'I.N.D.I.A' ગઠબંધનમાં કોણ હશે વડાપ્રધાનનો ચહેરો?, કોંગ્રેસ નેતા જયરામ રમેશે કરી દીધો ખુલાસો

Updated: May 22nd, 2024


Google NewsGoogle News
'I.N.D.I.A' ગઠબંધનમાં કોણ હશે વડાપ્રધાનનો ચહેરો?, કોંગ્રેસ નેતા જયરામ રમેશે કરી દીધો ખુલાસો 1 - image


Image: Facebook

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024ના અંતિમ બે તબક્કા બાકી છે. 4 જૂને ચૂંટણીના પરિણામ તમામની સામે હશે. જો વિપક્ષી ગઠબંધનને બહુમત મળે છે તો તેમની તરફથી વડાપ્રધાનનો ચહેરો કોણ હશે તેને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે. આ મુદ્દે જ્યારે કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશને સવાલ પૂછવામાં આવ્યો કે વિપક્ષ તરફથી રાહુલ ગાંધી પીએમનો ચહેરો હશે તો તેમણે કહ્યું કે એક પ્રક્રિયા હેઠળ વડાપ્રધાનનું નામ જાહેર કરવામાં આવશે.

કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું, 'આ વ્યક્તિઓ વચ્ચે બ્યૂટી કોન્ટેસ્ટ નથી. અમે એક પાર્ટી-આધારિત લોકતંત્ર છીએ. સવાલ એ છે કે જનાદેશ કઈ પાર્ટી કે ગઠબંધનને મળશે. પાર્ટીઓને બહુમત મળે છે. પાર્ટી પોતાના નેતા પસંદ કરે છે અને તે નેતા વડાપ્રધાન બને છે.'

'2004માં પસંદ કર્યું હતુ, તેવી જ રીતે આ વખતે પણ વડાપ્રધાન પસંદ કરીશું'

'2004માં 4 દિવસની અંદર મનમોહન સિંહનું નામ જાહેર થઈ ગયું હતું. આ વખતે 4 દિવસ પણ લાગશે નહીં. પીએમના નામનું એલાન 2 દિવસની અંદર થશે. સાંસદ મળીને પસંદ કરશે. આ એક પ્રક્રિયા છે. અમે શોર્ટકટમાં વિશ્વાસ કરતા નથી. આ મોદીની કાર્યશૈલી હોઈ શકે છે. અમે અહંકારી નથી. 2 દિવસ પણ નહીં, અમુક જ કલાકોમાં પીએમના નામનું એલાન થઈ જશે. સૌથી મોટી પાર્ટીના ઉમેદવાર જ પીએમ હશે. આ તેવું જ હશે જેવું 2004માં થયું હતું'

ઉત્તર પ્રદેશથી ભારે જનાદેશ મળશે

આ પહેલા જયરામ રમેશે મંગળવારે કહ્યું હતું કે, '4 જૂને લોકસભા ચૂંટણીમાં 2004 જેવો માહોલ જોવા મળશે કેમ કે I.N.D.I.A બ્લોકને સ્પષ્ટ જનાદેશ મળી રહ્યો છે અને તેમણે દાવો કર્યો કે ગઠબંધનના મજબૂત પ્રદર્શનનું એક પ્રાથમિક કારક ઉત્તર પ્રદેશમાં ખૂબ પ્રભાવશાળી પરિવર્તન હશે.'


Google NewsGoogle News