મણિપુરમાં નવા CM કે પછી રાષ્ટ્રપતિ શાસન? સંબિત પાત્રાના શિરે ખાસ જવાબદારી, આ ત્રણ નામ રેસમાં
Manipur CM Resign: મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહે ગઈકાલે પદ પરથી રાજીનામું આપી દીધું છે. જો કે, નવા મુખ્યમંત્રીની નિમણૂક ન થાય ત્યાં સુધી તેઓ કામચલાઉ ધોરણે પદ પર કાર્યરત રહેશે. છેલ્લા ઘણા સમયથી હિંસામાં બળી રહેલાં મણિપુરના મુખ્યમંત્રીના અચાનક રાજીનામાં બાદ દિલ્હીમાં નવા મુખ્યમંત્રી માટે ચર્ચાઓ વધી છે. જો કે, હજુ સુધી હાઈ કમાન્ડ તરફથી કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી.
મણિપુરમાં છેલ્લા કેટલાક સમયથી ડેરો જમાવીને બેઠેલા ભાજપના ટોચના નેતા સંબિત પાત્રાનું નામ મુખ્યમંત્રીની રેસમાં આગળ ચાલી રહ્યું છે. આ સિવાય ભાજપના અન્ય ટોચના નેતાઓનું નામ ચર્ચાઈ રહ્યા છે. જો કે, મણિપુરમાં નવા મુખ્યમંત્રીની પસંદગી થશે કે પછી રાષ્ટ્રપતિ શાસન લાગુ થશે? તે મુદ્દે પણ પક્ષ તરફથી કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી. બીજી તરફ કુકી અને મૈતેઈ સમુદાય વચ્ચે ચાલી રહેલા રમખાણો પર નિયંત્રણ મેળવવામાં નિષ્ફળ બિરેન સિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપતાં આજથી શરૂ થઈ રહેલું મણિપુરનું વિધાનસભા સત્ર સ્થગિત કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ વસ્તી ગણતરીમાં વિલંબ, 14 કરોડ લોકો રેશનથી વંચિત...' સોનિયા ગાંધીના મોદી સરકાર પર પ્રહાર
CMની રેસમાં કોણ સામેલ?
મણિપુરમાં નવા મુખ્યમંત્રીનો ચહેરો હજુ સુધી જાહેર કરાયો નથી. તેમજ તે પણ સ્પષ્ટ નથી કે, ભાજપ નવા મુખ્યમંત્રી બનાવશે કે કેમ? મીડિયા સૂત્રો અનુસાર, મણિપુરમાં CMની રેસમાં ભાજપના દિગ્ગજ નેતા સંબિત પાત્રા ઉપરાંત ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજના મંત્રી યુમનામ ખેમચંદ સિંહ, વરિષ્ઠ કેબિનેટ મંત્રી ટી. વિશ્વજીતસિંહ અને વિધાનસભા સ્પીકર ટી. સત્યબ્રત સિંહનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે.
બિરેનસિંહે ધારાસભ્યોનો વિશ્વાસ ગુમાવ્યો
બિરેનસિંહનું મણિપુરના CM પદેથી રાજીનામું આપવા પાછળનું કારણ આંતરિક ખેંચતાણ અને પક્ષના ધારાસભ્યોનું સમર્થન ગુમાવી રહ્યા હોવાનું મીડિયા સૂત્રોએ જણાવ્યું હતું. ગત ઓક્ટોબર, 2024માં વડાપ્રધાન મોદી સમક્ષ ભાજપના 19 ધારાસભ્યોએ એન.બિરેનસિંહને મુખ્યમંત્રી પદેથી દૂર કરવાની માગ કરતો પત્ર લખ્યો હતો. આ ધારાસભ્યો 10 ફેબ્રુઆરીથી શરૂ થનારું મણિપુર વિધાનસભાના સત્રમાં બિરેનસિંહને નિશાન બનાવી સરકારમાં અશાંતિ સર્જે તેવી ભીતિ વચ્ચે CM પદેથી રાજીનામું આપ્યું છે. તેઓ છેલ્લા સાત વર્ષથી સત્તા પર હતાં.