે ઉભા હતા ત્યારે પણ યુપીએ અલગ જ રાહ પકડી હતી. 

ઈમરજન્સી બાદ દેશમાં ઈન્દિરા ગાંધી સામે જો કોઈ રાજ્યે સૌથી વધુ ગુસ્સો ઠાલવ્યો હોય તો તે ઉત્તર પ્રદેશ જ હતું અને જ્યારે ઈન્દિરા ગાંધીની હત્યા થઈ ત્યારે સહાનુભૂતિથી ઉપજેલી લહેરમાં રેકોર્ડ બેઠકો જીતાડવાનું કામ પણ આ જ રાજ્યએ કર્યું હતું. જ્યારે 2014ની લોકસભાની ચૂંટણી થઈ ત્યારે ભાજપને 71 બેઠકો અપાવીને કેન્દ્રમાં તેની સરકાર બનાવવાનું કામ પણ યુપીમાં જ થયું હતું. 

1952ની ચૂંટણી- દેશને નવી નવી આઝાદી મળી હતી. દેશમાં નવો ઉમંગ હતો. 1952માં દેશમાં પ્રથમ વખત ચૂંટણી થઈ. સીટોની દૃષ્ટિએ ઉત્તર પ્રદેશ સૌથી મોટું રાજ્ય છે. જેની 86 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. ત્યારબાદ કોંગ્રેસે 81 બેઠકો જીતી હતી. બીજી કોઈ પણ પાર્ટી તેની આસપાસ નહોતી. ત્યારે નેહરુ જનનાયક હતા.

1957ની ચૂંટણી- બીજી લોકસભા ચૂંટણી આવતા-આવતા યુપીમાં પરિવર્તનનો પવન અમુક અંશે ફૂંકાવા લાગ્યો હતો. તે વખતે એક જ ઝાટકે જનતાએ કોંગ્રેસને 11 બેઠકો પર હરાવી દીધી હતી. જ્યારે આખા દેશમાં એ સમયે પણ નેહરુ માટે ભારે ક્રેઝ હતો. કોંગ્રેસને 70 અને જનસંઘને 02 બેઠકો મળી હતી.

1962ની ચૂંટણીઓ - બે ચૂંટણીઓ બાદ યુપીનો ચૂંટણી મૂડ સ્પષ્ટપણે બદલાઈ ગયો હતો. ત્રીજી લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ યુપીનો રાજકીય મૂડ વધુ બદલાઈ ગયો હતો. યુપીમાં કોંગ્રેસની બેઠકો ઘટીને 62 થઈ ગઈ હતી જ્યારે જનસંઘને 07 બેઠકો મળી.

1967ની ચૂંટણી - આ ચૂંટણી અલગ હતી કારણ કે નેહરુના નિધન બાદ કોંગ્રેસ અને તેમની પુત્રી ઈન્દિરા ગાંધી પ્રત્યે સહાનુભૂતિ દેખાઈ રહી હતી. આ કારણે કોંગ્રેસે લોકસભાની 85માંથી 73 બેઠકો જીતી હતી. તેમજ ભારતીય જનસંઘ 12 બેઠકો જીતીને મજબૂત બન્યો હતો.

1971ની ચૂંટણી - આ વખતે ઈન્દિરા ગાંધીએ કોંગ્રેસ તોડીને કોંગ્રેસ એસ બનાવી લીધી હતી. તેથી યુપીએ જૂની કોંગ્રેસને નકારી કાઢી અને ઈન્દિરા ગાંધીની નવી કોંગ્રેસ સાથે ઉભેલી જોવા મળી અને તેણે ઈન્દિરાની કોંગ્રેસને 73 બેઠકો આપી. જનસંઘને 04 બેઠકો મળી હતી.

1977ની ચૂંટણી: : ઈમરજન્સી લાગુ વાને કારણે યુપી ઉકળી રહ્યુ હતું. ઈન્દિરા ગાંધીના વડાપ્રધાન તરીકેના કાર્યકાળને લઈને ખૂબ ગુસ્સો હતો. ઈન્દિરા ગાંધી દ્વારા કરવામાં આવેલા અત્યાચારનો હિસાબ કરવા માટે યુપી તૈયાર હતું. અને તેણે એ રીતે હિસાબ બરાબર કર્યો કે, બધા આશ્ચર્યચકિત થઈ ગયા. આઝાદી બાદ પહેલીવાર કોંગ્રેસને એક પણ બેઠક નહોતી મળી. તેનું ખાતું પણ નહોતું ખોલી શકાયું. ચૂંટણી પહેલા બનેલી નવી જનતા પાર્ટીએ તમામ 85 બેઠકો કબજે કરી હતી.

1980 - જનતા પાર્ટી માત્ર અઢી વર્ષમાં તેની ભૂલોને કારણે પડી ગઈ અને દેશમાં મધ્યસત્ર ચૂંટણી યોજાઈ. યુપી ફરી ઈન્દિરા ગાંધી સાથે ઉભેલું નજર આવ્યું. 85 બેઠકો પર કોંગ્રેસે 50 બેઠકો જીતી તો જનતા પાર્ટી સેક્યુલરે 29 બેઠકો જીતી. 

1984 - ઈન્દિરા ગાંધીની હત્યા બાદ ઉત્તર પ્રદેશ પણ સહાનુભૂતિના મોજાથી અછૂત ન રહ્યું. જ્યારે 85માંથી 83 બેઠકો જીતી ત્યારે ભાજપ ખાતું પણ ખોલી શક્યું નહોતું. આટલી જોરદાર જીત તો કોંગ્રેસને ત્યારે પણ નહોતી મળી જ્યારે નેહરુના સમયમાં તેમણે પહેલી ચૂંટણી લડી હતી. 

1989 - આ વખતે ફરી યુપીનો મૂડ બદલાઈ ગયો હતો. જો પાંચ વર્ષ પહેલા તેમણે કોંગ્રેસને માથે બેસાડી હતી, તો આ વખતે તેમણે તેને સંપૂર્ણપણે પછાડી દીધી હતી. 85માંથી માત્ર કોંગ્રેસને 15 બેઠકો મળી હતી. ભાજપે 08 બેઠકો જીતી હતી જ્યારે વીપી સિંહની આગેવાની હેઠળના જનતા દળે 54 બેઠકો પર જીત મેળવી હતી.

1991: પહેલા વખત રાજ્યએ બીજેપીને ઉભરતી જોઈ. તેણે પહેલી વખત 51 બેઠકો જીતી અને પોતાની શરૂઆત કરી. આ વખતે કોંગ્રેસને માત્ર 05 બેઠકો મળી જે તેનું ખરાબ પ્રદર્શન કહી શકાય છે. જનતા દળને 22 બેઠકો મળી. 

1996 - કોંગ્રેસ ફરીથી 05 બેઠકોમાં સમેટાઈ ગઈ તો ભાજપે 52 બેઠકો  પર જીત મેળવી. સમાજવાદી પાર્ટીએ 16 બેઠકો જીતી હતી જ્યારે BSPને 06 બેઠકો મળી હતી. પરંતુ આ ચૂંટણીએ એ પણ બતાવ્યું કે યુપી હવે નવા પ્રકારના પ્રાદેશિક પક્ષોના સપોર્ટમાં આવી રહ્યું છે. 

1998 - કોંગ્રેસને એક પણ બેઠક નહોતી મળી. તો ભાજપને 57 બેઠકો મળી હતી. સમાજવાદી પાર્ટીએ 20 અને બસપાને 4 બેઠકો મળી હતી.

1999 - કોંગ્રેસે તેની સંખ્યા શૂન્યથી વધારીને 10 કરી, જ્યારે ભાજપને 29 બેઠકો મળી એટલે કે આ વખતે તેણે 28 બેઠકો ગુમાવી. આ વખતે સમાજવાદી પાર્ટી 35 બેઠકો સાથે લીડ પર રહી હતી. બસપાને 14 બેઠકો મળી હતી.

2004 - ઉત્તરાખંડની રચના બાદ પ્રથમ વખત યુપીમાં લોકસભાની 80 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસને 9 અને ભાજપને 10 બેઠકો મળી હતી. આ વખતે સમાજવાદી પાર્ટીને 35 અને બસપાને 19 બેઠકો મળી હતી. જો આપણે જોઈએ તો આ ચૂંટણી ફરી બતાવે છે કે રાજ્યનો રાજકીય મિજાજ બદલાઈ ગયો છે.

2009 - કોંગ્રેસે યુપીમાં સારું પ્રદર્શન કરીને 22 બેઠકો જીતી. આ વખતે પરિણામ ભાજપ માટે સમાન રહ્યું એટલે કે તેને 10 બેઠકો મળી તો સમાજવાદી પાર્ટીને 22 અને બસપાને 20 બેઠકો મળી. પરંતુ આ છેલ્લી ચૂંટણી હતી જ્યારે કોંગ્રેસ ડબલ સુધી પહોંચી શકી હતી. 

2014 - આ એ ચૂંટણી હતી જેણે યુપીમાં ભાજપનો ઝંડો લહેરાવ્યો અને દેશમાં રાજકીય પરિવર્તન પર મહોર લગાવી દીધી. કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓના ઘણી હદ સુધી સૂપડા સાફ થઈ ગયા હતા. ભાજપને 71 બેઠકો, સમાજવાદી પાર્ટીને 5 અને કોંગ્રેસને માત્ર બે બેઠકો મળી હતી.

2019 - આ વખતે ભાજપની બેઠકો 09 ઘટી પરંતુ તેમ છતાં તે 80 લોકસભા બેઠકોમાંથી 62 બેઠકો જીતીને આગળ હતી. કોંગ્રેસને માત્ર એક બેઠક મળી હતી. બસપાએ 10 બેઠકો જીતી હતી જ્યારે સમાજવાદી પાર્ટીએ 05 બેઠકો જીતી હતી.


Google NewsGoogle News