Get The App

કોણ બનશે લોકસભાના નવા સ્પીકર? એક શરત પર માની જવા તૈયાર છે વિપક્ષ

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
Lok Sabha Speaker Election


Lok Sabha Speaker Election 2024: 18મી લોકસભાનું પહેલું સંસદીય સત્ર આજથી (25મી જૂન) શરૂ થયું છે. આ સત્રમાં સૌથી મોટો મુદ્દો લોકસભા સ્પીકરની ચૂંટણીનો છે. લોકસભા  સ્પીકરનું પદ ખૂબ જ મહત્ત્વ માનવામાં આવે છે. 17મી લોકસભાના  સ્પીકર ભાજપના સાંસદ ઓમ બિરલા હતા, જો કે તેમનો કાર્યકાળ ચૂંટણી યોજાતાની સાથે જ પૂર્ણ થઈ ગયો હતો. એવામાં પહેલાં પ્રોટેમ સ્પીકર પસંદ કરવામાં આવે છે જે સ્પીકરની ચૂંટણી સુધી લોકસભાની કામગીરીનું સંચાલન કરશે. પ્રોટેમ સ્પીકર તરીકે ગૃહના સૌથી વરિષ્ઠ સભ્યને જ પસંદ કરવામાં આવે છે. 

વિપક્ષ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, કેરળના મવેલીક્કારાના સાંસદ કોડીકુનિલ સુરેશને પ્રોટેમ સ્પીકર નિયુક્ત કરવામાં આવે. જો કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ભાજપના સાંસદ ભર્તૃહરિ મહતાબને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કર્યા છે. ઘણી વખત એવું બન્યું છે કે પ્રોટેમ સ્પીકરને પણ સ્પીકરના ઉમેદવાર બનાવવામાં આવ્યા.

વિપક્ષ માત્ર એક જ શરતે સમાધાન કરવા તૈયાર

સૂત્રોના જણાવ્યાનુસાર, વિપક્ષ માત્ર એક જ શરતે લોકસભા સ્પીકર પદ માટે સમાધાન કરવા તૈયાર છે. એટલે કે ડેપ્યુટી સ્પીકર વિપક્ષમાંથી હોવો જોઈએ. જો ભાજપ આ માટે સહમત થાય છે તો વિપક્ષ પણ  સ્પીકર પદ માટે એનડીએના ઉમેદવારને સમર્થન આપી શકે છે. અત્યાર સુધી ભાગ્યે જ એવું બન્યું છે કે વિપક્ષની સંમતિ વિના અધ્યક્ષ ચૂંટાયા હોય.

સરકાર તરફથી પ્રોટેમ સ્પીકરને મદદ કરવા માટે વિપક્ષ તરફથી ત્રણ નામ આપવામાં આવ્યા હતા. જો કે વિપક્ષે તે નામ પણ પાછા ખેંચી લીધા હતા. વિપક્ષનું કહેવું છે કે, જ્યારે કોડીકુનિલ સુરેશ સૌથી વરિષ્ઠ છે તો પછી તેમને પ્રોટેમ સ્પીકર કેમ બનાવવામાં આવી રહ્યાં નથી. વિપક્ષ ઈચ્છે છે કે સુરેશને ડેપ્યુટી સ્પીકર તરીકે પસંદ કરવામાં આવે. પરંતુ જો એનડીએ આના પર સહમત ન થાય તો વિપક્ષ તેમને સ્પીકર પદના ઉમેદવાર તરીકે ઊભા કરી શકે છે. અહેવાલો અનુસાર, I.N.D.I.A. ના નેતાઓ ટૂંક સમયમાં બેઠક યોજવાના છે.

કોંગ્રેસ નેતા જયરામ રમેશે શું કહ્યું?

કોંગ્રેસ નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે, 'કોડીકુનિલ સુરેશ આઠ વખત સાંસદ રહી ચૂક્યા છે. તેમ છતાં સાત વખત સાંસદ બનેલા ભર્તૃહરિ મહતાબને પ્રોટેમ બનાવવામાં આવ્યા છે. જો એવું માનવામાં આવે કે સુરેશ સતત ચૂંટણી જીત્યા નથી તો ભાજપના સાંસદ રમેશ જીગાજીનાગીને પ્રોટેમ સ્પીકર કેમ ન બનાવવામાં આવ્યા. તેઓ સતત સાતમી વખત ચૂંટણી પણ જીત્યા છે.' નોંધનીય છે કે, 2014-19 દરમિયાન મોદી સરકારે AIADMKને ડેપ્યુટી સ્પીકરનું પદ આપ્યું હતું. આ ઉપરાંત 2019 અને 2024 વચ્ચે કોઈને ડેપ્યુટી સ્પીકર બનાવવામાં આવ્યા ન હતા.

કોણ બનશે લોકસભાના નવા સ્પીકર? એક શરત પર માની જવા તૈયાર છે વિપક્ષ 2 - image


Google NewsGoogle News